VADODARA : ડભોઇ-વડોદરાને જોડતો કેલનપૂર બ્રિજ બેહાલ, સ્થાનિકોમાં ચિંતા
- કેલનપૂર બ્રિજની દશાને લઇને લોકોમાં ચિંતા
- વડોદરા-ડભોઇના મહત્વના સ્થાનોને જોડતો બ્રિજ ખખડી ગયો
- સ્થાનિકો દ્વારા અકસ્માતની દહેશત વ્યક્ત કરવામાં આવી છે
VADODARA : ડભોઇ વડોદરાને જોડતો કેલનપૂર બ્રિજ બેહાલ છે. આ બ્રિજને આશરે 40 વર્ષ થઇ ગયા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ બ્રિજના સળિયા દેખાઇ રહ્યા છે. તાજેતરમાં ગંભીરા બ્રિજ અકસ્માતની ઘટના બાદ ખખડેલા બ્રિજને લઇને લોકોમાં ભારે ચિંતા છે. કેલનપૂર બ્રિજ વડોદરાથી ડભોઇ અને નજીકના મહત્વના સ્થળોને જોડે છે. આ બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થવાની શક્યતા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોનું તેમ પણ કહેવું છે કે, કોઇ દુર્ઘટના સર્જાય તે પહેલા જ તંત્રએ વૈકલ્પિક માર્ગ આપી દેવો જોઇએ.
આ બ્રિજ ગમે ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થઇ શકે છે
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા વિવિધ બ્રિજોની ચકાસણી કરવામાં આવી છે. આ વચ્ચે વડોદરા અને ડભોઇને જોડતા કેલનપૂર બ્રિજની હાલત ખરાબ હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આ બ્રિજ ગમે ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થઇ શકે છે, તેવી આશંકા સ્થાનિકો દ્વારા સેવાઇ રહી છે. ત્યારે આ બ્રિજની જગ્યાએ અન્ય કોઇ વિકલ્પ આપવા માટેની માંગ પ્રબળ બની છે. હવે આ મામલે સરકારી તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.
તેની અવધી પૂર્ણ થઇ ગઇ હોય
ડભોઇ કેલનપુર બ્રિજના હાલ અંગે સ્થાનિક અગ્રણી કિશોરસિંહ રાઠોડે મીડિયાને જણાવ્યું કે, હું રિટાયર્ડ ફોરેસ્ટી ઓફીસર છું. અને કેલનપુરમાં રહું છું, કેલનપુર ગામ પરથી એક બ્રિજ પસાર થાય છે. આ વડોદરા અને ડભોઇને જોડતો અગત્યનો બ્રિજ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોઇચા મંદિર અને કુંભેલા યુનિવર્સિટી તરફ જવાનો આ રસ્તો છે. અહિંયા વાહનોની અવર-જવર ભારે રહેતી હોય છે. ગંભીરા બ્રિજમાં જેમ અકસ્માત થયો, અને 20 થી વધુ લોકોનો ભોગ લેવાયો છે, તેમ આ પૂલ જર્જરિત હોય, અને તેની અવધી પૂર્ણ થઇ ગઇ હોય, ત્યારે આ પૂલની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર થાય અને નવા પૂલનું નિર્માણ થાય તેવું અહિંયાના નાગરિકો ઇચ્છી રહ્યા છે.
આ પણ વાંચો ---- Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં 7 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર


