સાઉદી અરેબિયાનો ઐતિહાસિક નિર્ણય, 'કફાલા' પ્રથા કરી નાબૂદ,25 લાખ ભારતીયોને મોટી રાહત!
- Kafala System: સાઉદી અરેબિયાએ લીધો ઐતિહાસિક નિર્ણય
- 50 વર્ષ જૂની અને વિવાદાસ્પદ કફાલા સિસ્ટમ નાબૂદ કરી
- ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને લીદો આ મોટો નિર્ણય
સાઉદી અરેબિયાએ (Saudi Arabia) આ મહિને એક ઐતિહાસિક નિર્ણય લેતા આશરે 1.3 કરોડ વિદેશી કામદારોને મોટી રાહત આપી છે. સાઉદીએ સત્તાવાર રીતે 50 વર્ષ જૂની અને વિવાદાસ્પદ કફાલા સિસ્ટમ (Kafala System) નાબૂદ કરી છે, જેને લાંબા સમયથી 'આધુનિક ગુલામી'નું એક સ્વરૂપ માનવામાં આવતું હતું. આ નિર્ણય સાથે સાઉદી અરેબિયા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મહત્વાકાંક્ષી "વિઝન 2030" સુધારણા યોજના તરફ એક મોટું પગલું ભર્યું છે.
Kafala System: સાઉદી અરેબિયાએ કફાલા સિસ્ટમ નાબૂદ કરી
નોંધનીય છે કે આ કફાલા સિસ્ટમ (Kafala System) હેઠળ સાઉદી નોકરીદાતાઓ વિદેશી કામદારોના જીવન પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવતા હતા. નોકરીદાતાઓ કામદારોના પાસપોર્ટ જાળવી રાખતા હતા અને તેઓ ક્યારે નોકરી બદલી શકે છે અથવા દેશ છોડી શકે છે તે નક્કી કરતા હતા, જે તેમને લગભગ બંધક જેવી સ્થિતિમાં મૂકી દેતું હતું.આ સિસ્ટમ હેઠળ આશરે 2.5 મિલિયન ભારતીયો સહિત કુલ 1.3 કરોડ વિદેશી કામદારોને રાહત મળશે. આ પ્રણાલી 1950 ના દાયકામાં વિદેશી કામદારો પર નજર રાખવાના હેતુથી શરૂ કરાઈ હતી, પરંતુ સમય જતાં તે શોષણનું એક મુખ્ય સાધન બની ગઈ હતી.
Kafala System: ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને લીધો આ મોટો નિર્ણય
કફાલા પ્રથા હેઠળ મહિલા કામદારોને સૌથી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. અનેક ભારતીય મહિલાઓએ નોકરીદાતાઓ દ્વારા શારીરિક અને જાતીય શોષણની ફરિયાદો કરી હતી. 2017માં, ગુજરાત અને કર્ણાટકની મહિલાઓ સાથેના અમાનવીય વર્તનના ગંભીર કેસો ભારત સરકારના હસ્તક્ષેપ પછી જ ઉકેલી શકાયા હતા. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જેવી માનવ અધિકાર સંસ્થાઓએ આ પ્રથાને માનવ તસ્કરીનું એક સ્વરૂપ ગણાવી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા દબાણ, માનવ અધિકાર સંગઠનોના અહેવાલો અને વિદેશી નાગરિકોના આક્રોશને કારણે આ પ્રથા નાબૂદ કરવાની ફરજ પડી હતી. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો ઉદ્દેશ્ય દેશની વૈશ્વિક છબી સુધારવા અને આર્થિક વિકાસ માટે વિદેશી રોકાણ આકર્ષવાનો હોવાથી આ ઐતિહાસિક નિર્ણય લેવાયો.જોકે સાઉદી અરેબિયાએ આ સિસ્ટમ નાબૂદ કરી છે, પરંતુ મધ્ય પૂર્વના અન્ય દેશો જેમ કે કુવૈત, ઓમાન, લેબનોન અને કતારમાં આ વિવાદાસ્પદ કફાલા પ્રથા હજી પણ અમલમાં છે. સાઉદી અરેબિયાનો આ નિર્ણય મધ્ય પૂર્વના શ્રમ કાયદાઓમાં એક નવો યુગ શરૂ કરી શકે છે.
શું હતી 'આધુનિક ગુલામી' સમાન આ કફાલા સિસ્ટમ?
કફાલા એ અરબી શબ્દ છે જેનો અર્થ 'પ્રાયોજક પદ્ધતિ' (Sponsorship System) થાય છે. આ સિસ્ટમ ૧૯૫૦ના દાયકામાં શરૂ થઈ હતી, જ્યારે ખાડી દેશોમાં ઓઈલની શોધ થઈ અને વિદેશી મજૂરોનો ધસારો વધ્યો. આ વિદેશી મજૂરો પર નિયંત્રણ રાખવા માટે આ સિસ્ટમ બનાવવામાં આવી હતી.આ પ્રણાલી હેઠળ, કોઈપણ પ્રવાસી મજૂરનો કાનૂની દરજ્જો તેના માલિક કે નોકરીદાતા સાથે જોડાયેલો રહેતો હતો, જેને 'કફીલ' કહેવામાં આવતો હતો.
કેવી રીતે ગુલામ બની જતા હતા?
કફાલા સિસ્ટમ મજૂરોને કાયદેસર રીતે તેમના માલિકના ગુલામ બનાવી દેતી હતી. આ 'કફીલ' પાસે મજૂરના તમામ અધિકારો રહેતા હતા, જેમ કે:
વિઝા પર નિયંત્રણ: કામદારને વિઝા આપવા કે ન આપવા.
નોકરી બદલવાનો અધિકાર: કફીલની મંજૂરી વિના મજૂર નોકરી બદલી શકતો ન હતો.
દેશ છોડવા પર નિયંત્રણ: મજૂરને કાયમ માટે દેશ છોડવા માટે પણ કફીલની પરવાનગી લેવી પડતી હતી.
પાસપોર્ટ જાળવવો: કફીલ મજૂરનો પાસપોર્ટ પોતાની પાસે જમા રાખતો હતો.
આ પણ વાંચો: યુગાન્ડામાં બે બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત,63 લોકોના મોત, અનેક લોકો ઘાયલ