Tharad : ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર બાઈક થકી ડ્રગ્સની હેરાફેરી; પોલીસે ₹9.50 લાખનું MD ડ્રગ્સ ઝડપ્યું
- Tharad : રાજસ્થાનથી જામનગર જઈ રહ્યું હતું ₹9.50 લાખનું MD: થરાદ પોલીસે બાઈક સહિત ઝડપી પાડ્યું
- થરાદ પોલીસે 95 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપી પાડ્યા
- ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર બાઈક થકી ડ્રગ્સની હેરાફેરી નિષ્ફળ : થરાદ પોલીસની સફળ કાર્યવાહી
- ₹10.08 લાખનો મુદ્દામાલ જપ્ત : જામનગરના બે માફિયા રંગે હાથ ઝડપાયા
- આબુ રોડથી જામનગર લઈ જવાતો હતો ડ્રગ્સ, થરાદમાં ઝડપાઇ ગયું
Tharad : ગુજરાત પોલીસની સાવચેતીના કારણે વર્ષે દહાડે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડવામાં આવી રહ્યું છે. આ સાથે જ દારૂનો પણ કરોડો રૂપિયાનો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી રહી છે. આ વચ્ચે મળી રહેલા સમાચાર અનુસાર થરાદ પોલીસે એમડી ડ્રગ્સની બાઈક પર થતી હેરાફેરીનો પર્દાફાશ કરીને સાડા નવ લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ ગુજરાત-રાજસ્થાન આંતરરાજ્ય બોર્ડર પર ડ્રગ્સ માફિયાની હલચલ ફરી એક વખત નિષ્ફળ બની છે. થરાદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ખેડા ચેકપોસ્ટ નજીકથી રૂ. 9.50 લાખથી વધુ કિંમતનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને બે આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા છે.
આ પણ વાંચો- 21 નવેમ્બરે સેન્ટ્રલ બેંકનો મહાઅભિયાન : હજારો MSME, ખેડૂતો અને મહિલા ઉદ્યોગસાહસિકોને ઓન-ધ-સ્પોટ લાભ
ઝડપાયેલા આરોપીઓ
- કિશન ચૌધરી (જાટ), મૂળ રાજસ્થાનનો, હાલ રહે. ધરાનગર, જામનગર
- ઓસમાણ ઉર્ફે ઓસ્માન કેર (મુસ્લિમ), રહે. ધરાનગર, જામનગર
પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનના આબુ રોડ વિસ્તારથી મોટા પ્રમાણમાં MD ડ્રગ્સ જામનગર તરફ લઈ જવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. રાઠોડની આગેવાની હેઠળની ટીમે ખેડા ચેકપોસ્ટ નજીક ચેકિંગ ગોઠવ્યું હતું. આ દરમિયાન એક બાઈક શંકાસ્પદ રીતે આવતી જોવા મળી હતી. પોલીસે બાઈકને રોકી તપાસ કરતાં બેગમાંથી 95 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 9.50 લાખ છે. બાઈકની કિંમત રૂ. 58,000 સહિત કુલ રૂ. 10,08,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે આ ડ્રગ્સ રાજસ્થાનના આબુ રોડ વિસ્તારમાંથી લાવવામાં આવ્યું હતું અને જામનગર તથા આસપાસના વિસ્તારમાં વેચવાનું આયોજન હતું. બંને આરોપીઓ જામનગરમાં રહીને ડ્રગ્સનો ધંધો ચલાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
થરાદ પોલીસે બંને આરોપીઓ સામે NDPS એક્ટની કલમ 8(સી), 21(બી), 29 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ નેટવર્કમાં હજુ ઘણા લોકો સંડોવાયેલા છે, તેથી વધુ તપાસ ચાલુ છે.
આ કાર્યવાહીથી ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ડ્રગ્સની હેરાફેરી કરતા માફિયાઓમાં ડરનો માહોલ ઉભો થયો છે. થરાદ પોલીસે આ વર્ષે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે, જે બનાસકાંઠા જિલ્લાને ડ્રગ્સ ટ્રાન્ઝિટ રૂટ તરીકે વાપરવાના પ્રયાસોને મોટો ઝટકો આપે છે.
આ પણ વાંચો-Kutch : પરિવારના વિરોધના કારણે ભારતમાં આવી પહોંચ્યા પાકિસ્તાની પ્રેમી પંખીડા, હવે જેલભેગ થયા


