VADODARA : મીની નદી પરનો બ્રિજ સદંતર બંધ કરાયો, પતરાં મારતા ઉદ્યોગોમાં ચિંતા
- મીની નદી પરનો બ્રિજ દુરસ્ત કરવા માટે અવર-જવર બંધ
- ઉદ્યોગો અને સ્થાનિકો માટે મહત્વનો બ્રિજ બંધ કરાયા ચિંતા
- સ્થાનિકો પણ નોકરીએ જવા માટે આ બ્રિજનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરે છે
VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટના (GAMBHIRA BRIDGE TRAGEDY) બાદ રાજ્યભરમાં તમામ બ્રિજોની ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન જે કોઇ બ્રિજ જોખમી જણાય તો તેનું રીપેરીંગ કાર્ય કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત અનેક બ્રિજો પરથી વાહનોની અવર જવર પર રોક લગાવી દેવામાં આવી છે. આ વચ્ચે વડોદરાના નંદેસરી ઉદ્યોગોના (NANDESARI GIDC) કર્મચારીઓની અવર-જવર મહત્વનો ગણાતો મીની નદી પરનો બ્રિજ (MINI RIVER BRIDGE) આજે સાંજે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ કરી દેવામાં આવતા હવે નંદેસરીના ઉદ્યોગોની મુશ્કેલીઓ વધશે. આ બ્રિજ બંધ કરાતા હવે અન્ય બે વૈકલ્પિક માર્ગે અવર જવર કરી શકાશે.
મહિનાઓ વિતી ગયા છતાં કામગીરી ચાલું નહીં
નંદેસરીમાં મીની નદી પર નવો બ્રિજ બનાવવાના કાર્યનું ખાતમૂહુર્ત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વાતને મહિનાઓ વિતી ગયા છતાં કામગીરી ચાલું નહીં થઇ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ વચ્ચે મીની નદી પરના હાલના કાર્યરત બ્રિજની હાલત દિવસેને દિવસે ચિંતાજનક થતી જતી હતી. આ વચ્ચે આજે મોડી સાંજે મીની નદી પરના બ્રિજ પર બંને તરફ પતરા મારીને તેને બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી કોઇ પણ વાહન પસાર નહીં થઇ શકે. જેને પગલે ઉદ્યોગોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ નંદેસરી જીઆઇડીસીમાં આવેલી કંપનીઓમાં કામ પર આવતા કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. અને હવે તેમણે ફરી ફરીને કામ પર અવર-જવર કરવી પડશે.
રેલવેની લાઇનો નાંખેલી હોવાથી ઉંચા ભારદારી વાહનોને લઇ જવામાં જોખમ
સુત્રોના જણાવ્યા અનુસાર, મીની નદી પરનો બ્રિજ બંધ કરવામાં આવતા હવે ગેટ નં - 7 થઇને રામગઢ અને ત્યાંથી અનગઢ થઇને નંદેસરી પહોંચી શકાશે. જ્યારે બીજા રૂટ પ્રમાણે નંદેસરીથી હાઇવે થઇને રેલવે ફાટક વાળા રસ્તે અવર-જવર કરી શકાશે. પહેલો રૂટ ગામમાંથી પસાર થતો હોવાથી અગાઉની જેમ સ્થાનિકોના વિરોધનો ભય છે. તો બીજા રૂટ પરથી રેલવેની લાઇનો નાંખેલી હોવાથી ઉંચા ભારદારી વાહનોને લઇ જવામાં જોખમ છે. બ્રિજનું સમારકામ ક્યાં સુધી પૂર્ણ થશે તે અંગે કોઇ જાણકારી આપવામાં આવી નથી. જેને પગલે સ્થાનિકો અને ઉદ્યોગો બંને અનિશ્ચિત કાળ સુધી ચિંતામાં રહેશે તે નક્કી છે.
આ પણ વાંચો ---- VADODARA : વરસાદી કાંસમાં રંગીન પાણી વહેતા અનેક સવાલો, ઉદ્યોગો સામે શંકા


