VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં નદીમાં ખાબકેલી ટાઇલ્સ ભરેલી ટ્રક સુધી પહોંચવા રસ્તો બનાવાશે
- ગંભીરા બ્રિજ તુટી પડતા વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા
- ટ્રકને બહાર કાઢવા માટે વધુ એક ક્રેઇન મંગાવવામાં આવી
- ફ્લડ લાઈટ અને જનરેટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા
VADODARA : આજે સવારે વડોદરાના પાદરા પાસે આવેલા ગંભીરા ઓવર બ્રિજની એક કડી તુટીને પડી છે. આ ઘટના સમયે બ્રિજ પર વાહન-વ્યવહાર ચાલુ હતો. દરમિયાન ટ્રક સહિત 4 થી વધુ વાહનો મહિસાગર નદીમાં ગરકાવ થયા છે. આ દુર્ઘટનામાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 6 જેટલા લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. નદીમાં ખાબકેલી ટ્રક ટાઇલ્સો ભરેલી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્યાં સુધી પહોંચવા માટે તંત્ર દ્વારા માટીવાળો રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે માટે વધારાના જેસીબી સહિતના મશીનો કામે લગાડવામાં આવ્યા છે.
આરોગ્ય કેન્દ્ર ખાતે હતભાગી ના પરિવારો માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી
વહીવટી તંત્રના સુત્રોએ જણાવ્યું કે, વડોદરા જિલ્લાના પાદરા ખાતે બનેલી દુર્ઘટનામાં મહી નદીમાં ફસાયેલી ટ્રકને બહાર કાઢવા માટે વધુ એક ક્રેઇન મંગાવવામાં આવી છે. આ કામગીરી મોડે સુધી ચાલવાની શક્યતાને ધ્યાનમાં રાખી ફ્લડ લાઈટ અને જનરેટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. બીજી બાજુ મૃતદેહોના પોસ્ટમોર્ટમનું તબીબી કરી ત્વરાથી થાય અને તેમના સ્વજનોને સોંપણી થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી છે. પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હતભાગી ના પરિવારો માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ ટ્રક સુધી પહોચવામાં સરળતા રહે તે માટે માટીવાળો રસ્તો બનાવવા માટે વધારાના મશીનો કામે લાગ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો ---- VADODARA : મુંજપુર-ગંભીરા પુલ તૂટતા અવર-જવર ઉપર પ્રતિબંધ, ડાયવર્ઝન રૂટ જાહેર


