VADODARA : રાયકા ગામે દીપડાએ પશુનું મારણ કર્યું, ગ્રામજનોમાં દહેશત
- વડોદરા ગ્રામ્યમાં દીપડાની હાજરીને પગલે ફફડાટ
- દીપડાએ રાત્રે ગાયનું મારણ કર્યું
- ગ્રામજનોને જાણ થતા સ્થળ પર દોડી ગયા
- વાહનની લાઇટ દીપડા પર પડતા જ તેણે ચાલતી પકડી
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા સાવલીના રાયકા (SAVLI - RAYKA) ગામે ગતરાત્રે દીપડાએ ગાયનું મારણ કર્યું (LEOPARD HUNT) હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે ગ્રામજનોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. આ અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. અને બાદમાં આ અંગેની જાણ ડે.સરપંચને કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. મોડી રાત્રે ભાગોળ પાસે દીપડાએ ગાયનો શિકાર કરીને તેની મીજબાની માણી હતી. જો કે, વાહનની લાઇટ દીપડા પર પડતા જ તે ત્યાંથી પલાયન થઇ ગયો હતો. આ ઘટના બાદ જાગૃત યુવાનો દ્વારા સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમોથી ગ્રામજનોને સતર્ક કરવામાં આવી રહ્યા છે. આ ઘટના અંગે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવતા તેઓએ દીપડાને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોડી રાત્રે મીજબાની માણી રહ્યો હતો
વડોદરા ગ્રામ્યમાં દીપડાની હાજરીના કિસ્સા અગાઉ સામે આવ્યા છે. સામાન્ય સંજોગોમાં દીપડો જ્યારે મારણ કરે ત્યારે આ ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. અગાઉ તમામ કિસ્સાઓમાં દીપડાને વન વિભાગ દ્વારા પાંજરે પૂરવામાં સફળતા મળી છે. ત્યારે ફરી એક વખત વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીના રાયકા ગામે દીપડાની હાજરી નોંધાઇ છે. આ દીપડાએ ગામની ભાગોળમાં ગાયનું મારણ કર્યું છે. અને મોડી રાત્રે તેની મીજબાની માણી રહ્યો હતો. દરમિયાન ગ્રામજનો ત્યાં પહોંચતા જ દીપડો ત્યાંથી રવાના થઇ ગયો હતો. આ ઘટના બાદથી સ્થાનિક ગ્રામજનોને સતર્ક કરી દેવામાં આવ્યા છે.
તકેદારી વર્તવમાં આવી રહી છે
સ્થાનિકે મીડિયાને જણાવ્યું કે, રાયકા ગામના ડેપ્યુટી સરપંચ ચિરાગભાઇને ગ્રામજનોએ જણાવ્યું કે, રાયકા ગામની હદમાં ભાગોળ નજીકમાં ગાયનું મારણ કરવામાં આવ્યું છે. તે બાદ તુરંત ડે. સરપંચ તેમની કારમાં સ્થળ પર આવી પહોંચ્યા હતા. જે સમયે તેઓ આવ્યા ત્યારે દિપડો મારણ કરીને ગાયની નજીક જોવા મળ્યો હતો. જેની તસ્વીરો-વીડિયો ફોનમાં કેદ કરીને તેમણે દીપડાની હાજરી અંગે ગ્રામજનોને સતર્ક કર્યા હતા. હાલમાં સરપંચ અને ગ્રામજનો સ્થળ પર હાજર રહીને તકેદારી વર્તવમાં આવી રહી છે. આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો --- Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં મેઘમહેર, અમદાવાદમાં જાણો શું કરાઇ વરસાદની આગાહી


