Vadodara: મનપાનો તખલગી નિર્ણય સામે આવ્યો, પાલિકાના સ્માર્ટ અધિકારીઓની અણઆવડત
- Vadodara : શહેરના વિકાસના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી
- વડોદરા પાલિકાના સ્માર્ટ શાસકો અધિકારીઓની અણઆવડત
- પ્રજાના લાખો રૂપિયા ખર્ચાઈ ગયા છતાં સંકુલ હજી સુધી ખુલ્લું મુકાયું નથી
Vadodara : શહેરના વિકાસના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેગંજ અને હરીનગર બ્રિજ નીચે લાખો રૂપિયાના ખર્ચે જે રમતગમત સંકુલ બનાવવામાં આવ્યું છે, તે છેલ્લા 9 મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે. પ્રજાના લાખો રૂપિયા ખર્ચાઈ ગયા હોવા છતાં આ સંકુલ હજી સુધી લોકો માટે ખુલ્લું મુકાયું નથી.
વડોદરા પાલિકાના સ્માર્ટ શાસકો અધિકારીઓની અણઆવડત
વડોદરા પાલિકાના સ્માર્ટ શાસકો અધિકારીઓની અણઆવડત અને આયોજનના અભાવે રમત ગમત સંકુલની હાલત કફોડી બની છે. સંકુલ બનીને તૈયાર છે, પરંતુ તેને ચલાવવા માટે પાલિકાએ હજી સુધી કોઈ એજન્સી સાથે કરાર કર્યો નથી. એજન્સી પાસેથી કેટલું પ્રીમિયમ લેવું તે પણ હજી નક્કી નથી. ઉતાવળમાં મૂકવામાં આવેલા કેરમ અને ટેબલ ટેનિસ સહિતના મોંઘા સાધનો હવે બગડી જવાની સ્થિતિમાં છે, જેનો ખર્ચ ફરી એકવાર પાલિકાના માથે પડશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને જ્યાં બ્રિજના ચાર સ્પાન વચ્ચે એસી સંકુલ બનાવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, ત્યાં વડોદરામાં એક-એક સ્પાન વચ્ચે 10 ફૂટની જાળી લગાવીને કામ પતાવવામાં આવ્યું છે.
હાલમાં આ રમતગમત સંકુલને તાળાં મારેલા છે
હાલમાં આ રમતગમત સંકુલને તાળાં મારેલા છે. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવતે પાલિકા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આ પ્રજાના ટેક્સના નાણાંનો વેડફાટ છે. તેમણે માંગ કરી છે કે આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ પાસેથી નાણાં વસૂલવા જોઈએ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે પાલિકાએ ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ કર્યું અને જ્યાં પાર્કિંગ કરવું જોઈતું હતું ત્યાં રમતગમતનું સંકુલ બનાવી દીધું. જ્યારે નાગરિકો પણ પાલિકાના અણધડ વહીવટ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
સાધનો ખરાબ થયા હશે તો નવા ખરીદવામાં આવશે
બીજી તરફ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી. એમ. રાજપૂતનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે સંકુલનું સંચાલન વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન (VSPF) ને સોંપવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ હજી સુધી એમઓયુ બાકી છે. સાધનો ખરાબ થયા હશે તો નવા ખરીદવામાં આવશે તેવો જવાબ ડેપ્યુટી કમિશનર આપી રહ્યા છે.
આ પણ વાંચો: UGCનો મોટો નિર્ણય, 8 University ડિફોલ્ટર જાહેર, વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં !


