VADODARA : મુંજપુર-ગંભીરા પુલ તૂટતા અવર-જવર ઉપર પ્રતિબંધ, ડાયવર્ઝન રૂટ જાહેર
- આજે સવારે ગંભીરા બ્રિજ તુટી પડવાની ઘટના સામે આવી
- આ ઘટનામાં બ્રિજનો એક ભાગ નદીમાં પડતા અનેક વાહનોમાં પાણીમાં ગરકાવ થયા
- સત્તાવાર રીતે અત્યાર સુધીમાં 9 ના મોત અને 6 ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે
VADODARA : આજ તા. ૦૯/૦૭/૨૦૨૫ ના રોજ વહેલી સવારે વડોદરા જિલ્લાના પાદરા (VADODARA - PADRA) તાલુકાના મુંજપુર ગામ અને આણંદ જિલ્લાને જોડતો મહિસાગર નદી ઉપરનો મુંજપુર-ગંભીરા પુલ તૂટી (GAMBHIRA BRIDGE TRAGEDY) જતા વાહન વ્યવહારના સરળ નિયમન માટે વડોદરાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એસ. પટેલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અંતર્ગત મુંજપુર-ગંભીરા પુલ પુન: કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તથા વૈકલ્પિક રસ્તા તરીકે નીચે મુજબના રૂટનો ઉપયોગ કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
View this post on Instagram
વૈકલ્પિક રૂટની માહિતી નીચે મુજબ રહેશે
૧. વડોદરા થી તારાપુર જતા વાહનોએ સીધા વડોદરા (ફાજલપુર) થઈને વાસદ તરફ જવું.
૨. વડોદરા થી બોરસદ તાલુકાના ગામડાઓ તરફ જતા વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ સિંધરોટ થઇને ઉમેટા નીકળવું. મોટા/ભારે વાહનોએ ફાજલપુર થઈને વાસદ નીકળવું.
૩. પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રીજની જગ્યાએ નાના વાહનોએ સિંધરોટ થઈને ઉમેટા તરફ અને મોટા/ભારે વાહનોને ફાજલપુર થી વાસદ થઈને નીકળવું.
જરૂરી પોલીસ ગાર્ડ તહેનાત કરી દીધા
આ જાહેરનામું પ્રસિદ્ધ થાય તે તારીખથી પુલ પુન: કાર્યરત ન થાય ત્યાં સુધી ઉપર જણાવ્યા મુજબના ડાયવર્ઝનવાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામાની અમલવારી માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ જરૂરી પોલીસ ગાર્ડ તહેનાત કરી દીધા છે. આ જાહેરનામાંનાં કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ પણ વાંચો ---- VADODARA : મોરબી દુર્ઘટના બાદ પણ ગંભીરા બ્રિજની 'દુર્દશા'ની જાણ કરી છતાં કોઇ કાર્યવાહી નહીં


