Surendranagar: LCB કચેરીમાં સનસની, બાઈક ચોરીના આરોપીનો પૂછપરછ રૂમમાં જ ગળેફાંસો
- Surendranagar માં LCB કચેરીના રૂમમાંથી મળી આરોપીની લાશ
- પૂછપરછ રૂમમાં આરોપી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો
- આરોપી ગજેન્દ્રસિંહ ઝાલા મૂળ ઝીંઝુવાડા ગામનો રહેવાસી
- બાઈક ચોરીના ગુનામાં ઝીંઝુવાડા પોલીસે કરી હતી ધરપકડ
- વધુ પૂછપરછ માટે આરોપીને સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો
- પૂછપરછમાં આરોપીએ 8 બાઈકચોરીના ગુનાની કરી હતી કબૂલાત
- LCB કચેરીમાંથી મૃતદેહ મળી આવતા તપાસનો ધમધમાટ
Surendranagar:સુરેન્દ્રનગર જિલ્લામાં LCB ની કચેરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બાઈક ચોરીના ગુનામાં પકડાયેલા એક આરોપીનો મૃતદેહ પૂછપરછ રૂમમાંથી મળી આવ્યો છે. આરોપીએ કચેરીમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે, જેને પગલે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આરોપીની ઓળખ અને ધરપકડ
મૃતક આરોપીનું નામ ગજેન્દ્રસિંહ ઝાલા(Gajendrasinh Jhala)(ઉ.વ.26) છે, જે મૂળ ઝીંઝુવાડા ગામનો રહેવાસી હતો. ગજેન્દ્રસિંહની ધરપકડ બાઈક ચોરીના એક ગુનાના સંદર્ભમાં ઝીંઝુવાડા પોલીસ(Jinjuwada Police) દ્વારા કરવામાં આવી હતી. આ ગુનાની વધુ વિગતવાર પૂછપરછ અને તપાસ માટે તેને સુરેન્દ્રનગર સ્થિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.
8 બાઈક ચોરીની કબૂલાત બાદ ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર, LCB કચેરીમાં પૂછપરછ દરમિયાન આરોપી ગજેન્દ્રસિંહ ઝાલાએ પોલીસ સમક્ષ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી 8 જેટલી બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ કબૂલાત બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ તે દરમિયાન જ આ દુઃખદ ઘટના બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગજેન્દ્રસિંહને જે રૂમમાં રાખવામાં આવ્યો હતો, ત્યાં જ તેનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કાયદાનું પાલન કરતી કચેરીના રૂમમાંથી જ આરોપીનો મૃતદેહ મળી આવતાં અનેક સવાલો ઊભા થયા છે.
Surendranagar: તપાસનો ધમધમાટ અને પ્રશ્નાર્થ
આ ઘટનાની જાણ થતાં જ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તુરંત LCB કચેરી ખાતે દોડી આવ્યા હતા. પોલીસ પ્રોટોકોલ મુજબ, આ સમગ્ર મામલે હાલમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીએ કયા સંજોગોમાં આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું? પૂછપરછ દરમિયાન કોઈ દબાણ હતું કે પછી તેને કોઈ અન્ય માનસિક તકલીફ હતી? આ તમામ પાસાંઓની તપાસ શરૂ થઈ છે.
આ પણ વાંચોઃ Surendranagar : કાળી માટીનો કાળો કારોબાર; ખાણ ખનીજ વિભાગે 4 એક્સ્કેવેટર, 14 ડમ્પર જપ્ત
આ પણ વાંચોઃ Junagadh: કેશોદના ‘સાંઈરામ મોબાઈલ’ શો રૂમમાં રુ. 29 લાખની ચોરી, કીમિયો જાણી ચોકી જશો!


