થાય તે કરી લો... અમે તો લોકોને લૂંટવાના...અમદાવાદ શહેરના નવા CPને લૂંટારુઓનો પડકાર
અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ (Ahmedabad) શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોડી રાત્રે છરી અને ધાક-ધમકીઓથી લૂંટના બનાવો વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરના પૂર્વના નરોડા, ઓઢવ, વટવા અને નારોલ તરફના રિંગ રોડ જેવા વિસ્તારોમાં આવા બનાવો વધી રહ્યા છે....
Advertisement
અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ
અમદાવાદ (Ahmedabad) શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોડી રાત્રે છરી અને ધાક-ધમકીઓથી લૂંટના બનાવો વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરના પૂર્વના નરોડા, ઓઢવ, વટવા અને નારોલ તરફના રિંગ રોડ જેવા વિસ્તારોમાં આવા બનાવો વધી રહ્યા છે. જેને લઈને પોલીસની નાઈટ પેટ્રોલિંગ અને કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.
CP જી.એસ. મલિકે સૂચના પણ આપી હતી
અમદાવાદ શહેરમાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા અને ગુનાખોરી ના વધે તેને લઈને અમદાવાદ શહેરના નવા CP જી.એસ. મલિક દ્વારા ક્રાઇમ કોન્ફરન્સમાં પણ કહ્યું હતું કે ચોરી અને લૂંટના ગુનાઓ વધી રહ્યા છે જે અટકાવવા અંગે તકેદારીના પગલાંઓ લેવામાં આવશે અને અધિકારીઓને સૂચનો પણ કર્યા હતા. પરંતુ એ સૂચનો ક્યાંક દરવાજા સુધી જ અધિકારીઓએ ધ્યાનમાં રાખ્યા હોય તેવું લાગી રહ્યું છે.
એસજી હાઇવે પર ઝાયડસ હોસ્પિટલ નજીક યુવક લૂંટાયો
અમદાવાદ શહેરના એસજી હાઇવે પર શુક્રવારે સાંજે ઝાયડસ હોસ્પિટલ નજીક આવેલા બ્રિજ પાસે બહાર ગામથી આવેલો એક યુવાન લૂંટાયો હતો. સાંજના 5 વાગ્યાની આસપાસ યુવાન થલતેજ ખાતેથી રિક્ષામાં બેસીને વૈષ્ણોદેવી જવા માટે નીકળ્યો હતો. ઝાયડસ હોસ્પિટલ નજીક પહોંચતા આ યુવાનને રીક્ષા ચાલકે ધમકાવીને તેનો મોબાઈલ અને રોકડ રકમ સહિત લૂંટીને રિક્ષામાંથી માર મારીને ઉતારી દીધો હતો. ત્યાંથી યુવાન ઝાયડસ બ્રિજ નીચે આવેલી પોલીસ ચોકી પહોંચે છે અને રજુઆત કરે છે કે આ જ ચાર રસ્તા પર મને એક રીક્ષા ચાલકે માર મારીને લૂંટી લીધો છે. જયારે આ ઘટના બની ત્યારે ત્યાં નજીકમાં જ મોટા અધિકારીઓ પણ હાજર હતા.
પૂર્વ વિસ્તારમાં પણ બની આવી ઘટના
આવીજ એક વધુ ઘટના શહેરના પૂર્વ વિસ્તારમાં શનિવારે મોડી સાંજે બને છે. જ્યાં નોકરીએથી ઘરે જતો યુવક રિક્ષામાં બેઠો હતો અને ગળાના ભાગે છરી મૂકીને મોબાઈલ ફોન સહિત રોકડ રકમ લૂંટીને ફરાર થઇ ગયા હતા. જેમા યુવકને ગળાના ભાગે ઈજાઓના નિશાન પણ છે અને એ નિશાન સાથે ફરિયાદ લખાવવા જાય છે ત્યારે પોલીસ સ્ટેશનમાંથી એવું કહેવામાં આવે છે કે સાહેબ નથી આવ્યા આવે એટલે આવો પછી ફરિયાદ લખીએ. જેથી યુવકે ન્યાયની આશા છોડી અને ફરી રોજની જેમ સોમવારથી પોતાની નોકરીએ જવાનું ચાલુ કર્યું અને તેની સાથે બનેલો બનાવ પણ ભૂલી જવા માંગે છે.
અમદાવાદ પોલીસ માટે એક પડકાર
જો અમદાવાદ જેવા મેગા સિટીમાં આ જ રીતે લૂંટના ગુનાઓ વધતા રહેશે તો આગામી સમયમાં હવે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે આ પ્રકારના બનાવો વધશે. જેને કંટ્રોલ કરવા અમદાવાદ પોલીસ માટે એક પડકાર રૂપ સાબિત થાય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો----રાજસ્થાન તરફથી ચોમાસાની વિદાય પણ ઓક્ટોબર માસ રહેશે ભારે…


