ગુજરાતમાં ગૌચરની ગંભીર કટોકટી : 2.7 કરોડ પશુઓ માટે માત્ર 20% જમીન, માલધારી મહિલાઓનું આંતરરાષ્ટ્રીય સંમેલન
- અમદાવાદમાં માલધારી મહિલાઓનું આંતરરાષ્ટ્રીય સંમેલન
ગુજરાતમાં ગૌચરની ગંભીર કટોકટી : 2.7 કરોડ પશુઓ માટે 43 લાખ હેક્ટર જમીનની જગ્યાએ માત્ર 8.5 લાખ હેક્ટર જમીન - IYRP-2026નું એશિયા લૉન્ચ : અમદાવાદમાં 10 દેશની 150થી વધુ માલધારી મહિલાઓ એકઠી, 12મીએ બેચરાજીમાં સંસદ
- ગૌચર જમીનની ચીસ: ગુજરાતમાં જરૂરિયાતના માત્ર 8.5 લાખ હેક્ટર, માલધારી મહિલાઓએ ઉઠાવી આવાજ
- બેચરાજીમાં 12મીએ માલધારી મહિલા સંસદ : નવું ઘોષણાપત્ર જાહેર થશે, ગૌચર-પશુ સ્વાસ્થ્ય પર ચર્ચા
- માલધારી મહિલાઓનો વૈશ્વિક અવાજ : અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સંમેલન, 2026ને IYRP વર્ષ તરીકે ઉજવણી
અમદાવાદ : આજથી અમદાવાદ યુનિવર્સિટી ખાતે મધ્ય અને દક્ષિણ એશિયાની માલધારી મહિલાઓનું આંતરરાષ્ટ્રીય સંમેલન શરૂ થયું છે. આ ત્રિદિવસીય (10થી 12 ડિસેમ્બર 2025) સંમેલન સંયુક્ત રાષ્ટ્રએ 2026ને આંતરરાષ્ટ્રીય ચરિયાણ અને માલધારી વર્ષ (IYRP-2026) જાહેર કર્યું છે, તેના એશિયા પ્રાદેશિક લૉન્ચનો ભાગ છે. આ દરમિયાન ગૌચરની જમીનને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાં ગૌચર જમીનની ભારે ખેંચતાણ સામે આવી છે. રાજ્યમાં હાલ 2 કરોડ 70 લાખથી વધુ પશુઓ નોંધાયેલા છે, જ્યારે ગુજરાત સરકારના જૂના જીઆર મુજબ દરેક 100 ઢોર માટે 40 એકર (16 હેક્ટર) ગૌચર જમીન હોવી જોઈએ. આ હિસાબે ગુજરાતને લગભગ 43 લાખ હેક્ટર ગૌચરની જરૂર છે, પરંતુ હાલ માત્ર 8.5 લાખ હેક્ટર જ ગૌચર જમીન ઉપલબ્ધ છે – એટલે કે જરૂરિયાતના માત્ર 20% જેટલી જ જમીન! આના કારણે ખેડૂતો પોતાની ખેતીની જમીન પર જ ઢોર પાળવા મજબૂર બન્યા છે, જેનાથી ખેતી અને પશુપાલન બંનેને નુકસાન થઈ રહ્યું છે.
માલધારી મહિલા સંમેલનમાં ચિંતાનો વિષય, ગુજરાતમાં ગૌચરની ગંભીર કટોકટી
ગુજરાતમાં સો ઢોરોએ 40 એકડ જમીન ગોચર હોવાનો જીઆર છે. હાલ ગુજરાતમાં 2 કરોડ 70 લાખ પશુઓ નોંધાયેલા છે જેની માટે 8.5 લાખ હેક્ટર જમીન હાલ ગોચર ઉપલબ્ધ છે જે ચિંતાનો વિષય બન્યો છે. આજે અમદાવાદ યુનિવર્સિટી ખાતે યોજાયેલ માલધારી મહિલા સંમેલનમાં આ વિષય પર વિશેષ ચિંતન થયું. હાલ ખેડૂતો ખેતીની જમીન ઉપર ઢોરોનું પાલન કરવા મજબૂર બન્યા છે.
