VADODARA : કારના દરવાજામાં 'કારીગરી' કરીને સંતાડેલો ઇંગ્લીશ દારૂનો જથ્થો શોધી કાઢતી પોલીસ
- નંદેસરી પોલીસ મથકના સર્વેલન્સ સ્કવોર્ડની સરાહનીય કામગીરી
- બાતમીના આધારે કરેલા દરોડામાં સંતાડેલો ઇંગ્લીશ દારૂનો જથ્થો શોધી કાઢ્યો
- સમગ્ર કાર્યવાહીમાં એકની ધરપકડ અન્ય એક વોન્ટેડ જાહેર કરાયો છે
VADODARA : વડોદરા (VADODARA) ની નંદેસરી પોલીસ (NANDESARI POLICE STATION) દ્વારા કારના દરવાજામાં કારીગરી કરીને સંતાડવામાં આવેલા વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો છે. પોલીસલે દરવાજામાં લગાડેલું કુશન હટાવતા જ દારૂના ક્વાટરીયા નજરે પડ્યા હતા. નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે કરેલી કાર્યવાહીમાં આ સફળતા મળી છે. આ મામલે નંદેસરી પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરોક્ત મામલે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
છાપરાની જમીન નીચે પતરાના પીપળામાં દારૂ સંતાડવામાં આવ્યો
તાજેતરમાં નંદેસરી પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્કવોર્ડ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલને અંગત રાહે બાતમી મળી કે, વિનોદભાઇ ઉર્ફે રાવડી નટવરસિંહ ગોહિલ (રહે. રૂપાપરા ગામ, ચંદુ દિપાભાઇ વાળું ફળિયું, નંદેસરી) તેની કારમાં બોનેટના એન્જિન અને એક થેલામાં તેમજ કારના દરવાજામાં ઇંગ્લીશ દારૂના ક્વાટરીયા સંતાડીને રાખ્યા છે. સાથે જ તેના ઘર નજીક છાપરાની જમીન નીચે પતરાના પીપળામાં દારૂ સંતાડવામાં આવ્યો છે. બાતમી મળતા જ પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કાર અને જમીનમાં દાટેલો મળીને રૂ. 1.44 લાખનો ઇંગ્લીશ દારૂ સહિતનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં દારૂનો જથ્થો મોકલનાર છોટાઉદેપુરના અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી
ઉપરોક્ત કાર્યવાહીમાં ક્વાટરીયા, વ્હીસ્કી, વોડકા, મળીને કુલ રૂ. 39,300, મોબાઇલ - રૂ. 5 હજાર અને કાર કિંમત રૂ. 1 લાખ જપ્ત કરવામાં આવી છે. સાથે જ આરોપી વિનોદભાઇ ઉર્ફે રાવડી નટવરસિંહ ગોહિલ (રહે. રૂપાપરા ગામ, ચંદુ દિપાભાઇ વાળું ફળિયું, નંદેસરી) ની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ દારૂનો જથ્થો મોકલનાર છોટાઉદેપુરના રહેવાસી શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો ---- Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગરમાં 1 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યા ભરાયુ પાણી


