પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે ભારત વિરૂદ્વ ઝેર ઓક્યું, પાક.માં થયેલા આત્મઘાતી હુમલા માટે ભારત જવાબદાર!
- પાકિસ્તાનના PMએ ભારત વિરૂદ્વ ઝેર આક્યું
- ઇસ્લામાબાદમાં એક આત્મઘાતી હુમલો થયો હતો
- આ હુમલા માટે PM શાહબાઝે ભારતને જવાબદાર ગણાવ્યું
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ (PM shehbaz sharif ) ભારત વિરુદ્ધ ઝેર ઓકવાની પોતાની જૂની આદત છે. મંગળવારે ઇસ્લામાબાદ કોર્ટની બહાર (Islamabad Attack) એક મોટો અને ભયાનક આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 12 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આટલી ગંભીર ઘટના બાદ આત્મનિરીક્ષણ કરવાને બદલે, શરીફે ગણતરીના કલાકોમાં જ ભારત પર દોષારોપણ કરવાનું શરૂ કરી દીધું. પાકિસ્તાની વડા પ્રધાને ફરી એકવાર ભારત સામે ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવ્યા છે, જેમાં તેમણે કહ્યું છે કે ભારત પાકિસ્તાનમાં પ્રોક્સી આતંકવાદી હુમલાઓ કરાવી રહ્યું છે.
PM શરીફે લગાવ્યા પાયાવિહોણા આરોપ
શરીફનું આ નિવેદન ખાસ કરીને હાસ્યાસ્પદ છે, કારણ કે હુમલા પછી તરત જ, પાકિસ્તાનમાં આતંકવાદી જૂથ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. તેમ છતાં, પાકિસ્તાની વડા પ્રધાન આંતરરાષ્ટ્રીય ધ્યાન હટાવવા અને ભારત પર દોષ ઢોળવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. પાકિસ્તાની સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, શાહબાઝે કહ્યું, "આ હુમલાઓ પાકિસ્તાનને અસ્થિર કરવાના હેતુથી ભારત-પ્રાયોજિત આતંકવાદનો ભાગ છે."
આ ઉપરાંત, શરીફે કોઈ પુરાવા વિના એવો પણ દાવો કર્યો હતો કે અફઘાન ધરતીથી કાર્યરત તે જ નેટવર્કે વાનામાં બાળકો પર હુમલો કર્યો હતો. તેઓ સોમવારે અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા ખૈબર પખ્તુનખ્વાના વાનામાં એક કેડેટ કોલેજની બહાર થયેલા હુમલાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. સુરક્ષા અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ હુમલો પણ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા જ કરવામાં આવ્યો હતો.
PM શરીફે ભારત સહિત અફઘાનિસ્તાન પર પણ સાધ્યું નિશાન
ઇસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં બોલતા, શાહબાઝ શરીફે અફઘાનિસ્તાન પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, "અફઘાનિસ્તાને સમજવું જોઈએ કે TTP અને અફઘાન ભૂમિ પરથી કાર્યરત અન્ય આતંકવાદી જૂથોને કાબુમાં લઈને જ કાયમી શાંતિ સ્થાપિત કરી શકાય છે." શરીફે આગળ કહ્યું, "ભારતીય આશ્રય હેઠળ અફઘાન ભૂમિ પરથી થઈ રહેલા આ હુમલાઓની નિંદા કરવી પૂરતું નથી." જોકે, ભારતે પાકિસ્તાનના આવા તમામ પાયાવિહોણા આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે અને પાકિસ્તાનને હંમેશા આતંકવાદ સામે આત્મનિરીક્ષણ કરવાની અને તેની ધરતી પરના આતંકવાદી જૂથો પર કાર્યવાહી કરવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: દિલ્હી બાદ પાકિસ્તાનના રાજધાની ઈસ્લામાબાદમાં વિસ્ફોટ! 10 થી વધુના મોત


