VADODARA : આખરે ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરને બહાર કાઢવાનું મૂહુર્ત નીકળ્યું
- ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોટી કાર્યવાહી
- લટકેલા ટેન્કરને દુર કરવા માટે ટીમો કામે લાગી
- આજ સવારથી જ ટેન્કરને કાઢવા માટેના પ્રયત્નો તેજ કરાયા
VADODARA : વડોદરાના પાદરા (VADODARA - PADRA) માં આવેલા મુજપુર પાસેનો ગંભીરા બ્રિજનો (GAMBHIRA BRIDGE TRAGEDY) એક ભાગ ગતમાસમાં તુટ્યો હતો. આ બ્રિજ દુર્ઘટનામાં 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં એક ટેન્કર અધકચરૂ બ્રિજ પર ફસાયું હતું. જેને બહાર કાઢવાનો મામલો વડોદરા અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે ફૂટબોલ બની રહ્યો હતો. આખરે આજે આ ટેન્કરને બહાર કાઢવા માટેનું મૂહુર્ત નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. આ ટેન્કરને બહાર કાઢવાની જવાબદારી આણંદ જિલ્લા કલેક્ટર તંત્રના ફાળે આવી છે. આજે વિવિધ ટીમો દ્વારા ટેન્કરને દોરડાના ગાળિયામાં બાંધવામાં આવી રહ્યું છે. દુર્ઘટનાના 23 માં દિવસે ટેન્કર બહાર નીકળવાની શક્યતાઓ ઉજળી થતી જણાય છે.
બંને એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હતા
9, જુલાઇના રોજ ગંભીરા બ્રિજ દુર્ઘટના સામે આવી હતી. જેમાં બ્રિજનો એક ભાગ તુટી જતા અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં એક ટેન્કર બ્રિજના ટુકડા પર ફસાઇ રહ્યું હતું. જેને દુર કરવા માટે માલિકે આણંદ અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રની કચેરીઓમાં ચપ્પલ ઘસ્યા હતા. તે સમયે આ મુદ્દો ફૂટબોલ બનીને રહી ગયો હતો, બંને એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હતા. આખરે આજે આ વાતનું મૂહુર્ત નીકળ્યું છે. આ કન્ટેનરને દુર કરવાની જવાબદારી આણંદ વહીવટી તંત્રના ફાળે ગઇ છે.
ટેન્કર માલિકને આશા જાગી
આજે સવારે આ ટેન્કરને દુર કરવા માટે વિવિધ ટીમો સ્થળ પર પહોંચી હતી. અને અધકચરી હાલતમાં બ્રિજ પર રહેલા ટેન્કરને દોરડાના ગાળિયામાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ટેન્કરને ખેંચીને બહાર કાઢવાનું આયોજન હોવાનું આ તબક્કે જાણવા મળી રહ્યું છે. આ ટેન્કર બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરવામાં આવતા ટેન્કર માલિકને આશા જાગી છે. અગાઉ ટેન્કર માલિકે જણાવ્યું હતું કે, ટેન્કર અકસ્માતગ્રસ્ત નહીં થયું હોવાના કારણે ઇન્શ્યોરન્સ કંપની પૈસા આપતી નથી. અને તેમના માથે હપ્તો ચઢતો જાય છે.
આ પણ વાંચો ---- Rainfall Alert: હવે ભારે વરસાદ પડશે, IMD એ ઓગસ્ટ-સપ્ટેમ્બર માટે ચેતવણી જાહેર કરી


