મુખ્યમંત્રીએ કાંકરેજ બનાસકાંઠામાં રહેશે તેવુ આશ્વાસન આપ્યુ છે: કિર્તીસિંહ
- જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાનું સ્થાનિકોને આશ્વાસન
- કાંકરેજ બનાસકાંઠા જિલ્લામાં જ રખાશે: કિર્તીસિંહ
- મુખ્યમંત્રી સાથે બંને મુલાકાતો સફળ રહી: કિર્તીસિંહ વાઘેલા
કાંકરેજના પૂર્વ ધારાસભ્ય અને હાલના જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, કાંકરેજ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે. મુખ્યમંત્રી સાથે મુલાકાત દરમિયાન તેમને જણાવ્યું કે, કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવામાં આવશે.
‘જિલ્લા વિભાજનથી આપણને મોટી ભેટ મળી છે’
વધુમાં વાઘેલાએ જણાવ્યું કે, જિલ્લા વિભાજનની વાત એ ખૂબ સારી વાત છે આપણને ખૂબ મોટી એક ભેટ મળી કહેવાય. આપણા બધાની મૂળ માંગણી હતી કે આપણા બધાનો બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે.
જિલ્લા વિભાજન બાદ જે શિહોરી ખાતે આંદોલનો કરવામાં આવ્યા ત્યારે પણ કહ્યું હતું કે, આંદોલન બાંદોલન કરવાથી કંઈ થાય નહીં. એ વખતે પણ આપણે બધાને વિશ્વાસ આપતા કહ્યું હતું કે આપણી સરકાર લોકો માટે કામ કરે છે સરકાર ખૂબ સારો નિર્ણય લેશે. શિહોરીમાં આંદોલન થયું એના બીજા દિવસે આપણે મુખ્યમંત્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે, તમારા માટે આપણે સારું વિચારીશું.
‘જિલ્લા વિભાજનને લઈને મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું’
વધુમાં વાઘેલાએ કહ્યું કે, ગઈકાલે પણ મારે ફરી મુખ્યમંત્રીને મળવાનું થયું અને મુખ્યમંત્રીને આપણે રજૂઆત કરતા કહ્યું કે, અમારે બધાની મુખ્ય લાગણી અને માંગણી છે કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે. અને મુખ્યમંત્રીએ આપણને ભરોસો આપ્યો છે કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવશે.


