Dharmabhakti : આજે મંગળવારે હનુમાનજીની પૂજા અર્ચનામાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો, થશે મનોવાંચ્છિત લાભ
- કળિયુગમાં હનુમાનજી પોતાના ભક્તોના તમામ પ્રકારના અવરોધોને દૂર કરે છે
- મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે
- હનુમાનજીના પ્રિય વાર એવા મંગળવારના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ
Dharmabhakti : હિન્દુ ધર્મમાં મંગળવાર અને શનિવાર બંને દિવસ હનુમાનજી (Lord Hanumanji) ને સમર્પિત વાર ગણાય છે. મંગળવારે રુદ્રનો અવતાર ગણાતા હનુમાનજીની વિશેષ પૂજા-અર્ચના કરવાથી મનોવાંચ્છિત લાભ મેળવી શકાય છે. આજના દિવસે કેટલીક ચોક્કસ બાબતોની કાળજી કરવાથી હનુમાનજી પ્રસન્ન રહે છે. આજે અંજનિપુત્ર હનુમાનજીને પ્રિય એવા સિંદૂર, આકડાની માળા અને કેસરી ધ્વજ ચઢાવવાથી મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે.
પૂજા-અર્ચનામાં શું ધ્યાન રાખશો ?
હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે કળિયુગમાં હનુમાનજી પોતાના ભક્તોના તમામ પ્રકારના અવરોધોને દૂર કરે છે. મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેથી જ મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા ખાસ ફળદાયી માનવામાં આવે છે. આજે મંગળવારે હનુમાનજી પૂજા-અર્ચના કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે. જેમાં સૌથી પહેલા વહેલી સવારે ઉઠીને સ્નાનાદિથી પરવારી હનુમાનજીના મંદિરે ચાલતા જાવ. જો મંદિર જવું શક્ય ન હોય તો ઘરમાં જ હનુમાનજીની મૂર્તિ કે છબી સમક્ષ સ્વચ્છ આસન પર બેસો. હનુમાનજી સમક્ષ પંચમુખી દીવો (Panchmukhi Dipak) પ્રગટાવો. હનુમાન ચાલીસાનું પઠન કરો અને હનુમાનજીને સિંદૂર, આકડાની માળા અને કેસરી ધ્વજ અર્પણ કરો. શક્ય હોય તો પીળા ખાદ્ય પદાર્થોનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવો જેમાં ચણા અને બુંદીનો ઉપયોગ કરી શકાય છે.
બ્રહ્મચર્યનું પાલન કરો
હનુમાનજીના પ્રિય વાર એવા મંગળવારના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. શારીરિક અને માનસિક બ્રહ્મચર્યનું વ્રત કરવું જોઈએ. માનસિક રીતે પણ કોઈ વિકાર મગજમાં ન લાવવો જોઈએ. મંગળવારે સૌનું મંગળ થાય તેવી કામના કરવી જોઈએ અને આખો દિવસ મગજમાં સાત્વિક વિચારો પર ધ્યાન આપવું જોઈએ.
વ્યસન અને માંસાહારથી પરહેજ કરો
જો તમે મંગળવારે હનુમાનજીને કરેલ પૂજા-અર્ચનાનું મનોવાંચ્છિત ફળ મેળવવા માંગતા હોવ તો આજના દિવસે વ્યસન અને માંસાહારથી પરહેજ કરો. જ્યારે વ્યક્તિ દારુ કે અન્ય માદક પદાર્થોનું વ્યસન કે માંસાહાર અને વિકારી ખાદ્યપદાર્થોનો ઉપભોગ કરતો નથી ત્યારે તેનું ચિત્ત સ્વસ્થ રહે છે. માનસિક શાંતિનો અહેસાસ થાય છે. જ્યારે ચિત્ત શાંત અને સાત્વિક વિચારોથી ભરપૂર હશે ત્યારે તમારામાંથી નકારાત્મક ઊર્જા દૂર થશે અને સકારાત્કમ ઊર્જાનો સંચાર થશે.
યોગ્ય વસ્તુઓનું દાન કરો
જરુરિયાતમંદ વ્યક્તિઓને યોગ્ય વસ્તુઓનું દાન કરવાથી ભગવાન હનુમાનજીની કૃપા સરળતાથી મેળવી શકાય છે. હનુમાનજી ભગવાનને ખોટા આડંબર પસંદ નથી. તેમની પૂજા અર્ચના પણ સરળ હોય છે. તે જ પ્રમાણે તેમને સરળ વસ્તુઓનું દાન પણ બહુ પ્રિય છે. જો આજે મંગળવારે તમે જરુરિયાતમંદ વ્યક્તિઓને ચણા કે ગોળ આપો છો તો હનુમાનજી આપના પર પ્રસન્ન થશે. આજના દિવસે પીળી બુંદીનો પ્રસાદ વહેંચવાથી હનુમાનજીને ખુશ કરી શકાય છે.
આ પણ વાંચોઃ Dharmabhakti : શિવ સહસ્ત્રનામ સ્તોત્રના મર્મ, મહત્વ અને માહાત્મ્ય વિશે જાણો વિગતવાર


