ભારત-અમેરિકાએ નવા 10-વર્ષના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા,ઇન્ડો-પેસિફિકમાં વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થશે
- US India Deal: ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ મામલે થયા મહત્વના કરાર
- બંને દેશો વચ્ચે 10 વર્ષો માટે થયા મહત્વના કરાર પર હસ્તાક્ષર
- 'ફ્રેમવર્ક ફોર ધ યુએસ-ઇન્ડિયા મેજર ડિફેન્સ પાર્ટનરશિપ' પર થયા હસ્તાક્ષર
ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ જવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. મલેશિયાના કુઆલાલંપુરમાં બંને દેશોએ આગામી 10 વર્ષો માટે એક મહત્ત્વપૂર્ણ 'ફ્રેમવર્ક ફોર ધ યુએસ-ઇન્ડિયા મેજર ડિફેન્સ પાર્ટનરશિપ' પર હસ્તાક્ષર કર્યા છે. ભારતના સંરક્ષણ પ્રધાન રાજ્યનાથ સિંહ અને અમેરિકન સંરક્ષણ સચિવ પીટ હેગસેથ દ્વારા હસ્તાક્ષર કરાયેલો આ કરાર માત્ર સંકલન, માહિતી વહેંચણી અને ટેક્નોલોજી સહકાર માટેનો રોડમેપ નથી, પરંતુ તે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતા વ્યૂહાત્મક સંકલન અને સ્થિરતાની ભારત-યુએસની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. નિષ્ણાતો માને છે કે આ પગલું બંને દેશોના લશ્કરી સંબંધોને મજબૂત કરીને ભારતની સંરક્ષણ શક્તિમાં મોટો વધારો કરશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ કરાર પર હસ્તાક્ષર કર્યા
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી જણાવ્યું હતું કે આ પગલું "વ્યૂહાત્મક સંકલનનું વધતું સંકેત" છે અને તે "ભાગીદારીના નવા દાયકાની શરૂઆત" કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંરક્ષણ સહકાર દ્વિપક્ષીય સંબંધોનો મુખ્ય આધારસ્તંભ બની રહેશે. અમેરિકન સંરક્ષણ સચિવ પીટ હેગસેથએ ટિપ્પણી કરી કે આ ભાગીદારી "પ્રાદેશિક સ્થિરતા અને અવરોધ માટે એક આધારશિલા" છે અને બંને દેશોના સંરક્ષણ સંબંધો 'ક્યારેય આટલા મજબૂત નહોતા'. આ ફ્રેમવર્ક 2015માં હસ્તાક્ષર કરાયેલા અગાઉના 10-વર્ષના સંરક્ષણ કરારનું સ્થાન લે છે અને તેને વધુ વ્યાપક બનાવે છે.
US India Deal: ભારતમાં સંરક્ષણ મામલે આત્મનિર્ભરતા માટે અનેક તક લઈને આવશે
1. ટેક્નોલોજી અને ઉદ્યોગ સહકાર: આ કરાર ભારતના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન (Indigenous Defence Manufacturing) ને સીધો ટેકો આપશે. તે ભારતને યુએસ તરફથી અત્યાધુનિક ટેક્નોલોજી ટ્રાન્સફર મેળવવા અને સંયુક્ત ઉત્પાદન (Co-production) અને સંયુક્ત વિકાસ (Co-development) માટે માર્ગ મોકળો કરશે, જે 'મેક ઇન ઇન્ડિયા (Make in India)' પહેલને મજબૂત કરશે. આ કરાર મુજબ, ભારતને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી અદ્યતન ટેકનોલોજી મળશે, જે સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટની ગતિ વધારશે.
2. લશ્કરી ક્ષમતામાં વધારો: આનાથી ભારતને યુએસ-નિર્મિત અદ્યતન સંરક્ષણ પ્રણાલીઓ સુધી પહોંચ મળશે. અમેરિકન જેવેલિન (Javelin) એન્ટી-ટેન્ક મિસાઇલો, અપાચે હેલિકોપ્ટર, MQ-9B ડ્રોન અને P-81 વિમાન જેવી સિસ્ટમ્સ ભારતીય સેનાને વધુ મજબૂત બનાવશે.
3. ઇન્ડો-પેસિફિકમાં વ્યૂહાત્મક સ્થિતિ: આ કરાર હિંદ-પ્રશાંત (Indo-Pacific) ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે અસરકારક રહેશે. તે એક મુક્ત, ખુલ્લો અને નિયમો આધારિત ઇન્ડો-પેસિફિક (Free, Open, and Rules-based Indo-Pacific) ક્ષેત્રની ખાતરી કરવા માટે સહકારને મજબૂત બનાવશે, જેનાથી ભારતની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત બનશે.
4. પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ: પાકિસ્તાન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સને વળગી રહેવાના પ્રયાસોને જોતાં, આ કરાર સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી સંબંધ છે અને તેમાં કોઈ પણ રીતે ઘટાડો થયો નથી.
US India Deal: યુએસ માટે વ્યૂહાત્મક અને આર્થિક લાભ
આ સંરક્ષણ કરાર યુનાઇટેડ સ્ટેટ્સ માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થવાની શક્યતા છે. વ્યૂહાત્મક રીતે, તે ઇન્ડો-પેસિફિકમાં ચીનના વર્ચસ્વને ઘટાડવા માટે ભારતને એક મુખ્ય સાથી તરીકે અમેરિકાની સ્થિતિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત, આ કરાર અમેરિકન કંપનીઓ માટે મોટા ઓર્ડર મેળવવાનો માર્ગ ખોલશે. એવું માનવામાં આવે છે કે બોઇંગ (Boeing), લોકહીડ માર્ટિન (Lockheed Martin) અને જનરલ એટોમિક્સ (General Atomics) જેવી યુએસ સંરક્ષણ કંપનીઓને મોટા ઓર્ડર મળવાથી ફાયદો થશે.
નોંધનીય છે કે આ સંરક્ષણ કરાર નવો નથી. ભારત અને ચીન વચ્ચેના યુદ્ધ પછી 1962 માં તેના પર પ્રથમ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ યુદ્ધમાં અમેરિકાએ ભારતને મદદ કરી હતી. ત્યારબાદ 1984 માં બીજો કરાર થયો હતો, જેમાં ટેક્નોલોજી ટ્રાન્સફરનો સમાવેશ થતો હતો. 2005 માં, બંને દેશોએ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેને હવે 10 વર્ષના અંતરાલ પર બીજા 10 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે અને વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભારતે UNમાં પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર, કહ્યું-Pokમાં પાકિસ્તાન અત્યાચાર કરવાનું બંધ કરે