Technology News: શું છે KYM? જેનાથી વધી શકે છે તમારી મુશ્કેલી
- ફોન ખરીદતા પહેલા KYM તપાસો
- KYM તપાસ્યા વિના ફોન ખરીદવાની ભૂલ ન કરશો!
- નકલી કે ચોરાયેલા ફોનનો ભોગ ન બને તેની ખાતરી કરવી જરુરી
- 3 વર્ષ સુધીની જેલ અને ₹50 લાખ સુધીનો થઈ શકે દંડ
Technology News: સ્માર્ટફોન આજે દરેક માટે જરૂરી બની ગયા છે, પરંતુ તેમના વધતા ઉપયોગ સાથે, નકલી, ક્લોન કરેલા IMEI અને ચોરાયેલા મોબાઇલ ફોનનું બજાર પણ ઝડપથી વિસ્તરી રહ્યું છે. આવા માહોલમાં, એ જાણવું અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે કે તમે જે ફોન ખરીદી રહ્યા છો તે અસલી છે કે તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. આ મુદ્દાને ઉકેલવા માટે, સરકારે KYM (Know Your Mobile) નામનું એક ખાસ સાધન શરૂ કર્યું છે, જે ફક્ત થોડીક સેકન્ડોમાં ફોનની અધિકૃતતા જાહેર કરી શકે છે.
KYM નો હેતુ
વપરાશકર્તાઓ નકલી કે ચોરાયેલા ફોનનો ભોગ ન બને તેની ખાતરી કરવી. IMEI નંબર પર આધારિત આ સાધન જણાવે છે કે ફોન બ્લેકલિસ્ટેડ છે, રિપોર્ટ થયેલ છે, ચોરાયેલ છે કે તેની સાથે ચેડા કરવામાં આવ્યા છે. આજકાલ, બદલાયેલા IMEI નંબરવાળા ફોન સરળતાથી ઉપલબ્ધ છે, જેનાથી સુરક્ષા જોખમો વધી રહ્યા છે. KYM આ જોખમોને દૂર કરવા અને સલામત ખરીદીને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે.
3 વર્ષ સુધીની જેલ અને રુ.50 લાખ સુધીનો દંડ
સરકારે મોબાઇલ ફોન ઓળખ સાથે છેડછાડ કરવા સામે કડક કાર્યવાહી કરી છે. કોઈપણ વ્યક્તિ કે કંપની ફોનનો IMEI બદલતા પકડાય તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ અને ₹50 લાખ સુધીનો ભારે દંડ થઈ શકે છે. વધુમાં, આ ગુનો બિનજામીનપાત્ર છે, એટલે કે જામીન મેળવવા મુશ્કેલ બની શકે છે.
ફોનને કેવી રીતે ચેક કરવો?
તમારા ફોનને ચેક કરવો ખૂબ જ સરળ છે. તમારા ફોનથી ફક્ત 14422 પર "KYM" લખીને મોકલો. તમને તરત જ તમારા ફોનના મેક, મોડેલ અને અસલી સ્ટેટસની વિગતો આપતો પ્રતિસાદ મળશે. જો તમને IMEI ખબર ન હોય, તો *#06# ડાયલ કરો અને નંબર તમારી સ્ક્રીન પર દેખાશે.
સરકારે આ સુવિધા વેબસાઇટ અને એપ બંને પર ઉપલબ્ધ કરાવી છે. તમે sancharsaath પોર્ટલ પર ‘Know Your Mobile’ વિકલ્પમાં IMEI નંબર દાખલ કરીને સંપૂર્ણ રિપોર્ટ જોઈ શકો છો, અથવા તમે એપ ડાઉનલોડ કરીને પણ તે જ તપાસ કરી શકો છો.
KYM કેમ છે મહત્વનું ?
KYM નકલી ફોન સામે રક્ષણ આપવામાં ઘણી રીતે મદદ કરે છે. તે ચોરાયેલા મોબાઇલ ફોનને ઓળખવાનું સરળ બનાવે છે, ક્લોન કરેલા IMEI ધરાવતા ખતરનાક ઉપકરણોને બજારમાં આવતા અટકાવે છે અને ગ્રાહકોને ખાતરી આપે છે કે તેઓ અસલી ફોન ખરીદી રહ્યા છે. IMEI નંબર એ ફોનની અનન્ય ઓળખ છે, જે આધાર નંબર જેવી જ છે. આ નંબરનો ઉપયોગ કરીને, KYM તમારા ફોનની સાચી ઓળખ જાહેર કરે છે.
આ અર્થમાં, KYM એક એવું સાધન છે જે ફક્ત તમારી સુરક્ષા જ નહીં પરંતુ તમને નોંધપાત્ર નુકસાન અને કાનૂની ગૂંચવણોથી પણ બચાવે છે. તેથી, KYM તપાસ્યા વિના ફોન ખરીદવાની ભૂલ ક્યારેય ન કરો.
આ પણ વાંચો: ડિસેમ્બર 2025માં સ્માર્ટફોનનું મહા-લોન્ચિંગ, 5 સૌથી પાવરફુલ ફોન આવી રહ્યા છે માર્કેટમાં