VADODARA : બ્રિજ દુર્ઘટનાના બચાવ કાર્યમાં બુલેટ ટ્રેનની ટીમો જોડાઇ, 3 લાપતા
- ગંભીરા બ્રિજ તુટી પડ્યાના બીજા દિવસે રાહત કાર્ય પુરજોશમાં જારી
- હવાઇ મદદ મળે તેમ ન્હતું, બાદમાં બુલેટ ટ્રેનની ટીમો રેસ્ક્યૂમાં જોડાઇ
- મહામહેનતે કાદવ-કીચડમાં ફસાયેલા ટ્રકને બહાર કાઢવામાં સફળતા મળી
VADODARA : વડોદરા કલેક્ટર (VADODARA COLLECTOR) અનિલ ધામેલિયાએ પાદરા તાલુકાના મુજપુરથી ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટના (GAMBHIRA BRIDGE COLLAPSE) બાદ બીજા દિવસે રાહત અને બચાવ કાર્ય અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અકસ્માતના આશરે ૧૫ મિનિટ બાદ જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને જુદી જુદી ટીમો દ્વારા સતત કામગીરી ચાલી રહી છે.
હજુ પણ ત્રણ વ્યક્તિઓ ગુમ છે
બચાવ કામગીરીની અત્યાર સુધીમાં કુલ ૧૭ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે પાંચ વ્યક્તિઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. તેમની સ્થિતિ સ્થિર છે અને હોસ્પિટલમાંથી સારવાર મેળવી રહ્યા છે. બીજી તરફ હજુ પણ ત્રણ વ્યક્તિઓ ગુમ છે અને તેમની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમો સતત કાર્યરત છે. બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
સ્થળ પર ૧૫૦ ટન વજન ઊંચકવાની જરૂરિયાત હતી
કલેક્ટરએ જણાવ્યું હતું કે, બચાવ કામગીરીમાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને, કાદવ કીચડને કારણે હેલિકોપ્ટર જેવી હવાઈ મદદ મર્યાદિત બની હતી, કારણ કે હેલિકોપ્ટરની પાંચ ટનથી વધુ વજન ઉંચકવાની ક્ષમતા નથી, જ્યારે સ્થળ પર ૧૫૦ ટન વજન ઊંચકવાની જરૂરિયાત હતી.
પુલી સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
આ પડકારને પહોંચી વળવા માટે, ભારતીય વાયુસેના (એરફોર્સ) અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની ટીમો સાથે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, પુલી સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. બુલેટ ટ્રેન (BULLET TRAIN) અને L&T ની ટીમોના સહયોગથી પુલીની મદદથી ભારે ટ્રકને કાદવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી, જેના નીચેથી એક મૃતદેહ પણ મળી આવ્યો હતો.
મૃતદેહો મળી ન જાય ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહેશે
કલેક્ટરએ સ્પષ્ટ કર્યું કે, અત્યાર સુધી કુલ ૧૭ લોકોના મૃત્યુ થયા છે અને ૩ લોકો હજુ ગુમ છે, જે સ્થાનિક લોકો અને ઇજાગ્રસ્તો પાસેથી મળેલા ઇનપુટ્સ મુજબ છે. જ્યાં સુધી તમામ ગુમ થયેલા વ્યક્તિઓના મૃતદેહો મળી ન જાય ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહેશે. હાલના તબક્કે, સંપૂર્ણ ધ્યાન બચાવ કામગીરી પર કેન્દ્રિત છે.
આ પણ વાંચો --- VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની સ્થિતી જાણવા પહોંચ્યા પ્રિન્સિપલ સેક્રેટરી


