SYRIA માં બે જાતિઓ વચ્ચે લોહિયાળ જંગ, હિંસા અટકાવવા લડવૈયા તૈનાત
- સીરીયામાં ગૃહયુદ્ધની સ્થિતી વકરી
- બેદુઇન જાતિ અને સ્થાનિકો વચ્ચે હિંસક અથડામણ
- આ અથડામણમાં સેંકડો લોકો ઘાયલ થયા હોવાની માહિતી
SYRIA : સીરિયા (SYRIA) માં ફરી એકવાર ગૃહયુદ્ધ (CIVIL WAR) જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ સીરિયાના સ્વેઇદા શહેરમાં (SUWAYDA CITY) બેદુઈન જાતિઓ (BEDOUIN TRIBE FIGHT) અને સ્થાનિક લડવૈયાઓ વચ્ચે હિંસક અથડામણો થઈ રહી છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં 37 લોકો માર્યા ગયા છે અને 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલમાં સીરિયા પર મોહમ્મદ જુલાનીના નેતૃત્વ હેઠળના હયાત તહરિર અલ-શામ (HTS) નું શાસન છે. HTS અધિકારીઓએ કહ્યું છે કે, અથડામણોનો અંત લાવવા માટે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તેમના લડવૈયાઓને તૈનાત કરવામાં આવી રહ્યા છે.
અથડામણમાં ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા
સોમવારે સીરિયામાં બે જાતિઓ વચ્ચે આ અથડામણ શરૂ થઈ છે. આ હિંસાને કારણે સ્વેઇદાથી દમાસ્કસ જતો હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે દાવો કર્યો હતો કે, અથડામણમાં ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા હતા, જેમાં ડ્રુઝ જાતિના 27 સભ્યો (બે બાળકો સહિત) નો સમાવેશ થાય છે, જ્યારે બાકીના 10 બેદુઈન જાતિના હતા.
સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે
આ ઘટના બાદ સીરિયાના વર્તમાન ગૃહ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું છે કે, સ્વેઇડા ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સીરિયન સુરક્ષા દળો (HTS લડવૈયાઓ) તૈનાત કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે, સુરક્ષા દળો અથડામણ બંધ કરશે, મામલો ઉકેલાશે અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા લાગુ કરાશે. તેમજ આ હિંસા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
વચગાળાની સરકાર કાર્યરત
તમને જણાવી દઈએ કે દક્ષિણ સીરિયામાં સ્વેઇડા શહેર ડ્રુઝ જાતિનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. ગયા એપ્રિલમાં ડ્રુઝ જાતિ અને HTS લડવૈયાઓ વચ્ચે હિંસક અથડામણમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. હાલમાં સીરિયામાં મોહમ્મદ જુલાનીના નેતૃત્વ હેઠળ એક વચગાળાની સરકાર કાર્યરત છે. જુલાની હયાત તહરિર અલ-શામ (HTS) નામના સંગઠનના વડા છે. આ સંગઠન હજારો લડવૈયાઓનું એક સશસ્ત્ર જૂથ છે, જેણે 2024 માં તત્કાલીન રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સરકારને સત્તા પરથી ઉથલાવી દીધી હતી.
આ પણ વાંચો ---- BANGLADESH માં હિન્દુ ઉદ્યોગપતિની પથ્થર મારીને હત્યા, હત્યારાઓ મૃતદેહ પર નાચ્યા, ભયનો માહોલ