ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : જન્મતા જ ત્યજી દેવાયેલી બાળકી ‘લોપા’એ SSC માં A-1 ગ્રેડ મેળવ્યો

VADODARA : મળી ત્યારે કીડીઓએ ફોલી ખાધી હતી, પોલીસ, આરોગ્ય અને સમાજ સુરક્ષા વિભાગના પ્રયત્નોથી બચેલી બાળકીની ઉજ્જવળ કારકીર્દિ
07:29 AM May 17, 2025 IST | PARTH PANDYA
VADODARA : મળી ત્યારે કીડીઓએ ફોલી ખાધી હતી, પોલીસ, આરોગ્ય અને સમાજ સુરક્ષા વિભાગના પ્રયત્નોથી બચેલી બાળકીની ઉજ્જવળ કારકીર્દિ

VADODARA : એ વર્ષ ૨૦૦૯નું હતું. વડોદરા ગ્રામ્ય પોલીસ (VADODARA RURAL POLICE) ના કોન્સ્ટેબલ કનુભાઇ રાઠવાને ફોન આવ્યો કે એક ગામમાં સીમમાં અજાણી વ્યક્તિ તાજું જન્મેલું બાળક ફેંકીને જતી રહી છે. કનુભાઇ માટે આવો કિસ્સો પ્રથમ વખત હતો. તેઓ ગામના આગેવાન સાથે સીમમાં પહોંચી ગયા. બાળકની સ્થિતિ જોઇ દ્રવી ઉઠેલા કનુભાઇના મનમાં માતા માટે ધિક્કારની લાગણી જાગી ઉઠી. એ નવજાત બાળકી હતી. તેને લાલ, કાળી કીડી, મંકોડા ફોલી ખાતા હતા.

હાલત બહુ ગંભીર હતી

એ બાળકીની હાલત દયનીય હતી, નાજૂક હતી. બેત્રણ સ્થાનિક ગ્રામજનોની મદદ લઇ બાળકીને સાફ કરી. સ્વચ્છ કપડામાં લપેટી. બાળકી સતત રડતી હતી. ગામમાંથી દૂધ મંગાવી પીવડાવ્યું. હાલત બહુ ગંભીર હતી. એટલે તત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવામાં આવી. પણ ત્યાં તબીબોએ કહ્યું કે, બાળકીને તત્કાલ વડોદરા એસએસજીમાં ખસેડવી પડે એમ છે. જેટલો વિલંબ થાય એટલું જોખમ વધતું જતું હતું.

કોઇ વિલંબ વિના જ બાળકીને કાચમાં રાખવામાં આવી

એ વખતે ૧૦૮ એમ્બ્યુલન્સને શરૂ થયાને બે વર્ષ થયા હતા. સમય પારખીને કનુભાઇએ ૧૦૮ ઉપર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી અને તેમાં એ પોતે બાળકીને લઇને બેસી ગયા. સામાન્ય રીતે એ ગામથી વડોદરા આવવામાં બેથી અઢી કલાક થાય, એ રસ્તો એમ્બ્યુલન્સે માત્ર એક કલાકમાં કાપી બાળકીને એસએસજીમાં લઇ આવ્યા. અહીં બાળરોગ નિષ્ણાંતોએ કહ્યું કે બાળકીને બચાવવી હોય તો નીઓનેટલ કેરની જરૂર છે. કોઇ વિલંબ વિના જ બાળકીને કાચમાં રાખવામાં આવી.

કનુભાઇએ પાડ્યું ‘લોપા’ નામ

એસએસજીના તબીબોએ બે દિવસની જહેમત અને સઘન સારવાર બાદ બાળકીને નવજીવન આપ્યું. હવે આવ્યું કે બાળકીના સારવારના કેસ પેપર બનાવવા પડશે. નર્સોએ પૂછ્યું કે બાળકીનું નામ શું રાખવાનું છે ? એટલે ઓળી ઝોળી પીપળ પાન, કનુભાઇએ પાડ્યું ‘લોપા’ નામ ! આરોગ્ય વિભાગ, પોલીસ તંત્રના પ્રયાસોથી લોપાને નવજીવન મળ્યું.

એ મહિલાની કોઇ ભાળ મળી નહી

એ દરમિયાન, વડોદરા ગ્રામ્ય પોલીસે લોપાની માતાને શોધવા માટે અભિયાન આદર્યું. એ ગામની આસપાસના ગામ, તાલુકા મથકના તમામ દવાખાના, મેડિકલ સ્ટોર, દાયણોને પૃચ્છા કરવામાં આવી. પણ એ મહિલાની કોઇ ભાળ મળી નહી. એ માતાની કેવી મજબૂરી હશે કે પોતાની બાળકીને ત્યજી દેવી પડી ? કનુભાઇ સાથે સીમમાં આવેલા એક ગ્રામજને એ બાળકીને અપનાવી લેવાની તૈયારી દાખવી પણ એમ કરી શકાય નહી.

ગૃહના આયા બહેનોની વ્હાલી બની ગઇ

માત્ર ૧૦ દિવસની લોપા માટે હજુ સંઘર્ષ બાકી હતો. હવે રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગે બાળકીને અપનાવી લીધી. નારી સંરક્ષણ ગૃહમાં લોપા કિલ્લોલ કરવા લાગી. થોડા જ સમયમાં ગૃહના આયા બહેનોની વ્હાલી બની ગઇ. સાતેક મહિના બાદ બાળ સંરક્ષણ કમિટિ અને કોર્ટના નિર્દેશો અનુસાર એક દંપતીને લોપાને દત્તક આપવામાં આવી.

તે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી તબીબ બનવાના પથ ઉપર

હવે પછીની વાત જાણવા જેવી છે. લોપાનું તેમના માતાપિતાએ સગી દીકરી કરતા પણ વિશેષ પ્રેમથી લાલનપાલન કર્યું. લોપા અભ્યાસમાં મેધાવી. ધોરણ એકથી નવ સુધીના અભ્યાસમાં ક્લાસ, શાળામાં પ્રથમ ત્રણમાં સ્થાન મેળવ્યું. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ ૧૦ના પરિણામોમાં લોપાને એ વન ગ્રેડ મળ્યો. હવે તે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી તબીબ બનવાના પથ ઉપર છે.

બાળકોના જીવનમાં અજવાસ પાથર્યો

લોપાને ખબર નથી કે તેમના જીવનમાં પોલીસ, આરોગ્ય, સમાજ સુરક્ષા વિભાગમાં કેવી ભૂમિકા ભજવી છે. આવા તો સેંકડો કિસ્સા છે કે જેમાં રાજ્ય સરકાર પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે બાળકોના જીવનમાં અજવાસ પાથર્યો છે. અંગ્રેજી કહેવત છે કે વ્હૂએવર સેવ્સ વન લાઇફ, સેવ્સ ધી યુનિવર્સ એ ન્યાયે કનુભાઇની જીવનની આ મહત્વની ઘટના છે.

આ પણ વાંચો --- VADODARA : 3 વર્ષની દિકરીએ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ જમાવ્યું

Tags :
abandonedBoardchildExamgirlGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsssctopVadodara
Next Article