Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મિક્ષ મોડલ ફાર્મનો સફળ પ્રયોગ કરનાર ખેડૂત રાજ્યપાલ દ્વારા સન્માનિત

VADODARA : ખેડૂત અઢી વીઘા જમીનમાં જામફળ, ચીકુ, કેરી, સરગવો, લીંબુ, તુવેર, હળદર અને નાળિયેર જેવા મોસમી પાકોની ખેતી કરી રહ્યા છે
vadodara   મિક્ષ મોડલ ફાર્મનો સફળ પ્રયોગ કરનાર ખેડૂત રાજ્યપાલ દ્વારા સન્માનિત
Advertisement
  • ગાય આધારિત ખેતી કરનાર ખેડૂતને મળ્યું મોટું બહુમાન
  • આસપાસના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની પ્રતિદ્ધતા છલકાઇ
  • જૈવિક ખાતરો ખુબજ જરૂરી - ખેડૂત

VADODARA : આજના સમયમાં વધુ કમાણીના લોભમાં ખેડૂતો રાસાયણિક ખેતી તરફ વળી રહ્યા છે, ત્યારે કરજણ (KARJAN - VADODARA) તાલુકાના વેમાર ગામના ૪૭ વર્ષીય ચંદ્રકાંત નગીનભાઈ પટેલ ગાય આધારિત કુદરતી ખેતી (COW BASED FARMING) અપનાવીને એક અનોખો માર્ગ અપનાવી લીધો છે. વર્ષ ૨૦૨૪ માં સફળતાપૂર્વક મિક્ષ મોડલ ફાર્મ (MIX MODEL FARM) તૈયાર કરવા બદલ ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યના (GOVERNOR OF GUJARAT - ACHARYA DEVVRAT) હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સેમિનારો, વર્કશોપ અને તાલીમ કાર્યક્રમોમાં ભાગ લીધો

વર્ષ ૨૦૨૧૬ થી તેમણે કરજણ તાલુકાના વેમાર ગામ સ્થિત ખેતરમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીને પ્રાકૃતિક જીવનશૈલીની દિશામાં વળ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૯ માં ચંદ્રકાંતભાઈ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા અને પોતાની પ્રાકૃતિક કૃષિ વિષયની જિજ્ઞાસાને તૃપ્ત કરતા રહ્યા. આત્માના માધ્યમથી તેમણે ભારતના અનેક રાજ્યોમાં યોજાયેલા સેમિનારો, વર્કશોપ અને તાલીમ કાર્યક્રમોમાં ભાગ લીધો. દેશભરના કૃષિ નિષ્ણાંતો સાથે ચર્ચાઓ કરીને તેમણે કુદરતી ખેતીના નવા પરિમાણો પણ શોધ્યા.

Advertisement

જામફળના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે છે

ચંદ્રકાંતભાઇએ પોતાના ગામની અઢી વીઘા જમીનમાં જામફળ, ચીકુ, કેરી, સરગવો, લીંબુ, તુવેર, હળદર અને નાળિયેર જેવા મોસમી પાકોની ખેતી કરી રહ્યા છે. ખાસ કરીને, તેઓ જામફળના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે છે. વાલિયા જાર્વીની નર્સરીમાંથી લાવેલા ૫૦૦ જેટલા જામફળના પાકની વાડી જ ઊભી કરી દીધી છે. હાલમાં, તેમના કૃષિ ઉત્પાદનો વડોદરા સહિત સુરત શહેરમાં જામફળ ખુબજ સારા ભાવે વેચાય છે. તેના થકી તેઓ આશરે વાર્ષિક દોઢ લાખ કરતા વધુ નફાકારક ઉત્પાદન મેળવી રહ્યા છે.

Advertisement

મિક્સ મોડેલ ફાર્મની મુલાકાત લીધી

આટલું જ નહીં, જાન્યુઆરી ૨૦૨૪માં,  ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને પ્રસિદ્ધ કૃષિ વૈજ્ઞાનિક ડૉ. સુભાષ પાલેકરે તેમના મિક્સ મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન તેમના સફળ પરીક્ષણો બદલ તેમને સન્માનિત કરવામા આવ્યા હતા. પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવતા ચંદ્રકાંતભાઈ જણાવે છે કે, જમીન જીવશે તો આપણે પણ જીવીશું. જમીનને જીવતી રાખવા માટે જીવામૃત, ઘન જીવામૃત, ગૌમૂત્ર, છાણ, ગોળ, બેસન અને પીપળાના ઝાડની માટીમાંથી બનેલા જૈવિક ખાતરો ખુબજ જરૂરી છે.

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા સાથે તાલીમોનું પણ આયોજન

વધુમાં ઉમેરતાં ચંદ્રકાંતભાઈ જણાવે છે કે,  તેમના માટે ખોરાક માત્ર પેટ ભરવાનું સાધન નથી, પણ સ્વાસ્થ્ય અને સાત્વિકતાનો સ્ત્રોત છે. રોજિંદા જીવનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને ઉત્પાદનોને અપનાવે તે ખૂબ જરૂરી છે. ચંદ્રકાંતભાઈ માત્ર ખેતી જ નથી કરતા, પરંતુ તેઓ આસપાસના ગામો જેવા કે વેમાર, કોઠાવ, નિશાળિયા, મેથી અને કુરાલીમાં ૧૫ થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા સાથે તાલીમોનું પણ આયોજન કરે છે. વધુમાં દર વર્ષે ગૌરી વ્રત ના પ્રસંગે ગામની છોકરીઓને જામફળ મફતમાં વિતરણ કરે છે.

જીવનની નવી દિશા તરફ દોરી લઈ ગયા છે

જો ચંદ્રકાંતભાઈ જેવી મજબૂત ઈચ્છાશક્તિ અને યોગ્ય માર્ગદર્શન મળે તો સફળતાના દ્વાર અચૂક ખૂલે છે. ચંદ્રકાંતભાઈ પટેલની તંદુરસ્ત જીવનશૈલીથી પ્રભાવિત થઈને આસપાસના ગામના અનેક ખેડૂતોને પણ જીવનની નવી દિશા તરફ દોરી લઈ ગયા છે. ત્યારે વેમાર ગામની સફળતાની કહાની આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે.

આ પણ વાંચો ---- VADODARA : ગેરકાયદે રહેતા 250 બાંગ્લાદેશીઓને વાયુસેનાના વિમાનમાં રવાના કરાયા

Tags :
Advertisement

.

×