Vadodara: 'સરદાર ન હોત તો કાશ્મીરની સ્થિતિ જુદી હોત, જાણો યુનિટી માર્ચમાં LG મનોજ સિન્હાએ શું કહ્યું?
- Vadodara: સરદાર@150 અંતર્ગત યુનિટી માર્ચ ડભોઈ પહોંચી
- ડભોઈના મેનપુરા ખાતે સરદાર સભાનું કરવામાં આવ્યું આયોજન
- જમ્મુ કાશ્મીરના LG મનોજ સિન્હા સભામાં ઉપસ્થિત
- પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ પદયાત્રામાં જોડાયા હતા
- સરદાર સભામાં જમ્મુ કાશ્મીરના LG મનોજ સિન્હાનું નિવેદન
- સરદાર સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા
"યાત્રા વિકસિત ભારતને ગતિ આપવામાં સફળ થશે"
સરદાર સભામાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ (LG) મનોજ સિન્હા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં સરદાર પટેલના યોગદાનને યાદ કરીને કહ્યું હતું કે, "આ યુનિટી માર્ચ માત્ર એક યાત્રા નથી, પરંતુ સરદાર પટેલના સિદ્ધાંતો પર ચાલવાનો સંકલ્પ છે. આ યાત્રા આગામી 22 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં ગતિ આપવામાં સફળ સાબિત થશે." LG સિન્હાએ સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણના કાર્યને બિરદાવતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, "સરદાર પટેલે 562 રજવાડાઓને એક કરીને મજબૂત લોકતંત્રની સ્થાપના કરી. જો સરદાર પટેલ ન હોત, તો આજે કાશ્મીર અને હૈદરાબાદની સ્થિતિ સંપૂર્ણપણે જુદી હોત." તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે.
DyCM હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સભામાં યુવાનોને સંબોધતા કહ્યું કે આ યાત્રાનો મુખ્ય હેતુ સરદાર સાહેબના વિચારોને યુવાનો સુધી પહોંચાડવાનો છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના નેજા હેઠળ આ યાત્રામાં અલગ-અલગ સમાજના 150 પ્રતિનિધિઓ જોડાયા છે. DyCM સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "કોંગ્રેસે સરદાર સાહેબના વિચારોને લોકો સુધી પહોંચાડવા ન દેવા માટે ઘણા ષડયંત્રો રચ્યા હતા." તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વખાણ કરતા કહ્યું કે, "મારા જેટલા તેમજ મારા પછીના બધા લોકો નસીબદાર છે જેમને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન મળ્યા છે, જેમણે સરદાર સાહેબના યોગદાનને યોગ્ય સન્માન આપ્યું છે."
રાજકીય દિગ્ગજોની ઉપસ્થિતિ
આ ભવ્ય સરદાર સભામાં LG મનોજ સિન્હા અને DyCM હર્ષભાઈ સંઘવી ઉપરાંત ગુજરાતના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ગૃહમંત્રી જાડેજાએ આ પદયાત્રામાં જોડાઈને સરદાર સાહેબના રાષ્ટ્રભાવને વધુ મજબૂત બનાવ્યો હતો. આ યુનિટી માર્ચ ડભોઈના લોકોને એકતા અને અખંડિતતાનો સંદેશો આપીને સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
આ પણ વાંચોઃ Bharuch: દારૂબંધીના દાવા વચ્ચે AAPનો જ વરવો ચહેરો, MLA ના નજીકના કાર્યકરના ઘરેથી દારૂ ઝડપાયો!