RSS શતાબ્દી મહોત્સવ : મોહન ભાગવતે આપ્યો વિવિધતામાં એકતાનો સંદેશ, દેશને વિશ્વગુરુ બનાવવાનો લક્ષ્ય
- દેશમાં RSS ની શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે
- મોહન ભાગવતે આપ્યો વિવિધતામાં એકતાનો સંદેશ
- દેશને વિશ્વગુરુ બનાવવાની કરી વાત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગે સંઘના અધ્યક્ષ મોહન ભાગવતે દેશને સંબોધન કર્યું. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત RSSની 100 વર્ષની યાત્રા: નવી ક્ષિતિજો વિષય પરના કાર્યક્રમમાં તેમણે રાષ્ટ્રીય એકતા અને વિવિધતાના મહત્વ પર ભાર મૂક્યો. ભાગવતે એકતા માટે એકરૂપતાની જરૂરિયાતને નકારી કાઢી અને કહ્યું કે, “વિવિધતામાં એકતા છે અને વિવિધતા એ એકતાનું પરિણામ છે. તેમણે હિન્દુ શબ્દની વ્યાખ્યા ભૌગોલિક અને સાંસ્કૃતિક પરંપરાઓના વિશાળ માળખામાં કરી, કેટલાક લોકો પોતાને હિન્દુ તરીકે જાણે છે પરંતુ સ્વીકારતા નથી, જ્યારે કેટલાકને તેની જાણ નથી.
RSS અધ્યક્ષ મોહન ભાગવતે કહ્યું દેશને વિશ્વગુરુ બનાવવાનો છે
મોહન ભાગવતે વધુમાં કહ્યું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ ભૌગોલિક નથી, પરંતુ ભારત માતા પ્રત્યેની ભક્તિ અને પૂર્વજોની પરંપરાઓનું સન્માન છે, જે દરેક માટે સમાન છે. આપણો ડીએનએ એક છે. સુમેળમાં જીવવું એ આપણી સંસ્કૃતિનો પાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે RSS એકતા માટે એકરૂપતા પર નહીં, પરંતુ વિવિધતાને સ્વીકારીને એકતા સ્થાપિત કરવામાં માને છે. ભાગવતે ભારપૂર્વક કહ્યું કે ભારત આઝાદીના 75 વર્ષ બાદ પણ ઇચ્છિત દરજ્જો હાંસલ કરી શક્યું નથી, અને RSSનો ધ્યેય દેશને “વિશ્વગુરુ” બનાવવાનો છે. તેમણે દેશના ઉત્થાન માટે સામાજિક પરિવર્તનની જરૂરિયાત પર ઝોર આપ્યો અને કહ્યું, દેશનું ઉત્થાન એક વ્યક્તિના ખભે નથી નાખી શકાતું. દરેક વ્યક્તિની પોતાની ભૂમિકા હશે. તેમણે નેતાઓ, સરકારો અને રાજકીય પક્ષોની ભૂમિકાને આ પ્રક્રિયામાં સહાયક ગણાવી, પરંતુ ભારપૂર્વક જણાવ્યું કે સમાજનું પરિવર્તન અને તેની ક્રમિક પ્રગતિ જ મુખ્ય ચાલક બળ હશે.
RSS અધ્યક્ષ મોહન ભાગવતે હિન્દુ સંસ્કૃતિ વિશે કરી વાત
નોંધનીય છે કે આ કાર્યક્રમમાં ભાગવતે ભારતીય સંસ્કૃતિની વિશેષતા ગણાવતા કહ્યું કે પ્રાચીન કાળથી ભારતીયોએ ક્યારેય લોકો વચ્ચે ભેદભાવ રાખ્યો નથી, કારણ કે તેઓ માને છે કે દરેક વ્યક્તિ અને સમગ્ર વિશ્વ એક જ દિવ્ય શક્તિથી જોડાયેલું છે. તેમણે હિન્દુ શબ્દનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ શબ્દ બહારના લોકોએ ભારતીયો માટે વાપર્યો હતો, અને હિન્દુઓ પોતાના માર્ગને અનુસરવામાં અને અન્યનો આદર કરવામાં માને છે. તેઓ ઝઘડામાં નહીં, પરંતુ સંકલન અને સમન્વયમાં વિશ્વાસ રાખે છે.
આ કાર્યક્રમમાં RSSના રાષ્ટ્રીય પ્રચાર અને મીડિયા વડા સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે આ ત્રણ દિવસીય વ્યાખ્યાન શ્રેણી દરમિયાન મોહન ભાગવત સમાજના અગ્રણી લોકો સાથે સંવાદ કરશે અને દેશ સામેના મહત્વના મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરશે. આ શતાબ્દી સમારોહમાં યોગ ગુરુ રામદેવ, જનતા દળ (યુનાઇટેડ)ના નેતા કે.સી. ત્યાગી, અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત, તેમજ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને અનુપ્રિયા પટેલ સહિતની હસ્તીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમે RSSની દેશના સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટેની પ્રતિબદ્ધતાને રજૂ કરી, અને ભારતને વૈશ્વિક મંચ પર નેતૃત્વ આપનાર રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
આ પણ વાંચો: Indian Navy : સંરક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત, ભારતમાં બનશે નેવીના તમામ જહાજ