VADODARA : ઓડિટર માટે નાણાં ઉઘરાવતા બે આચાર્યો સહિત ચાર ઝબ્બે
- વહીવટ કરવા જતા એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ઝડપાયા
- શાળા દીઠ રૂ. 2 હજાર ઉઘરાવવાનું ટાર્ગેટ હતું
- હેતુલક્ષી વાત કરીને પૈસા સ્વિકારતા ટ્રેપમાં ફસાયા
VADODARA : સરકારી ઓડિટર (GOVT AUDITOR) દ્વારા ગત મે માસમાં કરવામાં આવેલા ઓડિટમાં કોઇપણ પ્રકારની ખામી કાઢવામાં ના આવે તે માટે ડભોઇ (VADODARA - DABHOI) તાલુકાની તમામ ગ્રુપ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શાળા દીઠ રૂ. 2,000 ઉઘરાવી સરકારી ઓડિટરને રૂ. 40,000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ અંગેની જાણ તમામ ગ્રુપ આચાર્યોને પણ કરવામાં આવી હતી. જો કે એક ગ્રુપ આચાર્ય આ લાંચ કૌભાંડમાં સામેલ થવા માંગતા ના હોવાથી તેમણે લાંચ રૂશ્ર્વત વિરોધી શાખામાં (ACB - VADODARA) ફરિયાદ કરી હતી.
ભેગા કરેલા રૂ. 14,000 પણ મળી આવ્યા
જેને પગલે બુધવારે લાંચનું છટકું ગોઠવવામાં આવતા સરકારી ઓડિટરને 40,000ની લાંચ આપવા ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી ખાતે ભેગા થયેલા વસઇ અને ખૂંધિયાપુરા શાળાના આચાર્ય અને બે નિવૃત્ત શિક્ષક આચાર્ય પાસેથી 2000ની લાંચ સ્વીકારતા લાંચ રૂશ્ર્વત વિરોધી શાખાના છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા. તેમની પાસેથી ઓડિટરને આપવા માટે ભેગા કરેલા 14,000 પણ મળી આવ્યા હતા. લાંચ રૂશ્ર્વત વિરોધી શાખાના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ગોત્રીમાં રહેતા સરકારી ઓડિટર જયશ્રીબેન હીરાભાઇ સોલંકી દ્વારા ડભોઇ તાલુકાની શાળાઓનું વર્ષ 2021-22નું ઓડિટ કરાયું હતું. જેનો ઓડિટ રિપોર્ટ હજી આવવાનો બાકી છે.
લાંચ રૂશ્ર્વત વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવી
ઓડિટ રિપોર્ટમાં કોઇ ક્વેરી ના નીકળે તે માટે વસઇ ગ્રુપ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામ ભૂપેન્દ્રભાઇ પટેલે ઓડિટરને રૂા. 40,000 આપવાનું નક્કી કર્યું હતું અને તે માટે તમામ ગ્રુપ આચાર્યને 2000-2000 જમા કરાવવા માટેની સૂચના આપી હતી. જો કે તાલુકાની એક શાળાના આચાર્યને લાંચ આપવી ના હતી, તેથી તેમણે લાંચ રૂશ્ર્વત વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ મદદનીશ નિયામક પરેશ ભેંસાણીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. બુધવારે નિર્ધારિત કરેલા સમયે આચાર્ય લાંચ રૂા.2000 આપવા માટે ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી ખાતે પહોંચ્યા હતા. જ્યાં વસઇ અને ખૂંધિયાપુરા પ્રાથમિક શાળાના બે આચાર્ય અને બે નિવૃત્ત શિક્ષકો હાજર રહ્યા હતા. જ્યાં ઓડિટરને નાણાં આપવાની વાતચીત કરી વસઇ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામ પટેલે રૂા. 2,000 સ્વીકારી નિવૃત્ત શિક્ષક બુધ્ધિસાગર સોમાભાઇ પટેલને આપ્યા હતા.
વાતચીત કરતાની સાથે જ એસીબીના અધિકારીઓ ત્રાટક્યા
બુધ્ધિસાગર પટેલે આ નાણાં ખૂંધિયાપુરાના આચાર્ય મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકીને આપ્યા હતા. તેમણે આ નાણાં નિવૃત્ત શિક્ષક મુકુંદભાઇ બાબુભાઇ ચૌહાણને આપતા તેમણે અન્ય શાળાના આચાર્યો દ્વારા આપવામાં આવેલા 14,000 સાથે આ નાણાં મુકી ચિઠ્ઠીમાં તેમનુ નામ લખ્યું હતું અને સરકારી ઓડિટર સાથે ઘનશ્યામ પટેલે વાતચીત કરતાની સાથે જ એસીબીના અધિકારીઓ ત્રાટક્યા હતા અને ચારેને લાંચની રકમ સાથે ઝડપી પાડી સરકારી ઓડિટરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો ---- VADODARA : 'લાંચ ના આપી એટલે ફાઇલ...', નાયબ મામલતદારથી પીડિત અરજદાર


