VADODARA : ડભોઇમાં SMC ના દરોડા, રૂ. 23.45 લાખનો મુદ્દામાલ જપ્ત, 7 વોન્ટેડ
- વડોદરા ગ્રામ્યમાં વધુ એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો
- રાત્રે પાડેલા દરોડામાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો
- આ દરોડામાં એક પણ આરોપી ટીમને હાથે લાગ્યો નથી
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ (VADODARA RURAL - DABHOI) માં સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) દ્વારા રાત્રીના સમયે દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી ટાણે ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટીંગ ચાલતું હોવાનું જાણવા મળી રહ્યું છે. દરોડામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત કુલ મળીને રૂ. 23.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાને પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
તમામ આરોપીઓ વોન્ટેડ
ડભોઇ પોલીસ મથકની હદમાં આવતા કપુરાઇ ચોકડીથી રાજપીપપળા તરફ જવાના રસ્તે પલાસવાડા ગામ પાસે આવેલા સરીતા એસ્ટેટના ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા છે. આ દરોડા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રૂ. 17 લાખની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ગોડાઉનમાં દારૂનું કટીંગ ચાલતું હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ દરોડામાં બુટલેગર વિકાસ ભંવરલાલ બિશ્નોઇ (રહે. વિશનપુરા, સુન્થી, સંચોર, ઝાલોર-રાજસ્થાન), બુટલેગર રાજુ ઉર્ફે રાજવીર બન્ના, ગોડાઉન ભાડે રાખનાર સુરેશકુમાર જુગ્તારામ (રહે. જોધપુર, રાજસ્થાન), બે અજાણ્યા ઇસમો, અશોક લેલન ચાલક અને બાઇકના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જે તમામ વોન્ટેડ છે.
પોલીસ મથકમાં અનેકની બદલી
વડોદરા ગ્રામ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાને પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અગાઉ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ સ્થાનિક પોલીસ મથકમાં અનેકની બદલી કરવામાં આવી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વધુ એક વખત એસએમસીના દરોડા બાદ ડભોઇ પોલીસ મથકના અધિકારીઓ પર કોઇ કાર્યવાહી થાય છે કે નહી તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો ---- Gujarat Rain: રાજ્ય પર એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ


