SURAT : રૂ. 100 કરોડના USDT અને હવાલાકાંડની તપાસમાં ED ની એન્ટ્રી
- સુરતમાં હવાલાકાંડમાં ઇડી દ્વારા સઘન તપાસ શરૂ કરાઇ
- ટ્રાવેલ્સના ધંધાની આડમાં ચાલતા ગોરખધંધા પર મોટી તવાઇ
- આરોપીઓ હાલ જેલમાં છે, ઇડી દ્વારા ઘર-ઓફિસે તપાસ કરાઇ
SURAT : સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SURAT SOG POLICE) દ્વારા ઓક્ટોબર 2024 માં યુએસડીટી (USDT SCAM) અને હવાલાકાંડમાં (HAWALA SCAM) કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આ મામલે એસઓજી સાથે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) (ED INVESTIGATION) પણ જોડાઇ હોવાનું સામે આવ્યું છે. હવાલાકાંડમાં પાકિસ્તાન (PAKISTAN) અને બાંગ્લાદેશ (BANGLADESH) કનેક્શન સામે આવતા મામલો ગંભીર બન્યો છે. આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે ઇડી દ્વારા સતત સુરત, અમદાવાદ અને મુંબઇમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
રૂ. 12 હજાર સુધીનું કમિશન આપવામાં આવતું
સમગ્ર મામલે ચાલતી તપાસ અંગે મળતી માહિતી અનુસાર, હવાલાકાંડમાં મકબુલ ડોક્ટર, કાસીફ ડોક્ટર અને માઝ નાડા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તમામ દ્વારા ટ્રાવેલના ધંધાની આડમાં અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલવામાં આવતા હતા. દરેક એકાઉન્ટ ધારકને રૂ. 12 હજાર સુધીનું કમિશન આપવામાં આવતું હતું. આ એકાઉન્ટમાં સાયબર ફ્રોડના પૈસા જમા થતા હતા. આ રૂપિયાને યુએસડીટી માં કન્વર્ટ કરાવીને દુબઇ સહિતના દેશોમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. વિદેશી ટ્રાન્ઝેક્શનના કારણે મામલો ગંભીર બન્યો હતો. જેથી હવે તપાસમાં ઇડીએ એન્ટ્રી લીધી છે.
27 બેન્ક એકાઉન્ટ, 500 થી વધુ સિમકાર્ડ, અને 2 કરન્ટ એકાઉન્ટ મળ્યા
સુત્રોએ જણાવ્યું કે, વિતેલા ત્રણ દિવસથી આ મામલે ઇડીની તપાસ ચાલી રહી છે. જે આગામી સોમવાર સુધી ચાલે તેવી પ્રબળ શક્યતાઓ છે. ઇડી દ્વારા મકબુલ ડોક્ટર સહિત ચાર આરોપીઓના ઘરે તથા ઓફિસે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસમાં ઇડીને 27 બેન્ક એકાઉન્ટ, 500 થી વધુ સિમકાર્ડ, અને 2 કરન્ટ એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. ખાસ કરીને વિદેશ ટ્રાન્સફર કરવામાં આવેલા રૂપિયા અંગે ઇડી દ્વારા મોટી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મોટું કૌભાંડ ખુલે તેવી શક્યતાઓ
સવાર બાદ બપોરે ફરી ઇડી તપાસ માટે પહોંચી હતી. હાલ આરોપીઓ જેલમાં છે. તેમની ગેરહાજરીમાં આ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઇડીની તપાસમાં મોટું કૌભાંડ ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તપાસના અંતે હવે શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો ---- PATIDAR POLITICS : PAAS અને SPGના આગેવાનોની ચિંતન શિબિરમાં મોટી બબાલ


