Art of Living દ્વારા આયોજિત “ભાવ 2025” સમિટમાં પ્રદર્શિત થઈ ભારતની શ્રેષ્ઠ સાંસ્કૃતિક ભવ્યતા
- Art of Living દ્વારા બેંગ્લોર આંતરરાષ્ટ્રીય સેન્ટર ખાતે ભારતનું સૌથી મોટું કળા-સાંસ્કૃતિક સમિટ યોજાયું
- ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ આયોજન, ભારતનાં ભવ્ય સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન
- “ભાવ 2025” માં પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સહિત વિવિધ ક્ષેત્રનાં કલાકારો ઉપસ્થિત રહ્યા
આર્ટ ઓફ લિવિંગ (Art of Living) દ્વારા તેમના બેંગ્લોર આંતરરાષ્ટ્રીય સેન્ટર ખાતે ભારતનું સૌથી મોટું કળા અને સાંસ્કૃતિક સમિટ યોજવામાં આવ્યું. આ ભવ્ય સાંસ્કૃતિક ઉજવણી વિશ્વપ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના (Sri Sri Ravi Shankarji) માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. ગુરુદેવ સાંસ્કૃતિક વારસાનું મહત્ત્વ સમજાવતા કહે છે કે “જો એક સંસ્કૃતિ, ધર્મ અથવા નાગરિકતા અસ્તિત્વમાં ના રહે તો સમગ્ર વિશ્વ વધુને વધુ ગરીબ બની જાય, દરેક સંસ્કૃતિએ વૈશ્વિક વારસો છે અને આપણે બધાએ તેનું સંરક્ષણ કરવું જોઈએ.”
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી તેમ જ ભારત સરકારનાં સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની (Gajendrasinh Shekhawat) ઉપસ્થિતિમાં “ભાવ 2025” (Bhav 2025) નો પ્રારંભ થયો. આ ઉપરાંત કાર્યક્રમમાં પદ્મશ્રી મંજમ્મા જોગથિ, જેમણે કલા ક્ષેત્રમાં ટ્રાન્સજેન્ડર પ્રતિનિધિત્વ માટે મહત્ત્વનું કામ કર્યું છે અને પદ્મશ્રી ઓમપ્રકાશ શર્મા, જેઓ માચ થિયેટરમાં ક્રાંતિ લાવનાર છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, પદ્મશ્રી ઉમા મહેશ્વરી, જે આંધ્ર પ્રદેશની હરિકથા વિદ્વાન છે, અને પ્રતિષ્ઠિત સંગીતકાર ચિત્રવીણા એન. રવિકિરન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અનેક મનમોહક પ્રસ્તુતિઓ કરવામાં આવી, જેમાં ગુજરાતી લોકસંગીતનાં સુપ્રસિદ્ધ ગાયક અતુલ પુરોહિત (Atul Purohit) દ્વારા ગાવામાં આવેલ ગરબાનાં તાલે લોકો ઝૂમી ઉઠ્યા.
કાવ્યા મુરલીધરન અને તેમના ગ્રૂપ દ્વારા રજૂ કરાયેલ ભરતનાટ્યમ પ્રસ્તુતિએ દર્શકોને ભાવવિભોર કરી દીધા હતા. આ સાથે, પ્રખ્યાત કથ્થક નૃત્યાંગના મનીષા સાઠે અને તેમના ત્રણ પેઢીઓનાં કલાકારો દ્વારા કથક નૃત્ય દર્શાવવામાં આવ્યું, જેમાં જુદા-જુદા યુગના કલાકારો માટે એક સમાન મંચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો. સંગીત સમ્રાટ ચિત્રવીણા એન. રવિકિરણ દ્વારા નિર્દેશિત રામ ભજન 30 કલાકારોની ટીમ દ્વારા ગવાયું, જેનાથી ઘણા શ્રોતાઓની આંખોમાં અશ્રુ આવી ગયા. મયૂરભંજ છઉ, પ્રોજેક્ટ છઉની દ્વારા રજૂ કરાયું, જેમાં લોકસંગીત અને યુદ્ધકલા વચ્ચેનું અનોખું જોડાણ દર્શાવવામાં આવ્યું. આ સાથે, બેંગલુરુની (Bengaluru) અયાના ડાન્સ એકેડેમી દ્વારા અદ્યતન ફ્યુઝન ડાન્સ પ્રસ્તુતિએ દર્શકોને અચંબિત કરી દીધા હતા.
ભારતનાં ભવ્ય સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરતા “ભાવ 2025” માં એક અદ્ભુત સાંસ્કૃતિક મનોરંજન રજૂ કરાયું. તેમાં 10 ટ્રાન્સજેન્ડર કલાકારોની એક ટુકડી દ્વારા દેવીના 7 સ્વરૂપો દર્શાવતું ભવ્ય ભરતનાટ્યમ પ્રદર્શન કરવામાં આવ્યું. ઉપરાંત, ધ આર્ટ ઓફ લિવિંગના (Art of Living) ‘આઉટ ઑફ બોક્સ’ મ્યુઝિક જે પૂર્વ કેદીઓનું સંગઠન છે તેમના દ્વારા અભૂતપૂર્વ પ્રસ્તુતિ કરવામાં આવી.
