VADODARA : માથાભારે કાસમઆલા ગેંગ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવા ગૃહવિભાગની મંજૂરી
- વડોદરામાં ગુજસીટોક કેસમાં આરોપી કાસમઆલા ગેંગ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાશે
- ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીની અધ્યક્ષતામાં સઘન તપાસ કરાઇ
- દરમિયાન એક આરોપી દ્વારા મુકવામાં આવેલી જામીન અરજી ફગાવી દેવાઇ
VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે 1, જાન્યુઆરી - 2025 ના રોજ 164 ગુનાઓને અંજામ આપનાર માથાભારે કાસમઆલા ગેંગ (KASAMALA GANG) વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ (GUJCTOC) ફરિયાદ નોંધી હતી. તે બાદ ગેંગમાં સામેલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવા માટેની મંજુરી મળી ગઇ છે. ત્યાર બાદ આરોપીઓને વધુમાં વધુ સજા થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગેંગ વિરૂદ્ધ 164 જેટલા વિવિધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે
વડોદરાનો હુસેન સુન્ની કાસમઆલા ગેંગનો મુખ્યસુત્રધાર હતો. તેના દ્વારા મળતિયાઓ સાથે મળીને નાગરિકોમાં ભયનું વાતાવરણ ઉભુ થાય, તેમજ ગુનાઓ આચરવામાં આવતા હતા. આ ગેંગ વિરૂદ્ધ 164 જેટલા વિવિધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 1, જાન્યુઆરી - 25 ના રોજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાસમઆલા ગેંસના સાગરિતો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં હુસેન સુન્ની, અકબર સુન્ની, સાહિદ શેખ, વસીમખાન પઠાણ, સિદન્દર સુન્ની, હસન સુન્ની, મોહંમદઅલી પઠાણ, સુફીયાન પઠાણ અને ગની શેખ વિરૂદ્ધ ગુનોં નોંધવામાં આવ્યો હતો.
અકબર સુન્ની દ્વારા કોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી
આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી હતી. તપાસ દરમિયાન 256 સાહેદોના નિવેદન લેવામાં આવ્યા છે. 9 આરોપીઓ વિરૂદ્ધ વધુ 90 દિવસ તપાસ કરવા માટે મંજુરી મેળવવામાં આવી હતી. તે બાદ ચાર્જશીટ ફાઇલ કરવા માટે ગૃહવિભાગની મંજૂરી માંગવામાં આવી હતી. જે મળી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. આ દરમિયાન આરોપી અકબર સુન્ની દ્વારા કોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે.
આ પણ વાંચો --- VADODARA : લાઇવ ચોરી દરમિયાન પોલીસે ઘર ઘેર્યું, તસ્કરો તલવાર વડે હુમલો કરીને ફરાર