VADODARA : મહિલાને થાંભલાનાં આંટા મરાવી ગઠિયા દાગીના લઇને ફરાર
VADODARA : વડોદરામાં મહિલાને વાતોમાં ભોળવીને તેણીએ પહેરેલું સોનાના ઘરેણાં પડાવી લઇને ગઠિયાઓ ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગઠિયાઓએ મહિલાને માતાજીનું માન લઇને થાંભલાના ત્રણ આંટા મારવા કહ્યું હતું. મહિલા તેમ કરીને પરત આવે ત્યાં સુધીમાં તો ગઠિયા ફરાર થઇ ગયા હતા. આખરે ઉપરોક્ત મામલે મહિલાએ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. (FEMALE TAKE ROUND OF POLL, THUG RUN AWAY WITH GOLD ORNAMENTS - VADODARA)
આટલામાં કોઇ દાંતનું દવાખાનું નથી
મહિલાએ સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે રસોઇ કામ કરીને ગુજરાન ચલાવે છે, અને માતા-પિતા તથા ભાઇ સાથે ફતેગંજ વિસ્તારમાં રહે છે. તાજેતરમાં તે સવારે રોજીંદા કામ માટે નીકળ્યા હતા. તે દરમિયાન ફતેગંજ મેઇન રોડ પર ઝાડ નીચે છોકરાઓ ઉભા હતા. તેમણે પુછ્યું કે, દાંતનું દવાખાનું ક્યાં છે. જેથી ફરિયાદીએ જણાવ્યું કે, આટલામાં કોઇ દાંતનું દવાખાનું નથી. ત્યાર બાદ તેઓ ચાલતા નીકળ્યા હતા.
બીજો અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો
બાદમાં પાછળથી અજાણ્યા શખ્સે આવીને કહ્યું કે, તમારો હાથ બતાવો અને હું કહું તે પ્રમાણે કરો, જેથી તમારૂ ધારેલું કોઇ પણ કામ હશે તે થઇ જશે. જેથી ફરિયાદીએ પોતાનો હાથ આપ્યો હતો. બાદમાં આરોપીએ હાથ પર તાળી મારીને કહ્યું હરિ ઓમ ત્રણ વખત બોલો. અને મુઠ્ઠી બંધ કરી દો. જેથી તેમણે તેમના કહ્યા પ્રમાણે કર્યું હતું. ત્યાર બાદ બીજો અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો. અને ફરિયાદીને કહ્યું કે, તમે આટલું બધું સોનું કેમ પહેરો છો. કોઇ ચોરી જશે. બાદમાં ફરિયાદી પાસેથી ઘરેણા પ્લાસ્ટીકની થેલીમાં મુકાવી દેવામાં આવ્યા હતા.
અજાણ્યા શખ્સો થેલી લઇને ગાયબ થઇ ગયા
જે બાદ આરોપીએ જણાવ્યું કે, માતાજીનું નામ લઇને થાંભલાના આંટા મારી આવો. તેમ કરવા જતા અજાણ્યા શખ્સો થેલી લઇને ગાયબ થઇ ગયા હતા. બાદમાં મહિલાએ અજાણ્યા શખ્સોની તપાસ કરતા તેઓ મળી આવ્યા ન્હતા. આખરે મહિલા ઠગાયા હોવાનું ધ્યાને આવતા તેમણે 100 નંબર પર ફોન કરીને પોતાની આપવિતી જણાવી હતી. જે બાદ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો --- VADODARA : બાથરૂમમાં મોબાઇલ મુકી વીડિયો ઉતારતો શખ્સ CCTV માં ઓળખાયો


