VADODARA : સરકારી કચેરીમાં 'એજન્ટ રાજ'નો આરોપ, ધારાસભ્યએ મુદ્દો ઉઠાવ્યો
- ડભોઇના ધારાસભ્યએ સરકારી અધિકારીઓની લાપરવાહી અંગે અવાજ ઉઠાવ્યો
- સરકાર તરફથી પૈસા અપાયા છતાં સિંચાઇ વિભાગ કામ કરવામાં નિષ્ક્રિય
- આજરોજ દિશાની બેઠકમાં લોકપ્રશ્ને ધારાસભ્યએ રજુઆત કરી
VADODARA : આજરોજ સાંસદ ડો. હેમાંગ જોષી (DR. HEMANG JOSHI - VADODARA MP) ના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા પંચાયત ભવનના સભાખંડ ખાતે વડોદરાની ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (DISHA)ની બેઠક યોજાઈ હતી. જેમાં ગરીબલક્ષી યોજનાઓની માર્ચ-૨૦૨૫ અંતિત સુધીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ડભોઇના ધારાસભ્ય દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટીની કચેરીમાં એજન્ટરાજ ચાલતો હોવાનો સનસનીખેજ આરોપ મુક્યો હતો. અને ઘટતું કરવા માટે સાંસદને તાકીદ કરી હતી.
અમે ટ્રસ્ટ તરફથી પણ સહકાર આપીશું
આજે વિકાસકાર્યોના સંકલનને લઇને દિશાની બેઠક મળી હતી. આ તકે ડભોઇના ધારાસભ્ય શેલૈષ સોટ્ટા (DABHOI MLA - SHAILESH MAHETA SOTTA) એ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, સ્વચ્છ ભારત મિશનમાં ગામોમાં વાહન આપ્યા છે. કુબેર ભંડારી ખાતે અમાસમાં લાખો લોકો આવે છે, તેમાં કચરો સાફ કરવાની વ્યવસ્થામાં ખામી જણાય છે, તે જણાવ્યું છે. સાથે તે પણ કહ્યું છે કે, કરનાળી ખાતે સફાઇ અથવા બીજી કોઇ રીતે જરૂરિયાત હોય તો અમે ટ્રસ્ટ તરફથી પણ સહકાર આપીશું. અમાસ પછી સફાઇ માટે સ્ટાફ અને વાહનો વધારવા જોઇએ. ચાંદોદમાં પણ લોકોની અવરજવર અમુક પ્રસંગોએ વધારે હોય છે, ત્યારે ત્યાં પણ કચરાની સમસ્યા છે. ત્યાં સફાઇની યોગ્ય વ્યવસ્થા હોવી જોઇએ. ચાણોદ-કરનાળી સ્વ. અરૂણ જેટલીએ દત્તક લીધા હતા. ત્યાં 61 જેટલા કામો તેમના સમયમાં મંજુર થયા હતા, તે પૂર્ણ થયા છે, છતાં જેની અસર દેખાતી નથી. તે કામો દેખાતા કેમ નથી.
એક ધક્કામાં કોઇ કામ થતા નથી
તેમણે ઉમેર્યું કે, ખાસ કરીને સિંચાઇ વિભાગની બેદરકારી છે, વઢવાણાની સિંચાઇની કેનાલો તુટી ગઇ છે, તેનો સર્વે દોઢ વર્ષ સુધી ચાલે, સરકારે 50 કરોડ ફાળવ્યા છે, કેનાલોની આજુબાજુના રસ્તા માટે પણ સરકારે 50 કરોડ આપ્યા છે. છતાં અધિકારીઓના પાપે કામો આગળ વધતા નથી. નેશનલ હાઇવે પર તમારે કોઇ પણ પરમિશન લેવી હોય ત્યારે તકલીફ પડે છે. મને પોતાને તકલીફ પડી છે. એક ઓફિસ રાજપીપલામાં છે, અને એક અમદાવાદમાં છે. દુમાડથી ભરૂચ સુધીનો પટ્ટો રાજપીપળામાં લાગે છે. અને દુમાડથી ઉપર સુધીનો પટ્ટો અમદાવાદમાં લાગે છે. આ અંગે વડોદરામાં એક ઓફિસ હોવી જોઇએ, કારણકે એક ધક્કામાં કોઇ કામ થતા નથી. એજન્ટ પ્રથા છે, તેવું મેં સ્પષ્ટ કહ્યું છે. નેશનલ હાઇવે પર એજન્ટ વગર એક પણ ફાઇલ હાલતી નથી. પેટ્રોલપંપની પરમિશન લેવી હોય, હોટલ અથવા અન્યની મંજુરી લેવી હોય ત્યારે ખુબ મુશ્કેલી પડે છે. તેઓ પણ વડોદરામાં ઓફિસ માટેની રજુઆત કરશે.
હજી સુધી કોઇએ રજુઆત કરી નથી
તેમણે વધુમાં જણાવ્યું કે, મારા જિલ્લા પંચાયતના સભ્યએ આજદિન સુધી કામો નહીં થતા હોવા અંગે રજુઆત કરી નથી. ડભોઇ વિધાનસભામાં 6 જેટલી પંચાયતો આવેલી છે. તેમાં હજીસુધી કોઇએ રજુઆત કરી નથી. રેલવેના પ્રશ્નો અંગે રજુઆત કરી છે. કુંઢેલા બાયપાસનું ડાયવર્ઝન આપેલું છે, ત્યાં યુનિવર્સિટી આવેલી છે. જેના કારણે મુશ્કેલી થાય છે. ત્યાં ધારાસભ્ય, રેલવે અને આરએન્ડબી સંયુક્ત રીતે વિઝીટ કરીને નિર્ણય લેનાર છે, તે અંગે કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી, તાજેતરમાં કલેક્ટરની સંકલનની બેઠકમાં પોલી પ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટ અંગે લેખિતમાં રજુઆતો કરી હતી. ત્યાંથી કોઇ જાણકારી આપવામાં આવી નથી. કંપનીનો ક્લોઝર આપી અથવા સીલ કરવામાં આવી હોવાની જાણકારી આપી છે. હું તેની જાત તપાસ કરીશ.
આ પણ વાંચો ---- VADODARA : દશામાંની સાંઢણીની આંખમાંથી ઘી વહેવા મામલે ચમત્કારનો પર્દાફાશ


