સુરતમાં બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડ્યું, 6 ફૂટ પાણીમાં કેમેરા સાથે જવાન ઉતર્યો
- સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં બાળક ગટરમાં પડ્યું
- પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ ચાલુ
- બાળક ન મળી આવતા ફાયર વિભાગને આ મામલે જાણ કરી
સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરી હતીં પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું અને છેલ્લા 5 કલાકથી બાળકની શોધખોળ કરી રહ્યું છે. બાળકને શોધવા ફાયર વિભાગ દ્વારા કેમેરાની પણ મદદ લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ બાળકનો જન્મ દિવસ હતો.
120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી
સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં આવેલા સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉ.વ. 2) માતા સાથે સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો. તે દરમિયાન આઇસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યો હતો. તે દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણાં વગરની ખુલ્લી ગટર હતી અને તેમાં બાળક ઊંધા માથે પડ્યું હતું. જોકે, સ્થાનિકો દ્વારા તાત્કાલિક ગટરમાં ઉતરીને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક મળી આવ્યું ન હોતું.
ફાયર વિભાગની ચાર કલાકથી શોધખોળ ચાલુ
જોકે, બાળકનો કોઈ પત્તો ન લાગતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી છે. છેલ્લા ચાર કલાકથી ફાયર વિભાગ દ્વારા ગટરમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી બાળકનો કોઇ પત્તો લાગ્યો નથી.
કેમેરા સાથે ફાયર જવાનને અંદર ઉતારવામાં આવ્યો
ફાયર વિભાગ દ્વારા ઓક્સિજન માસ્ક સાથે ફાયર જવાનને ગટરની અંદર ઉતારવામાં આવ્યો છે. આ સાથે કેમેરાઓ પણ સર્ચિંગ માટે ઉતારવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા 800 મીટરની અંદર તપાસ કરવામાં આવી હતી, પરંતુ બાળકની કોઇ જાણકારી ન મળથા ફાયર વિભાગ દ્વારા ગટરમાંથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Gondal : અવૈધ સબંધનો કરુણ અંજામ, વેરીતળાવમાં મળેલી મહિલાની લાશનો અંતે ભેદ ઉકેલાયો


