Vadodara : ગૌમય ગણેશ પ્રતિમાથી ગાયોને આત્મનિર્ભર બનાવવાનો દંપતીનો પ્રયાસ
- ગૌસેવામાં ટેકો મળે તે માટે દંપતીનો અનોખો પ્રયાસ
- પંચગવ્યમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવી આત્મનિર્ભર બન્યા
- અન્ય રાજ્યોમાં મૂર્તિ વેચવાનું સ્વપ્ન
Vadodara : વડોદરા (Vadodara) શહેરના તરસાલી વિસ્તારથી ચિખોદરા ગામ બાજુ જતા કામધેનુ સેવા સંવર્ધન ગૌશાળા (Gau Shala - Vadodara) છેલ્લા કેટલાય વર્ષોથી દેશી ગૌવંશની સેવા માટે ઓળખાય છે. વર્ષ 2017માં શરૂ કરાયેલી આ ગૌશાળાની વિશેષતા એ છે કે, અહીં એવી ગાયોનું સંવર્ધન થાય છે, જે તરછોડાયેલી હોય, અપંગ હોય, દૂધ ન આપતી હોય કે કતલખાને જવાના ખતરા હેઠળ હોય.
ગાયનો દૈનિક ખર્ચ 250 થી 300 રૂપિયા
આ ગૌશાળાનું સંચાલન શહેરના દંપતી મનોજસિંહ યાદવ અને શ્રુતિસિંહ કરે છે. એક ગાયથી શરૂ કરાયેલ આ યાત્રા આજે 22 જેટલી દેશી ગાયોની સેવા સુધી પહોંચી છે. ગીર, કાંકરેજ અને ડાંગરી જેવી પ્રજાતિઓ અહીં સાચવવામાં આવી છે. દરેક ગાયનો દૈનિક ખર્ચ 250 થી 300 રૂપિયા જેટલો હોવાથી ગૌશાળાના સંચાલનમાં પડકારો ઉભા થયા.
9 ઇંચથી લઈને 2 ફૂટ સુધીની પ્રતિમા
તે સમયે દંપતીએ નવી દિશામાં વિચાર કરી ગાયોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ હાથ ધર્યા. ગાયના ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી અને માટીથી કુદરતી માટીનો ઉપયોગ કરીને તેમણે ‘ગૌમય ગણેશ પ્રતિમા’ (Cow Based Ganesh Idol - Vadodara) બનાવવાનું શરૂ કર્યું. આ પ્રતિમાઓ સંપૂર્ણપણે કુદરતી રંગોથી સજાવાયેલી છે અને પાણીમાં વિસર્જન બાદ પર્યાવરણને કોઈ નુકસાન કરતી નથી. 9 ઇંચથી લઈને 2 ફૂટ સુધીની આ પ્રતિમાઓ બજારમાં ઉપલબ્ધ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાથી સસ્તી પણ છે અને ઇકોફ્રેન્ડલી પણ છે.
કુદરતી સાધનોને આધારે એક સાચી ગ્રીન પહેલ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) વારંવાર પર્યાવરણમિત્ર અને આત્મનિર્ભર ભારતના વિચારોને પ્રોત્સાહિત કરતા આવ્યા છે. ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ની દિશામાં શહેરના આ દંપતીએ ગાયોના ગોબર અને ગૌમૂત્ર જેવા કુદરતી સાધનોને આધારે એક સાચી ગ્રીન પહેલ (Cow Based Ganesh Idol - Vadodara) ઉભી કરી છે. વડોદરા શહેરનું આ દંપતી સરકારની દિશા સાથે પગલા મિલાવતું જોવા મળે છે.
માટીનો ઉપયોગ કરીને એક છોડ રોપી શકાય
શ્રુતિસિંહ કહે છે, “આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને બચાવવો અને લોકોને તેમની પરંપરાઓ સાથે ફરીથી જોડવાનો છે. અમારી પ્રતિમાઓ માત્ર ગૌશાળાને સહારો આપે છે એટલું જ નહીં, પરંતુ અનેક લોકોને રોજગારી પણ આપે છે. તદુપરાંત આ વર્ષે ખાસ ગૌમય ગણેશજીની (Cow Based Ganesh Idol - Vadodara) સાથે એક છોડ પણ આપી રહ્યા છે, જેથી કરીને ગણેશ વિસર્જન બાદ એજ માટીનો ઉપયોગ કરીને એક છોડ રોપી શકાય.”
સહયોગ અને ઓર્ડર મળતા ગૌશાળાને વધુ બળ મળ્યું
આ અનોખી પહેલ વડોદરા ઉપરાંત બોરસદ, આણંદ, ભરૂચ, સુરત સહિત અનેક વિસ્તારોમાં લોકપ્રિય બની રહી છે. વિદેશથી પણ આ પ્રતિમાઓ માટે સહયોગ અને ઓર્ડર મળતા ગૌશાળાને વધુ બળ મળ્યું છે. આગામી વર્ષોમાં ટ્રસ્ટનું લક્ષ્ય સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી આ પ્રતિમાઓ પહોંચાડવાનું છે.
આ પણ વાંચો ----- Vadodara : જિલ્લા પંચાયત પ્રમુખ અને DDO વચ્ચેની ખાઈ ઊંડી બની, સભ્યો ગાંધીનગર પહોંચ્યા


