VADODARA : ખેડૂતે 4 વીઘા જમીનમાં તૈયાર બાજરીનો પાક ગૌ માતા-નંદીજી માટે ખુલ્લો મુક્યો
- લણવા લાયક પાક પશુથી બચાવવાની જગ્યાએ ગાય-નંદી માટે ખુલ્લો મુક્યો
- ભાયલીના ઘનશ્યામ પટેલનું અનોખું સેવાકાર્ય
- અમે ગૌ માતા અને નંદીજી મહારાજ માટે રાજ્યમાં પ્રથમ વખત પશુ ભંડારાનું આયોજન શરૂ કર્યું - નીરવ ઠક્કર
VADODARA : વડોદરા (VADODARA) ની શ્રવણ સેવા ફાઉન્ડેશન (SHRAVAN SEVA) દ્વારા વડોદરા અને અમદાવાદ શહેરોમાં ગૌ માતા અને નંદીજી મહારાજ માટે મોટા સેવાના ભંડારાનું આયોજન કરવામાં આવે છે. સંસ્થાના સેવાકીય કાર્યોથી પ્રેરાઇને આજે વડોદરાના ભાયલી ગામના ખેડૂત દ્વારા તેમના 4 વિઘામાં વાવેલો લણવા લાયક બાજરીનો પાક ગૌ માતા અને નંદીજી મહારાજને અર્પણ કર્યો છે. સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું કે, અમે ગૌ માતા-નંદીજી મહારાજ માટે પશુ ભંડારાની શરૂઆત કરી હતી. હવે લોકોમાં ગૌ માતા પ્રત્યે કંઇક કરવાની લાગણી જન્મી રહી છે. અમારૂ માનવું છે કે, આવનાર સમયમાં ગૌ સેવા એક મોટી ઝુંબેશ બનશે, તેવો અમને વિશ્વાસ છે.
અનેક શહેરોમાં પુનરાવર્તન થયું
શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું કે, ગૌ માતા માટે શાસ્ત્રોમાં લખ્ચું છે કે, તેમનામાં 33 કોટી દેવી-દેવતાઓનો વાસ છે. પરંતુ કેટલીય જગ્યાઓ પર ગૌ માતા કચરામાં ભોજન શોધે તેવા દ્રશ્યો અમે જોયા હતા. તે બાદ અમે ગૌ માતા અને નંદીજી મહારાજ માટે રાજ્યમાં પ્રથમ વખત પશુ ભંડારાનું આયોજન શરૂ કર્યું હતું. જેમાં ખાસ કરીને પાંજરાપોળમાં આશરો લેતી નિરાધાર, દિવ્યાંગ, દુધ નહીં આપતી ગૌ માતા તથા નંદીજી મહારાજને વિવિધ પ્રકારના ફળો, શાકભાજી, ગરમ રોટલી, ઔષધિય લાડું, પૌષ્ટિક આહાર તથા લીલું ઘાસ જમાડવામાં આવતું હતું. વિતેલા ત્રણ વર્ષથી અમે ઉનાળામાં ગૌ માતાને કેરીનો તાજો ઠંડો રસ અને રોટલી જમાડી રહ્યા છે. જેનું પુનરાવર્તન અનેક શહેરોમાં થઇ રહ્યું છે.
સુખદ આશ્ચર્ય પમાડે તેવું કાર્ય
નીરવ ઠક્કરે જણાવ્યું કે, અમારા ગૌ સેવાના પ્રયાસોથી પ્રેરાઇને ભાયલી ગામના ખેડૂત ઘનશ્યામભાઇ પટેલ દ્વારા અનોખું સેવાકાર્ય કરવામાં આવ્યું છે. તેમણે પોતાના 4 વિઘા જેટલા ખેતરમાં લણવા લાયક લીલોછમ બાજરીનો પાક ગૌ માતા અને નંદીજી મહારાજ માટે ખુલ્લો મુકી દીધો હતો. ઘનશ્યામભાઇ પટેલનું કહેવું છે કે, ગૌ માતાની મહાનતા માટે શાસ્ત્રોમાં અનેક વર્ણન કરવામાં આવ્યા છે. તે અનુસાર સેવાચાકરી કરીને તેમના આશિર્વાદ મેળવવાનો આ અમારો પ્રયાસ છે. સામાન્ય સંજોગોમાં લણવા લાયક પાકમાં કોઇ પશુને ઘૂસતો રોકવા માટે ચાકર મુકવામાં આવે છે અથવાતો ફેન્સીંગ કરવામાં આવે છે. પરંતુ ભાયલીમાં તેનાથી વિપરીત સુખદ આશ્ચર્ય પમાડે તેવું થયું હોવાનું નીરવ ઠક્કરે આખરમાં ઉમેર્યું છે.
આ પણ વાંચો --- Rashifal 23 June 2025: આ રાશિના લોકોને ગૌરી યોગથી જબરદસ્ત લાભ થશે, ભાગ્ય પણ મહેરબાન થશે


