VADODARA : જૂની અદાવતે મૂર્તિઓ તોડીને નુકશાન પહોંચાડ્યું, એક ઝબ્બે
- માંજલપુરમાં મૂર્તિકારને ત્યાં તોડફોડ મામલે એક ફરારા
- પોલીસે ગણતરીના સમયમાં જ મામલાના મૂળ સુધી પહોંચી
- જૂની અદાવતે આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો હોવાનું ખુલ્યું
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના માંજલપુર (MANJALPUR) માં આવેલી અવધૂત ફાટક પાસે ખુલ્લી જગ્યામાં મૂર્તિકાર દ્વારા ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં (IDOL MAKING) આવતી હતી. જ્યાં અર્ધનિર્મિત મૂર્તિઓ મુકી રાખવામાં આવી હતી. આ જગ્યાએ અચાનક તોડફોડ (IDOL VANDALISED) મચાવી હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. આખરે આ મામલો ઉજાગર થતા સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ચોરીના વાયરો સંતાડવા જતા મૂર્તિકાર અને યુવકો વચ્ચે બોલાચાલી થઇ હતી. તેની અદાવતે આ કૃત્યને અંજામ આપવામાં આવ્યું છે.
વાયરો પર ઢાંકવા માટે મૂર્તિ બનાવવાની ડાય મુકી
ACP પ્રણવ કટારીયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ગઇ કાલે 100 નંબર પરથી વર્ધી આવી હતી. જેમાં સન્ની નામના શખ્સે જાણ કરી હતી. તેઓ અવધૂત ફાટક પાસેના ખુલ્લા મેદાનમાં મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે. ત્યાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. તે બાદ પોલીસ તપાસ કરી, તેમાં જાણવા મળ્યું કે, 21, જૂનના રોડ બે યુવાને તેને ત્યાં વાયરો મુકી ગયા હતા. અને વાયરો પર ઢાંકવા માટે મૂર્તિ બનાવવાની ડાય મુકી હતી. ડાય મુકવાની ના કહેતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.
મૂર્તિકાર અડચણરૂપ થયો હતો
વધુમાં જણાવ્યું કે, ત્યાર બાદ બંને યુવકો ત્યાંથી જતા રહ્યા હતા. બંને અક્ષય ભાઇલાલ માળીએ આ તોડફોડ કર્યાનું સ્વિકાર્યું છે. તેની સાથે ધવલ ઠાકોર નામનો યુવક હતો. ધવલ ઠાકોર પોલીસ પકડથી દૂર છે. બંનેએ મુકેલા વાયરો પણ મળી આવ્યા છે, તે ચોરીના હોવાનું જણાઇ આવે છે. તે વિરૂદ્ધ પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૂર્તિઓ બનાવે છે, ત્યાં જ તેઓ ચોરીની વસ્તુઓ છુપાવતા હતા. જેમાં મૂર્તિકાર અડચણરૂપ થયો હતો. ત્યાર બાદ બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેની અદાવતે ગઇ કાલે રાત્રે 12 - 7 વચ્ચે તોડફોડ કરી હતી. ચોરીના મુદ્દામાલ વિશે વધુ માહિતી મેળવવાનું ચાલું છે.
પોલીસમાં અગાઉથી જાણ કરો
આખરમાં જણાવ્યું કે, મુર્તિકાર ગત વર્ષ સુધી નવલખી મેદાન ખાતે મૂર્તિઓ બનાવતા હતા. હવે તેઓ માંજલપુર ખાતે બનાવે છે. આ જગ્યા માંજલપુર ગામના રવિરાજસિંહ નામની શખ્સની છે. તેમણે આ જગ્યા મૂર્તિ માટે આપી હતી. છેલ્લા 10 દિવસથી અહિંયા મૂર્તિ બનાવવાનું કામ ચાલુ રહ્યું છે. પોલીસ દ્વારા તમામ મૂર્તિકારોને અપીલ કરવામાં આવે છે કે, તમે કોઇ પણ જગ્યાએ મૂર્તિ બનાવતા હોય તો તેની પોલીસમાં અગાઉથી જાણ કરો, અને તે જગ્યાએ રાત્રીના સમયે કોઇ વ્યક્તિએ રોકાવવું જોઇએ. આ સ્થળે સીસીટીવી અને જરૂરી લાઇટીંગની વ્યવસ્થા તથા ભાડા કરાર પણ કરવાનું સૂચન કરવામાં આવે છે. પોલીસને જાણ હોય તો તેઓ તકેદારી રાખી શકે છે. મૂર્તિઓ જ્યાં બનતી હોય ત્યાં અમારી પીસીઆર વાન ફરી શકે, તે માટે જ અમે અપીલ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો ---- Gujarat Monsoon: રાજ્યમાં અત્યાર સુધીમાં 36.54 ટકા સરેરાશ વરસાદ આવ્યો, જાણો સૌથી વધુ ક્યા ખાબક્યો મેઘ