Gandhinagar : Operation Sindoor થી મોદીજીએ વિશ્વને સંદેશો આપ્યો કે, "સિંદૂર ભારતના સંસ્કાર છે" : અમિતભાઇ શાહ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે
- 708 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ : ખાતમુહૂર્ત
- વાવોલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
- ગાંધીનગર મનપાના વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું
- ગાંધીનગર મનપાના 554 કરોડના લોકાર્પણ: ખાતમુહૂર્ત કર્યું
- GUDAના રૂ. 108 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
- જિલ્લા તંત્રના 46 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું
આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના કોલવડા ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા, ગુડા અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ પોસ્ટ વિભાગના વિવિધ લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગરપાલિકાના રૂ. ૫૫૪ કરોડ, જિલ્લા વહીવટી તંત્રના રૂ. ૪૬ કરોડના અને ગુડા દ્વારા હાથ ધરાયેલા રૂ. ૧૦૮ કરોડ એમ કુલ મળીને 707 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સામેલ છે.
78 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અમિતભાઈ શાહ દ્વારા કુલ 78 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા હસ્તકના કુલ 78 પ્રોજેક્ટ અન્વયે 575.43 કરોડ રૂપિયાના 45 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સામેલ છે. ઉત્તર વિધાનસભા વિસ્તારમાં 168 કરોડના 15 પ્રોજેક્ટ, દક્ષિણ વિસ્તારમાં 321.50 કરોડના 22 પ્રોજેક્ટ અને બંને વિસ્તારને આવરી લેતા 85.26 કરોડના 8 પ્રોજેક્ટ હાથ તથા મુખ્ય પ્રોજેક્ટમાં સેક્ટર-22 પંચદેવ મંદિરથી સેક્ટર-21 સુધીનો 16.46 કરોડનો અંડરબ્રિજ અને કોલવડા ખાતે 11.52 કરોડના ખર્ચે નિર્માણ થયેલું તળાવનો સમાવેશ થાય છે.
700 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
અમિતભાઈ શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં લગભગ 700 કરોડના કામો કેવળ અને કેવળ ગાંધીનગર દક્ષિણ, ઉત્તર અને માણસા વિધાનસભાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. તેઓએ વિસ્તારના સાંસદ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત સરકારને હૃદયપૂર્વક ધન્યવાદ પાઠવ્યા હતા.
ઓપરેશન સિંદૂરના" માધ્યમથી આતંકવાદીઓના મથકોને જ નેસ્ત નાબૂદ કરી દીધા
અમિતભાઈ શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સમગ્ર ગુજરાતમાં વિકાસનો યજ્ઞ શરૂ થયો. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી જ ગુજરાતની તર્જ પર જ પુરા દેશમાં વિકાસના કામો હાથ ધર્યા અને આજે પ્રત્યેક ક્ષેત્રમાં દેશ ખૂબ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને જેમ વિકસિત બનાવવામાં કોઈ કસર નથી છોડી તેવી જ રીતે દેશને સુરક્ષિત અને સક્ષમ બનાવવામાં પણ કોઈ કમી નથી કરી. 2014માં જ્યારે મોદીજી પ્રધાનમંત્રી બન્યા ત્યાર પહેલા દેશમાં અનેક આતંકી હુમલા થતા હતા પરંતુ તેનો કોઈ જવાબ અપાતો ન હતો. નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા ત્યારબાદ ઉરી, પુલવામાં અને ત્રીજો પહેલગામમાં આતંકવાદી હુમલાઓ થયા અને નરેન્દ્રભાઈ મોદીજીએ પ્રત્યેક હુમલાનો મક્કમતાથી જડબાતોડ જવાબ આપ્યો અને જેના કારણે આજે પુરુ વિશ્વ આશ્ચર્યચકિત અને પાકિસ્તાન ભયભીત છે. ઉરી માટે સર્જીકલ સ્ટ્રાઈક પુલવામાં હુમલાના સંદર્ભમાં એર સ્ટ્રાઇક કરીને ચેતવણી આપી અને પહેલગામ હુમલાબાદ "ઓપરેશન સિંદૂરના" માધ્યમથી આતંકવાદીઓના મુખ્ય મથકોને જ નેસ્ત નાબૂદ કરી દીધા.