10 દેશોની અને ભારતના 12 રાજ્યોની 150થી વધુ માલધારી મહિલાઓ જોડાઈ
મહત્વનું છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આવનાર વર્ષ 2026 ને 'આંતરરાષ્ટ્રીય ચરિયાણ અને માલધારી વર્ષ' (IYRP) 2026 જાહેર કરવામાં આવ્યું છે, જેનું એશિયા પ્રાદેશિક સ્તરે જાહેર કરવા અંતર્ગત મધ્ય અને દક્ષિણ એશિયાની માલધારી મહિલાઓનું એક આંતરરાષ્ટ્રીય સંમેલન 10થી 12 ડિસેમ્બર 2025 દરમ્યાન ગુજરાત ખાતે અમદાવાદ યુનિવર્સિટી માં યોજાયુ છે. તેમાં એશિયાના 10 દેશોની અને ભારતના 12 રાજ્યોની 150થી વધુ માલધારી મહિલા આગેવાનો સહભાગી થઈ છે. મહિલાઓના નેતૃત્વને મજબૂત બનાવવા, તેમની વૈશ્વિક શાસન પ્રક્રિયાઓમાં ભાગીદારી સુનિશ્ચિત કરવા અને ચરિયાણ વ્યવસ્થા તેમ જ ક્લાયમેટ જસ્ટિસ માટે તેમની ભૂમિકાને ઉજાગર કરવાના હેતુથી આ સંમેલન યોજવામાં આવ્યું છે.
માલધારી મહિલા સંગઠન, દક્ષિણ એશિયાના માલધારી સંગઠન (SAPA) અને મારગ તથા અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા યોજાઈ રહેલા આ સંમેલનમાં માલધારી મહિલા આગેવાનો, નીતિનિર્ધારકો, સંશોધકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને સમુદાય આધારિત સંગઠનો જોડાયા છે. વર્ષ 2010માં યોજાયેલ સંમેલનમાં મેરા ઘોષણાપત્ર તૈયાર થયું હતું જે ઘોષણાપત્ર ઉપર વિશેષ ચર્ચા થશે અને નવો ડ્રાફ્ટ તૈયાર કરાશે.
12 તારીખે બેચરાજીમાં ઘોષણાપત્ર જાહેર કરાશે.12 તારીખે માલધારી બહેનોનું સંસદનું આયોજન બેચરાજી ખાતે થવાનુ છે. ઘોષણા પત્ર થકી વિવિધ મુદ્દાઓને મુખ્યત્વે ગૌચરની જમીન, પશુઓના સ્વાસ્થ્ય અને વિવિધ યોજનાઓ ને લઈને સરકાર સમક્ષ માલધારીઓને લગતી વિવિધ સમસ્યાઓને રજૂ કરાશે.
સંમેલનની ખાસિયતો
એશિયાના 10 દેશો (ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મંગોલિયા, આફઘાનિસ્તાન વગેરે) અને ભારતના 12 રાજ્યોમાંથી માલધારી મહિલા આગેવાનો સહભાગી.
મુખ્ય ઉદ્દેશ : માલધારી મહિલાઓનું નેતૃત્વ મજબૂત કરવું, વૈશ્વિક શાસન પ્રક્રિયાઓમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી અને ચરિયાણ વ્યવસ્થા તથા ક્લાયમેટ જસ્ટિસમાં તેમની ભૂમિકા ઉજાગર કરવી.
આયોજકો : માલધારી મહિલા સંગઠન, સાઉથ એશિયા પાસ્ટોરલિસ્ટ એલાયન્સ (SAPA), મારગ, અમદાવાદ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓ.
12 ડિસેમ્બરે બેચરાજીમાં ઐતિહાસિક કાર્યક્રમ
2010માં યોજાયેલા સંમેલનમાં તૈયાર થયેલા મેરા ઘોષણાપત્ર પર ચર્ચા થશે અને નવો ડ્રાફ્ટ તૈયાર થશે. 12 ડિસેમ્બરે બેચરાજી (મહેસાણા) ખાતે માલધારી મહિલા સંસદનું આયોજન થશે, જેમાં મોટી સંખ્યામાં માલધારી બહેનો હાજર રહેશે.
આ સંમેલનમાં નવું ઘોષણાપત્ર જાહેર કરાશે, જેમાં ગૌચર જમીનની સુરક્ષા, પશુઓનું સ્વાસ્થ્ય, સરકારી યોજનાઓનો લાભ, મહિલાઓની ભૂમિકા અને ક્લાયમેટ જસ્ટિસ જેવા મુદ્દાઓને સરકાર સમક્ષ રજૂ કરાશે. આ સંમેલન ગુજરાત અને એશિયામાં માલધારી સમુદાયની મહિલાઓના અવાજને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો ઐતિહાસિક પ્રસંગ બની રહેશે.
આ પણ વાંચો- Surat : ઓલપાડ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં 30 લાખનું કૌભાંડો? કોંગ્રેસના દર્શન નાયકના ગંભીર આક્ષેપ


