Surat: સદવિચાર હોસ્પિટલમાં પ્રસૂતાનું મોત થતાં પરિવારનો હોબાળો, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ!
- Surat ના પુણાગામની સદવિચાર હોસ્પિટલ આવી વિવાદમાં
- 3 દિવસ અગાઉ પ્રસુતાનું મોત થતા પરિવારજનોએ મોરચો માંડ્યો
- પરિવારજનો અને સમાજના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા
- હાથમાં બેનરો લઈ સદવિચાર હોસ્પિટલ સામે દેખાવ કર્યા
- Nikita Goswami ના મોત મામલે ન્યાયની કરી માગ
- નિકિતા ગૌસ્વામીનું ડિલિવરી દરમ્યાન મોત થયું હતું
- 2 જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ મોતને ભેટી હતી
Surat Sadvichar Hospital:સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલ(Sadvichar Hospital) સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો સાથે આજે મૃતક પ્રસુતા નિકિતા ગૌસ્વામી(Nikita Goswami)ના પરિવારે અને સમાજના લોકોએ વિરોધ કરી ન્યાયની માંગ કરી છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો હાથમાં બેનરો લઈને જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને નિકિતા ગૌસ્વામીને ન્યાય મળે તે માટે ઉગ્ર દેખાવો કર્યા હતા.
'દોઢ કલાક સુધી તબિયત વિશે માહિતી આપી ન હતી'
સમગ્ર મામલો ત્રણ દિવસ અગાઉનો છે, જ્યારે નિકિતા ગૌસ્વામીએ હોસ્પિટલમાં બે જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ તેમનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું, જેના કારણે પરિવારમાં ઊંડો શોક અને આક્રોશ વ્યાપી ગયો છે. પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે ડિલિવરી બાદ દોઢ કલાક સુધી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા માતાની તબિયત વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નહોતી.
પરિવારના ગંભીર આક્ષેપ
પરિવારના આ આક્રોશનું મુખ્ય કારણ હોસ્પિટલની કથિત બેદરકારી ઉપરાંત એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે: નિકિતાના મોત બાદ તેમના હાથમાં અંગૂઠાનું નિશાન (થમ્બ ઇમ્પ્રેશન) કેટલાક કાગળો પર લેવામાં આવ્યું હતું. મૃતકની બહેન હેતવાંસી ગૌસ્વામીએ સીધો આરોપ છે કે તબીબની બેદરકારીના કારણે જ નિકિતાનું મોત થયું છે અને મૃત્યુ પછી અંગૂઠાનું નિશાન લેવાનું કૃત્ય ગેરકાયદેસર અને શંકાસ્પદ છે, જે હોસ્પિટલ દ્વારા કોઈ બાબત છુપાવવાના પ્રયાસ તરફ ઈશારો કરે છે. ત્રણ દિવસ અગાઉ પ્રસુતાના મોત બાદ હોસ્પિટલ ખાતે પણ પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો, પરંતુ તે સમયે કોઈ નક્કર કાર્યવાહી ન થતા આ મામલો વધુ વકર્યો છે.
Surat પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા
પરિવાર અને સમાજના લોકોએ પોલીસ કાર્યવાહી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમનો આક્ષેપ છે કે પોલીસે તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવાને બદલે માત્ર ખોટું આશ્વાસન આપીને સમય વેડફ્યો, જેના કારણે ન્યાયની આશા ઓછી થઈ ગઈ. આથી આજે પરિવારે મુખ્યમંત્રીને ઉદ્દેશીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આ સમગ્ર મામલાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.
સીસીટીવી ફૂટેજની તપાસની માંગ
મુખ્ય માંગણીઓમાં હોસ્પિટલના ICUના સીસીટીવી ફૂટેજની તપાસ, સારવાર આપનાર સ્ટાફ અને તબીબો લાયકાત (Qualification) ધરાવે છે કે કેમ તેની ચકાસણી, અને મૃત્યુ પછી લેવામાં આવેલા અંગૂઠાના નિશાનની સઘન તપાસ કરવી સામેલ છે. પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી નિકિતાને ન્યાય નહીં મળે અને જવાબદારો સામે કડક પગલાં નહીં લેવાય, ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે. હવે પ્રશાસન આ સંવેદનશીલ મામલે કેવા પગલાં ભરે છે, તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચોઃ Surat: કડોદરાની સાડી મીલમાં ગંભીર દુર્ઘટના, મજૂરનો આખો હાથ છૂટો પડી ગયો પછી…!
આ પણ વાંચોઃ Jamnagar: SJ સિન્ડ્રોમથી દેખાતું બંધ થઈ ગયું!, જીજી હોસ્પિટલે યુવતીને આ રીતે બચાવી લીધી!


