Vadodara : વિકસિત વડોદરા થકી દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વધુ મજબૂત કરવાનો છે: અનિલ ધામેલિયા
- વિકાસલક્ષી સિદ્ધિઓ વર્ણવીને કલેક્ટરે ભવિષ્યના પ્રોજેક્ટ્સની વિસ્તૃત માહિતી આપી નાગરિકોને સંદેશ આપ્યો
- વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું કર્યું બહુમાન
- વડોદરા જિલ્લાને વિકાસનું આદર્શ કેન્દ્ર બનાવવું છે - કલેક્ટર
Vadodara : વડોદરા કલેક્ટર (Vadodara Collector) અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયા (Anil Dhameliya - IAS) એ સાવલી ખાતે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વ (Independence Day Of India) પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા તિરંગાને આદર સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને વડોદરાવાસીઓને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. સ્વતંત્રતાની લડાઈમાં માઁ ભારતીની મુક્તિ માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા માટે શહીદ થનારા શૂરવીરોને હાર્દિક અંજલિ આપી હતી.
અમૃતકાળમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે
ભારતને વિકસિત બનાવવા માટે વડોદરા જિલ્લો (Vadodara District) સક્રિય છે અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગ લઈને ભારતને સર્વોત્તમ બનાવવા માટે યથોચિત યોગદાન આપવાનું આહવાન કરતા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા (Anil Dhameliya - IAS) એ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાને વિકાસનું આદર્શ કેન્દ્ર બનાવવું છે. આજે દેશ આઝાદીના અમૃતકાળમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે દરરોજ સંકલ્પ લઈને તેને પૂર્ણ કરીને રાષ્ટ્રભક્તિ વ્યકત કરવાની નવી રીતો અપનાવવા હિમાયત કરી હતી. સંકલ્પનો નિર્ધાર કરી તેના અમલીકરણ થકી રાષ્ટ્રસેવામાં યોગદાન આપવાની તેમણે હાકલ કરી હતી.
અનેક મહાન વિભૂતિઓનું ગૌરવપૂર્ણ સ્મરણ કર્યું
તેમણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) પ્રેરિત ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા‘ અભિયાનને ઉમળકાભેર વધાવી લઈને ઘેર ઘેર તિરંગો લહેરાવનારા અને સ્વચ્છતા માટે શ્રમદાન કરનાર સૌને અભિનંદન આપ્યા હતા. વડોદરામાં નીકળેલી ભવ્ય તિરંગા યાત્રાની પણ તેમણે વાત કરી હતી. સ્વતંત્રતાની લડાઈમાં વડોદરાના યોગદાનનને યાદ કરીને ધામેલિયાએ મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, મહર્ષિ અરવિંદ, ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર, દાદાસાહેબ ફાળકે, આચાર્ય વિનોબા ભાવે, રાજા રવિ વર્મા સહિત અનેક મહાન વિભૂતિઓનું ગૌરવપૂર્ણ સ્મરણ કર્યું હતું. સ્વચ્છ, સ્વસ્થ, શિક્ષિત અને સમૃદ્ધ વડોદરા થકી સમૃદ્ધ ગુજરાત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે તેમજ વડોદરાને વિકસિત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે જિલ્લા કલેક્ટરશ્રી ધામેલિયાએ સૌને સંકલ્પબદ્ધ કર્યા હતા.
વધુ પરિણામો મેળવ્યા હોવાનું ગૌરવભેર જણાવ્યું
એસ્પીરેશનલ ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ અંતર્ગત જૂન મહિનામાં વડોદરા જિલ્લો રાજ્યભરમાં પ્રથમ ક્રમાંકે આવવાનો ગર્વ લઈને તેમણે વડોદરાવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. વડોદરા જિલ્લો રાજ્યમાં ટોપ અચિવર્સ હોવાની સાથે રાજ્યના શ્રેષ્ઠ પાંચ જિલ્લામાં સ્થાન મળવાના હર્ષ સાથે મહત્તમ ઇન્ડિકેટરમાં લક્ષ્યાંક કરતા વધુ પરિણામો મેળવ્યા હોવાનું તેમણે ગૌરવભેર જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં વડોદરા જિલ્લાએ મેળવેલી સિદ્ધિઓને તેમણે આંકડાકીય વિગતો સાથે જણાવી હતી.
