VADODARA : પોસ્ટમોર્ટમની કામગીરી પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રમાણે ફાળવવામાં આવી
- વડોદરામાં પોસ્ટમોર્ટમની કામગીરીની બે હોસ્પિટલ વચ્ચે વહેંચણી કરાઇ
- હવેથી એસએસજી હોસ્પિટલ પરના કામનું ભારણ ઘટશે
- તાજેતરમાં જ ગોત્રી હોસ્પિટલમાં પીએમની સુવિધા શરૂ કરવામાં આવી છે
VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) માં હવેથી એસ.એસ.જી. હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) ની સાથે જી.એમ.ઈ.આર.એસ. સંસ્થા દ્વારા સંચાલિત ગોત્રી હોસ્પિટલમાં (GOTRI - GMERS HOSPITAL - VADODARA) પણ પોસ્ટમોર્ટમની કામગીરી (POST MORTEM FACILITY) થશે. વડોદરા શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને કુલ ૨૫ પોલીસ સ્ટેશનને અલગ-અલગ હોસ્પિટલ ફાળવી દીધી છે.
બે સરકારી હોસ્પિટલ વચ્ચે જવાબદારી વહેંચાઇ
જાહેરનામા અંતર્ગત એસ.એસ.જી. હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા હાલ કરવામાં આવતી પોસ્ટમોર્ટમની કામગીરીનું ભારણ ઓછુ કરવા માટે તેમજ વહેલી તકે પોસ્ટમોર્ટમ થાય તે હેતુથી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ગોત્રીના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સીકોલોજી વિભાગ ખાતે પોસ્ટમોર્ટમની કામગીરી શરૂ કરવા માટે વિસ્તાર પ્રમાણે પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવી છે.
એસએસજી હોસ્પિટલને નીચે મુજબના પોલીસ મથક ફળવાયા
વડોદરા શહેરના ૧૭ પોલીસ સ્ટેશન વિસ્તારની પોસ્ટમોર્ટમની કામગીરી એસ.એસ.જી. સરકારી હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ ખાતે થશે. આ પોલીસ સ્ટેશનોમાં છાણી, નંદેસરી, જવાહરનગર, રાવપુરા, નવાપુરા, પાણીગેટ, વાડી, કપુરાઈ, માંજલપુર, મકરપુરા, બાપોદ, સીટી, વારસીયા, કુંભારવાડા, કારેલીબાગ, હરણી અને સમા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.
ગોત્રી હોસ્પિટલને નીચે મુજબના પોલીસ મથક ફળવાયા
આ જ રીતે ગોત્રી, જે. પી. રોડ, અકોટા, અટલાદરા, સયાજીગંજ, ફતેહગંજ, ગોરવા અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન – એમ કુલ ૮ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ગોત્રીના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સીકોલોજી વિભાગ ખાતે થશે.
આ પણ વાંચો ---- VADODARA : જાંબુવાના રહીશનો આક્રોષ ફૂટ્યો, કહ્યું, 'આ સૌથી પછાત ગામ છે'