VADODARA : ધારાસભ્યની બેઠકમાં કાર્યકરોનો બળાપો, કહ્યું, 'કોર્પોરેટર આવતા નથી'
- ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની બેઠકમાં સ્થાનિકોએ મનખોલી સમસ્યા વર્ણવી
- કોર્પોરેટરો કામ નહીં કરતા હોવાનું જણાવીને બેઠક ગુમાવવા સુધીની દહેશત વ્યક્ત કરી
- ગ્રાન્ટની ફાળવણી માટે ત્રણ દિવસમાં લેખિતમાં કામો જણાવવાનું સૂચન કરાયું
VADODARA : વડોદરા સહિત રાજ્યભરમાં વર્ષના અંતે કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર છે. તે પહેલા ભાજપ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાનામાં નાનું કામ ના રહી જાય તે માટે યોગેશ પટેલ જેવા સિનિયર ધારાસભ્ય કાળજી લઇ રહ્યા છે. આ વચ્ચે યોગેશ પટેલ સાથે વોર્ડ નં - 16 અને 17 ના વિકાસના કામો માટેની બેઠકમાં કાર્યકરોએ બળાપો ઠાલવ્યો છે. તેમનું કહેવું છે કે, ભાજપના કોર્પોરેટરો ચૂંટાયા બાદ સોસાયટીઓમાં આવતા નથી. આવું જ રહેશે તો બેઠકો ગુમાવવાનો વારો આવશે. સાથે જ પાણી, ડ્રેનેજ સહિતના કામો નહીં થતા હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો.
કાર્યકરો દ્વારા રજુઆત કરવામાં આવી
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, તરસાલી વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય યોગેશ પટેલ, પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડની હાજરીમાં વોર્ડ નં 16 અને 17 ના કોર્પોરેટર, વોર્ડ પ્રમુખ, મહામંત્રી તથા કાર્યકરોની બેઠક યોજાઇ હતી. જેમાં અલગ અલગ સોસાયટીઓમાંથી આવેલા કાર્યકરો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. દાદુનગર સોસાયટીના રહીશનું કહેવું છે કે, સમસ્યા ઘણી છે, ચૂંટણી પત્યા પછી કોઇ કોર્પોરેટર જોવા આવતું નથી. 15 વર્ષથી કોઇ સમસ્યા પુછવા આવ્યું નથી. અને 35 વર્ષથી સોસાયટીનો વિકાસ થયો નથી. જો આવું જ રહ્યું તો ચારેય બેઠકો ગુમાવવી પડશે.
અધિકારીઓ કામ નથી કરતા, અને કોર્પોરેટર પર માછલા ધોવાય છે
અન્ય રહીશે સમસ્યા જણાવતા કહ્યું કે, અમારે ત્યાં પાણીની લાઇનો સડી ગઇ છે. ગટરના પાણી કાંસમાં વહી રહ્યા છે. સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી. આ અંગે રજુઆત કરીએ તો કોઇ સાંભળતું નથી. સાથે જ દર્શનમ એન્ટિકાના રહીશોએ રૂપારેલ કાંસ મામલે રજુઆત કરી હતી. આ અંગે પૂર્વમેયર નિલેશસસિંહ રાઠોડે કહ્યું કે, અધિકારીઓ કામ નથી કરતા, અને કોર્પોરેટર પર માછલા ધોવાય છે. 10 વખત રજુઆત કર્યા બાદ પણ અધિકારી ના સાંભળે તો શું અમારે મારા-મારી કરવાની ?. બીજી તરફ ધારાસભ્ય યોગેશ પટેલનું કહેવું છે કે, ગ્રાન્ટના નાણાંની ફાળવણી અંગેની બેઠક હતી. તેમાં ત્રણ દિવસમાં કામો લખીને ાપવાના રહેશે. પાણી સહિતના સમસ્યા કોઇએ જણાવી નથી.
આ પણ વાંચો --- Rashifal 16 May 2025 : આ રાશિના જાતકોને આજે ધન, યશ અને પ્રતિષ્ઠામાં વધારો થશે