સૌની સહભાગિતાથી સકારાત્મક પરિવર્તન આવ્યું
ધામેલિયાએ ઉમેર્યું હતું કે, સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોના કલ્યાણ અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વડોદરા જિલ્લાએ આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, રમત-ગમત, સમાજ સુરક્ષા, મહિલા સશક્તિકરણ, માળખાકીય સુવિધા, મહેસૂલ, પર્યાવરણ સંરક્ષણ, જળ સંરક્ષણ અને સંચય, કૃષિ સહિતના તમામ ક્ષેત્રોમાં સમગ્રતયા વિકાસ કર્યો હોવાનું જણાવી તેમણે સૌની સહભાગિતાથી સકારાત્મક પરિવર્તન આવ્યું હોવાનું ઉમેર્યું હતું.
નાના-મોટા પ્રોજેક્ટ્સનો ગર્વથી ઉલ્લેખ કર્યો
નાગરિકોને આપેલા સંદેશમાં તેમણે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે, દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરામાં ચાલી રહેલું નિર્માણકાર્ય, વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાની કામગીરી વર્ણવી હતી. સાવલી તાલુકાના પોઈચા (કનોડા) ખાતે મહી નદી પર રૂ. ૩૫૦ કરોડના ખર્ચે વીયર બનાવવાની ચાલી રહેલી કામગીરી વિશે વિગતો આપીને તેમણે વડોદરામાં ભવિષ્યના વિકાસ માટે અનેક નાના-મોટા પ્રોજેક્ટ્સનો ગર્વથી ઉલ્લેખ કર્યો હતો.
સર્વાંગી વિકાસ થાય માટે ટીમ વડોદરા કટિબદ્ધ
ધામેલિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, વિકાસના માપદંડો સતત વિસ્તરી રહ્યા છે અને જિલ્લા વહીવટી તંત્ર તેમને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ અને પ્રતિબદ્ધ છે. આજે વડોદરા ઇલેક્ટ્રોનિક્સ, ઓટો મોબાઈલ, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે વડોદરાનો સર્વાંગી વિકાસ થાય તે માટે ટીમ વડોદરા કટિબદ્ધ છે. વડોદરાના કલાત્મક અને સાંસ્કૃતિક વારસાને જાળવીને આવનારી પેઢી માટે અતિસુંદર વડોદરાના નિર્માણમાં સહભાગી થવા માટે તેમણે લોકોને હાંકલ કરી હતી.
સૌને સંકલ્પ લેવા જણાવ્યું
તેમણે સમાજમાં એકતા અને ભાઈચારાની લાગણી થકી રાષ્ટ્રભાવના વિકસાવવા આહ્વાન કર્યું હતું. દેશપ્રેમના મૂલ્યોને જીવનમા ઉતારીને દેશની આઝાદી માટે વીર શહીદોના બલિદાનને યાદ કરીને અને તેમના સ્વપ્નને સાકાર કરવા માટે સૌને સંકલ્પ લેવા જણાવ્યું હતું. તેમણે વડોદરાને રાજ્યના સાંસ્કૃતિક પાટનગર તરીકે સંબોધી સંસ્કારી નગરીના અમૂલ્ય સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાનો સગર્વ ઉલ્લેખ કર્યો હતો.
વિદ્યાર્થી કલા જૂથો સાથે મહાનુભાવોએ ફોટો પડાવ્યા
તેમણે ઉત્તમ કામગીરી માટે વિવિધ સરકારી વિભાગોના કર્મયોગીઓને પ્રમાણપત્ર પ્રદાન કરીને સન્માન્યા હતા. ત્યારબાદ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરનાર વિદ્યાર્થી કલા જૂથો સાથે મહાનુભાવોએ ફોટો પડાવ્યા હતા અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સૌ મહાનુભાવોએ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ જતનનો સંદેશ આપ્યો હતો.
આ પણ વાંચો ---- Vadodara : બરોડા ડેરીમાં ધ્વજવંદન બાદ પ્રમુખે વિરોધીઓને આડેહાથ લીધા


