લો બોલો હવે સરકારી કચેરી પણ 'નકલી', ખોટી કચેરી ઊભી કરી સરકારને લગાડ્યો 4.15 કરોડનો ચૂનો
અત્યાર સુધી આપણે નકલી અધિકારી, નકલી પોલીસ અને નકલી ચલણ વિશે તો સાંભળ્યું જ છે પરંતુ હવે તો આખે આખી નકલી સરકારી કચેરી પણ ધમધમવા લાગી છે. સાંભળશો તો બે ઘડી વિશ્વાસ નહીં આવે પરંતુ, છોટાઉદેપુરમાં ખોટી સરકારી કચેરી ઊભી કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ખોટી કચેરી ઊભી કરીને સરકારને 4.15 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો કેસ નોંધાયો છે.
ભેજાબાજ આરોપી સંદીપ રાજપૂતે ખોટી કચેરી ઊભી કરીને ગ્રાન્ટ મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. કાર્યપાલક ઈજનેર સિંચાઈ પ્રોજેક્ટ બોડેલીના નામની નકલી સરકારી કચેરી બનાવી નાખી અને ચોંકાવનારી વાત તો એ છે કે આદિજાતિ વિભાગની કચેરીમાંથી ગ્રાન્ટ પણ પાસ થઈ ગઈ.
ચોંકાવનારી વાત એ છે કે આ નકલી સરકારી કચેરીએ 93 વિકાસ કાર્યોના નામે 4 કરોડ 15 લાખથી વધુની ગ્રાન્ટ મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અત્યાર સુધી તો નકલી અધિકારીઓ પકડાતા હતા અને પકડાય એ પહેલાં સરકારી બાબુઓ હોવાના નામે રોફ જમાવીને લોકોને બોટલમાં ઉતારતા હતા. એ પહેલાં ગાંધીનગરની કરાઈ ટ્રેનિંગ એકેડમીમાં નકલી PSI તાલીમ લેવા પહોંચી ગયો હતો અને હવે તો એનાથી પણ એક સ્ટેપ આગળનો મામલો સામે આવ્યો છે, આ મિસ્ટર નટવરલાલે તો સરકારને જ 4.15 કરોડનો ચૂનો લગાડ્યો છે.
સવાલ એ છે કે ખોટી સરકારી કચેરી હતી તેના નામે કેવી રીતે અલગ અલગ 93 કાર્યો પાસ થયાં અને સવા ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ઉપરી અધિકારીઓએ પાસ કરી નાખી. શું ગુજરાતનું વહીવટી તંત્ર આટલું બધું નક્કામું અને નઘરોળ છે કે કોઈ આલિયો, માલિયો જમાલિયો ખોટી સરકારી કચેરી ઊભી કરીને વિકાસ કાર્યોના નામે ગ્રાન્ટ મેળવવા માટે ફાઈલો મોકલે અને ત્યાં સુધી કોઈને ખબર ન પડે કે આવી તો 91 ફાઈલો પાસ થઈ ગઈ છે અને સવા ચાર કરોડ રૂપિયાની ખેરાત પણ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો -- AMBAJI : ચંદ્રગ્રહણને પગલે દર્શન અને આરતીના સમયમાં થયો ફેરફાર, અંબાજી મંદિર બપોરે 3:30 થી રહેશે બંદ


