VADODARA : વિશ્વામિત્રી નદીના મૃત મગરોની યાદમાં શોકસભા યોજાઇ, તંત્ર સામે રોષ
VADODARA : વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વિતેલા ચાર મહિનામાં સાત જેટલા મગરના મૃતદેહ મળી આવ્યા હતા. જેને પગલે પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. મગરોના મોતથી વ્યથિત સંસ્થાઓ દ્વારા એકત્ર થઇને શોકસભાનું આયોજન કર્યું હતું. જેમાં મગરના મૃત્યુ અંગેના કારણોની ચર્ચા કરવામાં આવી હતી. આ તકે સંસ્થાના અગ્રણીએ જણાવ્યું કે, વન વિભાગ દ્વારા મગરની મૃત્યુના જુના પીએમ રિપોર્ટ આરટીઆઇમાં આપવામાં આવ્યા છે. જે શંકા ઉપજાવે તેવું છે. (NGO ORGANISED SHANTI SABHA FOR LATE CROCODILES IN VISHWAMITRI RIVER - VADODARA)
પ્રાણી પ્રેમીઓમાં ભારે ચિંતા
વડોદરામાં પૂર નિવારણ માટેના પગલાં ભરવા માટે તંત્ર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ લેવામાં આવ્યો છે. 100 દિવસના ટાર્ગેટ સાથે આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે. દરમિયાન વિતેલા ચાર મહિનામાં 7 મગરોના વિશ્વામિત્રી નદીમાં મૃતદેહ મળી આવ્યા હતા. જેને પગલે પ્રાણી પ્રેમીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ ચિંતા વ્યક્ત કરવા માટે ગતરોજ વિશ્વામિત્રી નદીના યવતેશ્વર ઘાટ પાસે એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોકસભા મૃત મગરોની યાદમાં કરવામાં આવી હતી.
જુના રીપોર્ટ આપવામાં આવ્યા
આ તકે અગ્રણી સંજય સોનીએ જણાવ્યું કે, મારા દ્વારા આરટીઆઇ કરવામાં આવી હતી. જેમાં વન વિભાગ દ્વારા વર્ષ 2024 માં મૃત્યુ પામેલા મગરના પીએમ રીપોર્ટની જગ્યાએ જુના રીપોર્ટ આપવામાં આવ્યા છે. જે શંકા ઉપજાવે તેમ છે. ઉપરા-છાપરી મગરોના મોત શંકાસ્પદ બાબત જણાય છે. અમે બીજું કંઇ નહીં તો શોકસભા તો યોજી જ શકીએ. આગામી સમયમાં વધુ કાર્યવાહી કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ શોકસભામાં 16 સંસ્થા, 40 પ્રકૃતિ પ્રેમીઓ, એક્સપર્ટ અને જાગૃત નાગરિકો જોડાયા હતા.
આ પણ વાંચો --- VADODARA : પોલીસનું કામ મ્યુનિસિપલ કમિશનરે કર્યું, દારૂની ભઠ્ઠી શોધી


