VADODARA : બ્રિજ દુર્ઘટનામાં 10 થી વધુ એજન્સીઓની બચાવ કાર્યમાં ખડેપગે, 15 ના મોત
- પાદરા બ્રિજ તુટ્યા બાદ બીજા દિવસે પણ બચાવકાર્ય જારી
- અત્યાર સુધી મૃત્યુનો આંક 15 સુધી પહોંચ્યો
- હજી પણ અનેક મૃતદેહો લાપતા હોવાની ચર્ચા
VADODARA : પાદરા તાલુકાના મુજપુરથી ગંભીરા બ્રિજ (MUJPUR - GAMBHIRA BRIDGE COLLAPSE) ખાતે બનેલી દુર્ઘટના સંદર્ભે તા.૧૦/૦૭/૨૦૨૫ ના રોજ કલેક્ટર (VADODARA - COLLECTOR) અનિલ ધામેલિયાએ આજે સ્થળની મુલાકાત લીધી હતી અને ચાલી રહેલી બચાવ કામગીરી અંગે માહિતી આપી હતી.
મૃતકોનો આંક વધ્યો
કલેક્ટર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ગત મોડી રાતથી SDRF, NDRF, અને ફાયર બ્રિગેડ સહિત 10 થી વધુ એજન્સીઓની ટીમો બચાવ અને રાહત કાર્યમાં જોતરાયેલી છે. આજે સવાર સુધીમાં કુલ 3 મૃતદેહ મળી આવ્યા છે, જેમાંથી 2 મૃતદેહની ઓળખ થઈ ગઈ છે અને એક મૃતદેહને ઓળખવાની પ્રક્રિયા ચાલુ છે.” અત્રે નોંધનીય છે કે, હાલની સ્થિતીએ મૃતકોનો આંક 15 પહોંચ્યો છે, જે આવનાર સમયમાં વધવાની શક્યતાઓ છે.
કાદવનું સ્તર લગભગ 3 મીટર જેટલું ઊંડું છે
તેમણે ઉમેર્યું હતું કે, “હજુ પણ ગુમ થયેલા લોકોની યાદીમાં ચાર વ્યક્તિઓ હોવાનું અનુમાન છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આ દુર્ઘટનામાં ગુમ થયેલા વાહનોમાં એક નાનું વાહન અલ્ટો કે વેગનઆર અને એક આઇસર ટ્રકનો સમાવેશ થાય છે. આ વાહનો કાદવમાં ઊંડે ખૂંપી ગયા હોવાથી તેમને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. કાદવનું સ્તર લગભગ 3 મીટર જેટલું ઊંડું છે, જેના કારણે મશીનરીનું કાર્ય મુશ્કેલ બન્યું છે.”
મૃતદેહો બાદ વાહન રેસ્ક્યૂ કરાશે
કલેક્ટરએ અપીલ કરી હતી કે, “જે કોઈને પણ ગુમ થયેલા વ્યક્તિઓ અથવા વાહનો અંગે કોઈ પણ માહિતી હોય, તેઓ તાત્કાલિક અમારા કંટ્રોલ રૂમને જાણ કરે, જેથી બચાવ કામગીરી વધુ ઝડપથી પૂર્ણ કરી શકાય. અમારી ટીમો સતત પ્રયત્નશીલ છે અને વરસાદની સ્થિતિ અનુકૂળ રહેશે તો આગામી ૪ થી ૫ કલાકમાં મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ત્યારબાદ, વાહનો અને અન્ય સંપત્તિને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.”
બચાવ દળો કાદવના ઊંડા સ્તરો સુધી પહોંચી શકે
વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, બચાવ કામગીરીને વેગ આપવા માટે ખાસ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે જેથી કરીને મશીનરી અને બચાવ દળો કાદવના ઊંડા સ્તરો સુધી પહોંચી શકે. આ કામગીરીમાં સ્થાનિક સમુદાયનો પણ સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.
આ પણ વાંચો ---- Vadodara Bridge Collapse: પાદરા પાસે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો, વહેલી સવારે વધુ એક મૃતદેહ કઢાયો


