ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા સહકારી મહાસંમેલન-2025 યોજાયું

અમદાવાદ ખાતે 'ગુજરાત સહકારી મહાસંમેલન-૨૦૨૫'નો શુભારંભ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
05:15 PM May 18, 2025 IST | Vishal Khamar
અમદાવાદ ખાતે 'ગુજરાત સહકારી મહાસંમેલન-૨૦૨૫'નો શુભારંભ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
Cooperative Conference Ahmedabad gujarat first

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા સહકારી મહાસંમેલન-૨૦૨૫ યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ- ૨૦૨૫ની આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે પણ સહકાર ક્ષેત્ર વર્ષ ૧૯૦૦માં હતું, એટલું જ પ્રાસંગિક છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહકારી ચળવળને પુનર્જીવિત કરવાનો સમય આવ્યો છે, ત્યારે ‘સહકારથી સમૃદ્ધિ’ અને ‘વિકસિત ભારતમાં સહકારની ભૂમિકા’ સૂત્રને સાર્થક કરવા ગામડાની પ્રાથમિક સહકારી મંડળીઓને મજબૂત બનાવવી આવશ્યક છે. આ માટે સહકારી માળખાનો વ્યાપ વધારવા પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે સહકારી ક્ષેત્રમાં જે પરિવર્તનો આવ્યાં છે તેને ગામડાઓ અને ખેડૂતો સુધી પહોંચાડવા સહકાર પ્રશિક્ષણ અને પારદર્શકતા જરૂરી છે.

કેન્દ્રીય સહકાર મંત્રીએ ‘સાયન્સ ઓફ કો-ઓપરેશન અને સાયન્સ ઇન કો-ઓપરેશન’ પર ભાર મૂકતાં જણાવ્યું કે આઝાદી સમયે શરૂ થયેલા સહકારી આંદોલનનો વિકાસ થશે, દરેક રાજ્યમાં પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનશે, તો ગ્રામ્ય, જિલ્લા અને રાજ્યનું સહકારી માળખું પણ મજબૂત બનશે.

તેમણે ત્રિસ્તરીય સહકારી માળખાના બદલે ચાર સ્તરીય સહકારી માળખાની વાત કરી, રાષ્ટ્રીય કક્ષાએ પણ સહકારી માળખાને મજબૂત બનાવવા જણાવ્યું હતું. સહકારિતાને શાસન હિસ્સો બનાવી પારદર્શકતા અને પ્રામાણિકતા સાથે આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો.

અમિતભાઈએ કહ્યું કે સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોય તે જરૂરી છે. પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં આ દિશામાં ખૂબ સરસ કામ થયું હોવાનું જણાવી તેમણે ડેરી, એપીએમસી, સહકારી મંડળીઓનાં ખાતા જિલ્લાની સહકારી બેંકોમાં ખોલાવી સહકારી પ્રવૃત્તિઓને બળ પૂરું પાડી એ દિશામાં આગળ વધવા પર તેમણે ભાર મૂક્યો હતો. ગુજરાતમાં શ્રી ત્રિભોવનભાઈ પટેલના નામથી સહકાર યુનિવર્સિટીની શરૂઆત કરવામાં આવી છે, જેનાથી સહકારી શિક્ષણ ક્ષેત્રે ગુજરાત લીડ લેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

સહકારી માળખાને મજબૂત બનાવવાની વાત કરતાં તેમણે જણાવ્યું કે વર્ષ-૨૦૨૯ સુધીમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં PACS રજિસ્ટર કરી બે લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડળીઓ શરૂ કરવાનું આયોજન છે. એટલું જ નહીં, આ મંડળીઓ બીમાર ન પડે એટલે તેના વિકાસ માટેની નીતિ પણ ઘડવામાં આવશે. આ પ્રાથમિક સહકારી મંડળીઓ પ્રાકૃતિક ખેતીની સમજ પણ આપશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહકારી મહાસંમેલનમાં ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતીય સેનાએ પોતાના શૌર્યપરાક્રમથી તિરંગાની શાન વધારી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેનાથી લઈને સહકાર સુધી નાનામાં નાના લોકોને સાથે રાખીને ચાલવાની પરંપરા શરૂ કરાવી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ની સ્થાપના કરવામાં આવી. આ ઉપરાંત, અલાયદા સહકાર મંત્રાલયની શરૂઆત પણ તેમના નેતૃત્વમાં જ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશની આંતરિક સુરક્ષા સલામતિની સાથે સાથે સહકારના માધ્યમથી છેવાડાના લોકોની ચિંતા પણ કરી છે. તેમના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે, જેની અનુભૂતિના આપ સૌ સાક્ષી છો તેમ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં ૮૯ હજારથી વધુ સહકારી સંસ્થાઓ સાથે ૧.૭૦ કરોડ જેટલા સભાસદો સહકારી માળખા સાથે સંકળાયેલા છે. તેમણે કહ્યું કે આઝાદીનાં ૭૫ વર્ષ પછી દેશને પ્રથમ સહકાર યુનિવર્સિટીની ભેટ મળી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં 'સહકારથી સમૃદ્ધિ'ના મંત્રને ચરિતાર્થ કરી, વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા સાથે મળીને આગળ વધવા અનુરોધ કર્યો હતો.