આતંકવાદી સંગઠનોના ૯ જેટલા સ્થાનોએ મૂળિયા હલાવી નાખ્યા
અમિતભાઈ શાહે ગર્વ સાથે કહ્યું કે પહેલગામ બદલો લશ્કર એ તઈબા અને જૈસે એ મોહમ્મદના હેડકવાટર્સને જમીનદોસ્ત કરીને લેવામાં આવ્યો. કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ ધર્મ પૂછીને પરિવારની હત્યાઓ કરી હતી, જેના જવાબમાં ભારતે જૈસે એ મહમદ અને લશ્કરે એ તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના ૯ જેટલા સ્થાનોએ મૂળિયા હલાવી નાખ્યા છે. આઝાદી બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સેનાએ પાકિસ્તાનમાં સો કિલોમીટર અંદર જઈને જડબાતોડ જવાબ આપ્યો છે. સિયાલ કોટ કેમ્પ જેવા સ્થાનોએ છુપાયેલા આતંકવાદના આંતરરાષ્ટ્રીય સરગણાઓને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ભારતની જનતા સાથે કોઈપણ દૂર વ્યવહાર કરવામાં આવશે તો તેનો જવાબ બમણા જોશથી જ મળશે.
ભારતીય સેનાએ ૧૦૦ વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો
અમિતભાઈ શાહે ઉમેર્યું હતું કે ભારતે સંયમપૂર્વક આતંકવાદી અડ્ડાઓ પર જ હુમલો કર્યો તો પણ પાકિસ્તાની સેનાએ કચ્છથી કાશ્મીર સુધી નિર્દોષ જનતા ઉપર હુમલાઓ શરૂ કર્યા. પણ મોદીજીના સમયમાં આપણે એર ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત બની છે કે એક પણ પાકિસ્તાની મિસાઈલ કે ડ્રોન કામમાં ન આવ્યા અને ભારતની જમીન પર પડવા જ ન દીધા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાએ ૧૦૦ વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો અને સાથે સાથે પાકિસ્તાનના 15 જેટલા એરબેઝને પણ હતા ન હતા કરી નાખ્યા. ભારતીય વાયુ, થલ અને જલ સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો. આજે સમગ્ર વિશ્વમાં સુરક્ષા નિષ્ણાતો અને વિશ્વના લોકો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રઢ રાજનીતિક ઈચ્છા શક્તિ, સેનાની મારક ક્ષમતા અને સંયમની પ્રશંસા કરી રહ્યા છે. અમિતભાઈ શાહે ઓપરેશન સિંદૂરના માધ્યમથી દેશ અને દેશની જનતાને મસ્તક ઊંચું કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ સેનાના જવાનો અને અધિકારીઓને મનપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે આપણા સૌ માટે ગર્વનો વિષય છે એ ગુજરાતના અને દેશના સપૂત નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં ભારત માતાના મસ્તકને ઊંચું કરવાનું કામ કર્યું. તેઓએ કહ્યું કે દુનિયામાં જ્યારે પણ મીલેટરી ઓપરેશન્સની ચર્ચા થશે ત્યારે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ જરૂરથી થશે. મોદીજીએ પહેલગામ હુમલાના ભોગ બનેલા પરિવારોને બિહારમાં કરેલો વાયદો પૂરો કર્યો.
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય રીતાબેન પટેલ, અલ્પેશજી ઠાકોર, ગાંધીનગર શહેર ભાજપના અધ્યક્ષ આશિષભાઈ દવે, ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ગાંધીનગર શહેર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો , જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો, કાર્યકર્તાઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.