UP : NSG કમાન્ડો બનીને રોફ ઝાડતા ઠગને પોલીસે દબોચ્યો
- ઉત્તરપ્રદેશ પોલીસે મોટા ગઠિયાને દબોચ્યો
- એનએસજી કમાન્ડોની ઓળખ આપી ઠગ લોકોને દબાલતો હતો
- પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હકીકત ઓકાવી
UP : ઉત્તર પ્રદેશની (UTTARPRADESH) રાજધાની લખનૌમાં (LUCKNOW) એક વ્યક્તિએ NSG કમાન્ડોની (BOGUS NDG COMMANDO) ઓળખ આપીને બસ કંડક્ટર ધમકાવતા પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી નકલી આઈડી, હથિયારો અને નકલી પોલીસ મેડલના આધારે બધાને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. તેની પાસેથી ઇટાલીમાં બનેલી ઓટોમેટિક પિસ્તોલ, કારતૂસ, વાયરલેસ હેન્ડસેટ અને અન્ય વસ્તુઓ મળી આવી છે. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, અને આ આરોપી કોઈ મોટી ગેંગ કે નેટવર્કનો ભાગ હતો કે કેમ, તે સહિતના સવાલોના જવાબ મેળવવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
એક શંકાસ્પદ યુવાન સુધી પહોંચી
5 જુલાઈના રોજ આલમબાગ બસ સ્ટેશન પર તૈનાત પોલીસકર્મીઓને એક બાતમીદાર તરફથી માહિતી મળી હતી કે, એક શંકાસ્પદ યુવાન નકલી આઈડી કાર્ડના આધારે બસોમાં મફત મુસાફરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, અને પોતાને NSG કમાન્ડો ગણાવી રહ્યો છે. આરોપીનું વર્તન અને વાણી આર્મી કમાન્ડો જેવું લાગતું ન્હતું. માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ગેટવે મોલ પાસે બ્લેઝર પહેરેલ અને હાથમાં વાયરલેસ સેટ પકડેલા એક શંકાસ્પદ યુવાન સુધી પહોંચી હતી. જ્યારે પોલીસે તેને રોક્યો, ત્યારે તે વૃંદાવનના કથાકાર ઇન્દ્રેશ ઉપાધ્યાય મહારાજનો સુરક્ષા ગાર્ડ હોવાનો અને NSGમાં પોસ્ટેડ હોવાનો દાવો કર્યો હતો.
ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને સત્ય બહાર આવ્યું
પૂછપરછ દરમિયાન પોલીસે કડકાઇ દાખવતા યુવકે પોતાનું નામ રંજન કુમાર જણાવ્યું હતું. તે કુશીનગર જિલ્લાનો રહેવાસી છે. તેણે કહ્યું કે, તેઓ 2021 બેચના યુપી પોલીસ કોન્સ્ટેબલ છે, અને ખાસ તાલીમ પછી એનએસજીમાં પોસ્ટેડ છે. જ્યારે તેની જોડે તાલીમ સંબંધિત દસ્તાવેજો માંગવામાં આવ્યા ત્યારે તેઓ કોઈ પુરાવા આપી શક્યો ન્હતો. એટલું જ નહીં યુવકે આપેલો PNO નંબર પણ નકલી નીકળ્યો હતો. પોલીસ દ્વારા કડક પૂછપરછ કર્યા પછી અને NSG કમાન્ડો હોવાના કોઈ પુરાવા ના મળતા આરોપીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.
મોટી માત્રામાં નકલી સામગ્રી મળી
આરોપી પાસેથી મોટી માત્રામાં નકલી અને શંકાસ્પદ સામગ્રી મળી આવી છે. આમાં, ઇટાલીમાં બનેલી ઓટોમેટિક પિસ્તોલ, એક જીવંત 9 મીમી કારતૂસ, વાયરલેસ હેન્ડસેટ, યુપી પોલીસનું બનાવટી ઓળખપત્ર, નકલી પ્રશંસા અને પ્રશંસા મેડલ, યુનિફોર્મમાં લીધેલા 10 ફોટોગ્રાફ્સ, નકલી ગુપ્તચર એજન્સી અને સુરક્ષા વિભાગના ઓર્ડર, આધાર કાર્ડ, પાન કાર્ડ, એટીએમ કાર્ડ, વોકી-ટોકી વાયર અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.
આરોપી સામે કેસ દાખલ કરવામાં આવ્યો
હાલમાં, આરોપીઓ વિરુદ્ધ આલમબાગ પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 205/338/336(2)/340(2)/318(2) અને આર્મ્સ એક્ટની કલમ 7/25 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આરોપીઓએ કઈ જગ્યાએ આ નકલી ઓળખનો ઉપયોગ કર્યો હતો અને કયા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આલમબાગના એસએચઓએ જણાવ્યું હતું કે, આરોપી બસ સ્ટેન્ડમાં યુનિફોર્મ પહેરીને પિસ્તોલ લઈને ફરતો હતો. આ બસ કંડક્ટરોને ડરાવીને મફતમાં મથુરા જવાની તૈયારી કરી હતી. વિકાસ રાય નામના વ્યક્તિએ આરોપીને પિસ્તોલ વગેરે આપ્યું હતું. તેની શોધ ચાલુ છે.
આ પણ વાંચો ---- Bihar elections : ચિરાગ પાસવાને વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી, ભાજપ-જેડીયુની મુશ્કેલીઓ વધશે!