આ માટે વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેચ ધ રેઇન, એક પેડ મા કે નામ, પ્રાકૃતિક ખેતી, લોકલ ફોર વોકલ, સ્વચ્છતા, સ્વસ્થ જીવન, દેશદર્શન, પાણી બચાવો, યોગ અને ખેલકૂદનું જીવનમાં સ્થાન, ગરીબોને સહાય-એવા નવ સંકલ્પ આપ્યા છે. જેને પરસ્પર સહકાર, સંગઠન અને શક્તિથી ચરિતાર્થ કરવા મુખ્યમંત્રીએ ઉપસ્થિતોને આહ્વાન કર્યું હતું.

સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા

આ તકે ઉપસ્થિત સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે આઝાદીનાં ૭૫ વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં અલાયદુ સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગામડાંનો છેવાડાનો માણસ પણ ગૌરવભેર જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. તેમણે કહ્યું કે સરદાર પટેલ જેવા આગેવાનોના નેતૃત્વમાં ગુજરાતમાં સહકારિતાનો પાયો નખાયો છે, ત્યારે ગ્રામીણ સહકારી મંડળીઓના માધ્યમથી રાજ્યના પ્રત્યેક ખેડૂતને સહકારની આ ઝૂંબેશ સાથે જોડવા તેમણે આહ્વાન કર્યું હતું અને દેશના સહકારી માળખામાં પણ ગુજરાતને મોડલ સ્ટેટ બનાવવા અનુરોધ કર્યો હતો.

ઘનશ્યામ અમીન, અધ્યક્ષ, ગુજરાત સહકારી સંઘ

ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ અમીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘સહકારથી સમૃદ્ધિ’ના સૂત્રને ચરિતાર્થ કરતાં દેશના સૌ પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહે સહકાર ક્ષેત્રે રહેલી ઊણપો દૂર કરીને રાષ્ટ્રીય સ્તરે સહકાર નીતિનું ગઠન કર્યું. તેમના જ પ્રયત્નોથી રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સંસ્થાઓની રચના થકી ખેડૂતોને સીધો લાભ મળે, તેવું આયોજન થયું છે. જેના લીધે આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં સહકારી મંડળીઓ-PACS પણ હવે પરંપરાગત કામગીરીથી આગળ વધીને પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો, પેટ્રોલ પંપ જેવા વ્યવસાયો કરતી થઈ છે. જેનો સીધો લાભ મંડળીઓના સભાસદોને-ખેડૂતોને મળતો થયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ચંદ્રપાલસિંહ યાદવ, ચેરમેન, આઈસીએ

આ પ્રસંગે આઇસીએ (એશિયા-પેસિફિક)ના ચેરમેન શ્રી ચંદ્રપાલસિંહ યાદવે જણાવ્યું કે જ્યારથી દેશમાં સહકાર મંત્રાલયનું ગઠન થયું, ત્યારથી સહકારી સંસ્થાઓને એક નવી તાકાત અને દિશા મળી છે. જેના લીધે લોકોનો સહકારી ક્ષેત્ર તરફ વિશ્વાસ પણ વધ્યો છે. વધુમાં, ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના સશક્ત નિર્ણયોથી સહકારી સંસ્થાઓ આગળ વધી રહી છે. જેના થકી છેવાડાના લોકોનો પણ સહકારના માધ્યમથી વિકાસ થઈ રહ્યો છે.

આ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકાર ક્ષેત્રે થયેલા વિવિધ સીમાચિન્હરૂપ પ્રકલ્પોથી પણ રાજ્યની સહકારી સંસ્થાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહકારી ક્ષેત્રની માર્ગદર્શિકા રૂપ ‘સહકાર સંકલ્પ’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'સહકારથી સમૃદ્ધિ'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાજ્યભરની વિવિધ સહકારી સંસ્થાઓને સહભાગી બનાવવાના ઉદ્દેશથી ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત આ સહકારી મહાસંમેલનમાં ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાની વિવિધ સહકારી સંસ્થાઓના આશરે ૪૫૦૦થી વધુ સહકારી આગેવાનો, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Gandhinagar: ગુજરાતમાં ડ્રગ્સ સામે જંગ, SMC એ 24 કલાકમાં NDPSના ત્રણ કેસ કરી ડ્રગ્સ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી પાડ્યા

આ મહાસંમેલનમાં નાફેડના ચેરમેન અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, જીએસસી બેન્કના ચેરમેન અજયભાઈ પટેલ, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શામળભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીન, સહકારી અગ્રણીઓ ડોલરરાય કોટેચા, બિપીનભાઈ પટેલ, જયેશભાઈ રાદડીયા, અરૂણસિંહ રાણા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સ્થાનિક ધારાસભ્યઓ, આગેવાનો અને રાજ્યભરમાંથી આવેલા સહકારી પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Mahesana : ગોઝારિયામાં નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યુ ઉદ્ઘાટન

Tags :
Ahmedabad NewsCelebration of International Year of CooperativesGujarat FirstGUJARAT FIRST NEWSHome Minister Amitbhai ShahInternational Year of Cooperatives
Next Article