Vadodara : અકોટામાં મુખ્ય માર્ગ પર મસમોટો ભૂવો પડ્યો, પાલિકાએ પરદા માર્યા
- વડોદરાના અકોટામાં મસમોટો ભૂવો પડ્યો, તંત્રની નિષ્ફળતા ઉજાગર થઇ
- આખી ગાડી ગરકાવ થઇ જાય તેટલા મોટા ભૂવા ફરતે આડાશ ઉભી કરાઇ
- મુજમહુડા બાદ અકોટા વિસ્તારના રોડની દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે
Vadodara : વડોદરા (Vadodara) માં નૂતન વર્ષના ત્રીજા જ દિવસે મુંજમહુડાથી અકોટા તરફ જતા રસ્તા પર આખી ગાડી ગરકાવ થઇ જાય તેટલો મોટો ભૂવો (Huge Pothole - Vadodara) પડ્યો છે. પાલિકાએ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ ભૂવા ફરતે આડાશ અને લીલો પરદો મારી દીધો હોવાનો આરોપ કોંગી આગેવાન દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. દિપાવલી પર્વ પર અલગ અલગ ઇવેન્ટ કરીને લોકોને પાયાની સમસ્યા ભૂલાવી દેવામાં સફળ રહેલું તંત્ર, હવે આ ભૂવાની ક્યારે મરામત કરે છે, તે જોવું રહ્યું.
પાલિકા કમિશનર ઇવેન્ટોમાંથી ઉંચા નથી આવતા
કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ અકોટાથી મુંજમહુડા તરફ જતો રોડ છે. આ રોડ પર નવા વર્ષમાં નવા ભૂવો પડ્યો છે. મુંજમહુડા ખાતે પાલિકાની નિષ્ફળતા સામે આવી હતી જ, હવે અકોટા ખાતે પણ નિષ્ફળતા ઉજાગર કરતો ભૂવો સામે આવ્યો છે. આમાં પાલિકા અને નેતાઓની ભૂલ છે, સાથે જ લોકોએ પણ સચેત બનવાની જરૂરત છે. ક્યારેક એવું પણ બને કે તમે પરિવાર સાથે નીકળ્યા હોવ, અને આવા ખાડામાં પડો, ત્યારે કોની જવાબદારી..! તંત્ર માત્ર વાતો કરશે, થોડાક દિવસ પછી બધુ ભુલાઇ જશે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને જગાડો. નેતાઓ નિષ્ફળ રહ્યા છે, કોઇને કંઇ પડી નથી તેવું લાગી રહ્યું છે. પાલિકા કમિશનર ઇવેન્ટોમાંથી ઉંચા નથી આવતા.
એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો
અત્રે નોંધનીય છે કે, મુંજમહુડા વિસ્તારમાં અત્યાર સુધીમાં શહેરના સૌથી મોટા મોટા ભૂવાઓ પડ્યા હોવાનું સામે આવ્યું છે. પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે આ ભૂવાઓ રિપેર પણ કર્યા છે. પરંતુ તેનું કોઇ કાયમી સમાધાન લાવી શકાયું નથી. વારંવાર પડતા ભૂવા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરીનો પૂરાવો આપી રહ્યા છે. આ ભૂવો પડવાના કારણે એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જેને પગલે નવા વર્ષમાં જ નાગરિકોની તકલીફમાં વધારો થયો છે.
આ પણ વાંચો ------ Vadodara : હિટ એન્ડ રનની ઘટનાઓ વધતા પોલીસ એલર્ટ, ચેકીંગ સઘન કરાયું


