Amit Khunt Suicide Case : સુપ્રીમ કોર્ટનો રાજદીપસિંહ જાડેજાને મોટો ઝટકો, આગોતરા જામીન અરજી નામંજૂર
Amit Khunt Suicide Case : રાજકોટ જિલ્લાના રીબડા ગામના પાટીદાર યુવાન અમિત ખૂંટના આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટે ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજદીપસિંહની આગોતરા જામીન અરજી નામંજૂર કરી દીધી છે, જેના કારણે તેમની ધરપકડનો માર્ગ સંપૂર્ણપણે મોકળો થઈ ગયો છે. આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ છે, અને આ નિર્ણયથી આગળની તપાસમાં વેગ આવી શકે છે.
મળી રહેલી માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષની રજુઆત બાદ સરકાર અને મૂળ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટે રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવી દીધા છે. આમ કાનૂની ફટકાર મળ્યા બાદ હવે રાજદીપસિંહ જાડેજા સરેન્ડર કરી શકે છે, અથવા પોલીસ પોતાના ચક્રોગતિમાન કરીને તેમની ધરપકડ કરી શકે છે.
આ પણ વાંચો- આ લોકો કોઇની દિવાળી બગાડશે! 78 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત
આ કેસની વિગતો અનુસાર, 2025ની શરૂઆતમાં અમિત ખૂંટે આત્મહત્યા કરી લીધી હતી, જેમાં તેમના સુસાઇડ નોટમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના સમર્થકો દ્વારા તેમના પર દબાણ કરવામાં આવ્યાના આરોપો લગાવાયા હતા. અમિતના ભાઈ મનીષ ખૂંટે નોંધાવેલી ફરિયાદમાં અનિરુદ્ધસિંહ જાડેજા (પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા), તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણી સહિતના ત્રણ આરોપીઓના નામ લેવામાં આવ્યા હતા. આરોપીઓએ અમિતને ફસાવવા માટે સગીરાનો ઉપયોગ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
રાજદીપસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાયા પછી તરત જ ફરાર થઈ ગયા હતા અને તેમણે સ્થાનિક ગોંડલ સેશન્સ કોર્ટથી લઈને ગુજરાત હાઈકોર્ટ સુધી આગોતરા જામીન માટે અરજીઓ કરી હતી, જે બધી નામંજૂર થઈ ગઈ. હાઈકોર્ટે 9 સપ્ટેમ્બર, 2025ના રોજ તેમની અરજી ફગાવી દીધી હતી, જેના વિરુદ્ધ રાજદીપસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ આ અરજી નકારી કાઢી છે, જેનાથી હવે પોલીસ તેમની શોધખોળને વધુ તીવ્ર કરશે. આનાથી પહેલાં અનિરુદ્ધસિંહ જાડેજાને પણ સુપ્રીમ કોર્ટે તેમના પાછલા હત્યા કેસમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.
આ કેસમાં ગૃહ વિભાગે 26 ઓગસ્ટ, 2025ના રોજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી છે, જે તપાસને વધુ મજબૂત બનાવશે. ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે. આ કેસ પાટીદાર સમુદાયમાં રાજકીય અને સામાજિક તણાવ વધારી રહ્યો છે, કારણ કે અમિત પાટીદાર સમાજના યુવાન હતા અને તેમના મૃત્યુથી સમુદાયમાં ભારે ક્રોધ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો- Surat કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : BNS કાયદા હેઠળ પ્રથમ બળાત્કાર કેસમાં આરોપીને આજીવન કેદની સજા


