VADODARA : ખાડાનો વિરોધ કરવા અનોખો કટાક્ષ, 'પાકો રસ્તો આવે તો ગભરાશો નહીં..!'
- વોર્ડ નં - 12 માં કોંગ્રેસના આગેવાન દ્વારા અનોખો વિરોધ કરાયો
- કારની ચારેય બાજુ રસ્તા પર કટાક્ષ કરતા પોસ્ટરો લગાવાયા
- વિસ્તારમાં રોડ-રસ્તાની સમસ્યાને લઇને અનેક વખત રજુઆતો કરાઇ ચૂકી છે
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) નું તંત્ર નાગરિકોને સારા રસ્તા, પીવાનું ચોખ્ખું પાણી સહિત અનેક પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે. આ વાતના અસંખ્યા પુરાવાઓ ચોમાસામાં સામે આવ્યા છે. રોડ રસ્તાને લઇને પાલિકા તંત્ર દ્વારા ગમે તેટલા દાવાઓ કરવામાં આવતા હોય, આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં પાકા રસ્તા નથી અને જ્યાં છે ત્યાં તે સારી હાલતમાં નથી. જેને લઇને હવે પાલિકાની કામગીરી મજાકનો વિષય બની રહી છે. વડોદરા પાલિકાના વહીવટી વોર્ડ નં - 12 માં કોંગ્રેસના આગેવાન દ્વારા કટાક્ષ કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન (UNIQUE PROTEST) કરવામાં આવ્યું છે. ગમે તેટલો વિરોધ કરવામાં આવે છતાં પાલિકાના જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી.
નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો
વડોદરાના બીલ-કલાલી વિસ્તારમાં ખાડામાં રોડ હોય તેવી સ્થિતી છે. આ અંગે અનેક વખત તંત્રને જગાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. છતાં કોઇ નક્કર પરિણામો હજીસુધી સામે આવ્યા નથી. જેને પગલે હવે પાલિકા તંત્ર અને અધિકારીઓ પર કટાક્ષ કરીને મુદ્દા પર તંત્રનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વડોદરા પાલિકાના વહીવટી વોર્ડ નં - 12 ના કોંગ્રેસના આગેવાન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. તેઓ કટાક્ષ ભરેલા લખાણ સાથેનું પોસ્ટર પોતાની ગાડીના ચારેય તરફ લગાવીને વિસ્તારમાં ફરી રહ્યા છે. અને લોકોને ગંભીર સમસ્યાથી અવગત કરાવી રહ્યા છે.
પાલિકાએ ડાન્સીંગ રોડ બનાવીને મુકી દીધા
વડોદરાના વહીવટી વોર્ડ નં - 12 ના કોંગ્રેસના આગેવાન રાકેશ ઠાકોરે અનોખા વિરોધ અંગે કહ્યું કે, મારો વિસ્તાર બીલ, કલાકી ગામને પાલિકાએ રેઢું મુકી દીધું છે. તેઓ કંઇ ગણતા જ નથી. મેં પોસ્ટરમાં લખ્યું છે કે, અચાનક પાકો રસ્તો આવી જાય તો ગભરાશો નહીં, સંયમ રાખજો, થોડી વારમાં પાછો ખાડો આવવાનો છે. કલાલી અને અટલાદરામાં પાલિકાએ ડાન્સીંગ રોડ બનાવીને મુકી દીધા છે. આ પાલિકાના અધિકારીઓ અને તંત્ર વિરૂદ્ધનો કટાક્ષ છે. આ જુઓ તમારા પ્રતાપે અમને ડાન્સ નથી આવડતો છતાં અમે શીખી ગયા છીએ. તમે પણ અમારા વિસ્તારની મુલાકાતે આવજો, તમને મજા પડી જશે.
આ પણ વાંચો ---- VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ એન્જિનિયરો વિરૂદ્ધ ACB માં તપાસ શરૂ


