VADODARA : મુજપૂર પૂલ દુર્ઘટનાથી અસરગ્રસ્ત 81 છાત્રોને સ્થાનિક શાળાઓમાં પ્રવેશ અપાયો
- ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સર્જાયેલી સમસ્યા ઉકેલવાનો પ્રયાસ
- મુખ્યમંત્રીના આદેશ અનુસાર તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે
- છાત્રોની અનુકૂળતા અનુસાર કાર્ય કરવામાં મદદ કરતું તંત્ર
VADODARA : મુજપુર પૂલ દુર્ઘટના (GAMBHIRA BRIDGE TRAGEDY) બાદ સમસ્યામાં આવી પડેલા છાત્રોની વ્હારે જિલ્લા વહીવટી (VADODARA COLLECTORATE) તંત્ર આવ્યું છે. આંકલાવ – આણંદ તરફ અભ્યાસ કરવા માટે જતાં છાત્રોને મહી કાંઠાની વડોદરા તરફની વિવિધ અનુદાનિત શાળાઓમાં તત્કાલ પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ પૂર્વે મુખ્યમંત્રીની સૂચના બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહન વ્યવહાર નિગમ સાથે સંકલન કરી એસટી બસના આઠ વધારાના ફેરા શરૂ કરવામાં આવ્યા હતા. આમ છતાં, છાત્રોને અનુકૂળતાને ધ્યાને રાખી વિકલ્પો શોધવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેને સૂચના આપી હતી.
અનુદાનિત તથા સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો
એના પગલે શિક્ષણ તંત્રની ટીમો દ્વારા મુજપૂર, મહુવડ, નાના એકલબારા, લુણા, હરણમાળ, વડુ, નવાપૂરા, ઉમરાયા, મજાતર, ડબકા જેવા ગામોમાંથી આણંદ તરફ અભ્યાસ કરવા માટે જતાં છાત્રોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ છાત્રોને પાદરાની શાળામાં અભ્યાસ કરવા માટે તુરંત પ્રવેશ આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જે સ્વીકારવા માટે ૮૧ છાત્રો અને તેમના વાલીઓ સહમત થયા હતા. શિક્ષણ તંત્રની ટીમોએ આ છાત્રોનો અભ્યાસ ના બગડે એટલે તુરંત અનુદાનિત તથા સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
બાળકોએ અભ્યાસ પણ શરૂ કરી દીધો
જે પૈકી મહુવડમાં ૩૯, ડબકામાં ૧૨, એકલબારામાં ૯, ડભાસામાં ૧૭, પાદરામાં ૪ છાત્રોએ પ્રવેશ લીધો છે અને આ બાળકોએ અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. અન્ય છાત્રોએ આણંદ તરફ રહેતા પોતાના સંબંધીઓ કે છાત્રાવાસ કરી અભ્યાસ ચાલું રાખવાની ઇચ્છા દર્શાવી હતી.
આ પણ વાંચો ---- VADODARA : કરજણમાં હોસ્પિટલ માટે જમીન ફાળવતા મુખ્યમંત્રી, સ્થાનિકોને મોટી રાહત