સુશાંત દિવગીકર, જે રાણી કોહેનૂર તરીકે ઓળખાય છે, તેમણે કાર્યક્રમ “ભાવ 2025” ના તેમની ઉદ્ઘાટન પ્રસ્તુતિના અંતે કહ્યું, “કલાની સીમાઓ તમામ જાતિ, ધર્મ અને લિંગથી પરે છે.” આ એ વાત છે જે ખરેખર સાચી છે. પ્રેક્ષકોને ખૂબ જ અચંબિત કરનાર વાત એ હતી કે, વિવિધ સ્તરના કલાકારો, જેમ કે મહાનગાયકો, દિગ્ગજો અને ઊભરતા કલાકારો, હોવા છતાં, 600 થી વધુ પ્રતિનિધિઓ એકસાથે એક જ કળાનાં સમુદાય તરીકે એકત્રિત થયા હતા. આ પ્રકારની એકતાનો અનુભવ માત્ર આસ્થાનાં માધ્યમથી શક્ય છે, અને ભાવ એ કલાકારોને યોગ્ય મંચ પ્રદાન કરે છે જ્યાં તેઓ આ જીવનના પાસાનું અન્વેષણ કરી શકે છે.
શ્રીવિદ્યા વર્ચસ્વી, જે વર્લ્ડ ફોરમ ફોર આર્ટ એન્ડ કલ્ચર (WFAC) નાં ડાયરેક્ટર છે, તેમણે કહ્યું કે, “કલાકારો જેમણે પોતાની શક્તિ અને ઉત્સાહ આનંદ ફેલાવવા માટે સમર્પિત કરી છે, તેમને પણ પુનઃશક્તિ પ્રાપ્ત કરવા માટે સમયની જરૂર છે. “ભાવ 2025” એ તેમને એ ખાસ જગ્યા પ્રદાન કરે છે, જ્યાં તેઓ પોતાની આપવાની ભાવનામાં સંતુલન પુનઃસ્થાપિત કરી શકે છે. ભાવ માત્ર એક ભાવના નથી; તે એક અભિપ્રાય, એક અભિવ્યક્તિ અને એક ઉત્સવ છે.” સાંસ્કૃતિક અને પર્યટનમંત્રી ગજેન્દ્ર શેખાવત એ ઉમેર્યું કે “કુંભ મેળામાં (Mahakumbh) ભિન્ન જાતિ અને વિવિધ દેવતાની ઉપાસના કરતા લોકો એક જ જગ્યાએ ભેગા થાય છે. એ જ રીતે, આજે અહીં એક કલા-કુંભ જોવા મળી રહ્યો છે, જ્યાં વિવિધ ક્ષેત્રોનાં કલાકારો અને કલા રસિકો એકતાની ભાવના સાથે એકત્ર થયા છે”
આ ભવ્ય સમારોહ “ભાવ: ધ એક્સપ્રેશન્સ સમિટ 2025” ના પ્રથમ દિવસે આર્ટ ઓફ લિવિંગ (Art of Living) દ્વારા સીતા ચરિતમનું લોકાર્પણ કરવામાં આવ્યું જે ભારતીય કલાઓનું વિશાળતમ લાઈવ પર્ફોર્મન્સ આર્ટ ઇમર્શન છે, જેમાં 500 કલાકારો અને 30 નૃત્ય, સંગીત અને કલા શૈલીઓનો સમાવેશ થાય છે. આ મહાકાવ્યની 20 થી વધુ વિવિધ આવૃત્તિઓમાંથી સંકલિત વિશિષ્ટ લિખિત રૂપરેખા અને અનેક આદિવાસી ભાષાઓના ગીતોનો સમાવેશ કરાયો છે. આ ગ્રાન્ડ પ્રોજેક્ટ નું 180 દેશોમાં પ્રદર્શન કરાશે.
આ ભવ્ય સમિટ માં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી (Sri Sri Ravi Shankarji) દ્વારા કલાકારોને પ્રતિષ્ઠિત કલા એવોર્ડ્સ 2025 એનાયત કરવામાં આવ્યા તેમ જ જીવનભરનાં પ્રેરણાદાયક યોગદાન માટે પ્રશંસા કરવામાં આવી. આ એવોર્ડથી સન્માનિત કલાકારોમાં ગુજરાત સુપ્રસિદ્ધ ગરબા કલાકાર શ્રી અતુલ પુરોહિત, વીણા માસ્ટર આર. વિશ્વેશ્વરન, મૃદંગમના દિગ્ગજ વિદ્વાન એ. આનંદ, યક્ષગાન આઇકોન બણનેજે સુર્વણા, અને અન્ય અનેક પ્રતિષ્ઠિત કલાકારોનો સમાવેશ થાય છે.


