VADODARA : ગુજસીટોકના આરોપી સિકલીગર ગેંગ વિરૂદ્ધ 1120 પાનાની ચાર્જશીટ દાખલ
- ગુજસીટોક હેઠળ ફરિયાદ બાદ સિકલીગર ગેંગ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઇ
- સિક્લીગર ગેંગના સભ્યો અલગ અલગ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે
- આરોપીઓના ત્રણ વર્ષના આવકવેરાના રિટર્નની પણ તપાસ કરવામાં આવી
VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) અને આસપાસના વિસ્તારોમાં ચોરી, લૂંટ, વાહનચોરી અને મારામારી જેવા ગંભીર પ્રકારના ગુના આચરતી સિકલીગર ગેંગ (SIKLIGAR GANG) ના 17 સભ્યો સામે ચાર માસ અગાઉ શહેર પોલીસ તંત્ર દ્વારા ગુજસીટોક હેઠળ (GUJCTOC CASE) ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી રાજ્યની વિવિધ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ટોળકીની ધરપકડ થવાને કારણે મિલ્કત સંબંધી ગુનામાં 70 ટકાનો ઘટાડો નોંધાવા સાથે આ ટોળકી પાસેથી દોઢ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી પુરતા પુરાવા એકત્ર કર્યા બાદ તપાસ કરનાર અમલદાર મદદનીશ પોલીસ કમિશ્નર એમ પી ભોજાણી દ્વારા બુધવારે અદાલત સમક્ષ 1120 પાનાની ચાર્જશીટ (COURT CHARGE SHEET) દાખલ કરવામાં આવી છે.
મિલ્કત સંબંધી ગુનામાં 70 ટકાનો ઘટાડો નોંધાયો
સિકલીગર ગેંગ સામે દાખલ થયેલા ગુજસીટોક હેઠળના ગુનાની અને તપાસની વિગતો આપતા એસીપી ભોજાણીએ જણાવ્યું હતું કે સિકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર જોગિન્દરસિંગ અને તેના 17 સાગરિતો શહેર અને આસપાસના વિસ્તારોમાં ચોરી, વાહનચોરી, લૂંટ અને મારામારી જેવા સંગઠિત ગુના આચરતા હોવાનું ગુના શોધક શાખાની તપાસમાં બહાર આવતા ગત 7, માર્ચના રોજ બાપોદ પોલીસ મથકે આ ટોળકીના 17 સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તમામ આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી રાજ્યની વિવિધ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. હાલમાં પણ તમામ આરોપી જેલવાસ ભોગવી રહ્યા છે. જેના કારણે મિલ્કત સંબંધી ગુનામાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ટોળકીના મોટાભાગના સભ્યો અભણ
આ ટોળકી પાસેથી તપાસ દરમિયાન દોઢ કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જેમાં સોના-ચાંદીના દાગીના અને 10.83 લાખ રોકડા મળી આવ્યા છે. પોલીસે આ ટોળકી પાસેથી 834 ગ્રામ સોનું, 5.786 કિલો ચાંદી, સાત ચાંદીના સિક્કા, ચાંદીના વાસણો, 1.11 લાખની સોનાની રણી, 1.24 લાખની સોનાની લગડી, 13 ટુવ્હીલર અને 13 કાર કબ્જે કરવામાં આવી હતી. આ ટોળકીના નાણાંકિય વ્યવહારોની તપાસ માટે 750 બેન્કોની પાસે વિગતો માંગવામાં આવી હતી. તેમજ ત્રણ વર્ષના આવકવેરા રિટર્નની પણ માંગણી કરાઇ હતી. જો કે આ ટોળકીના મોટાભાગના સભ્યો અભણ હોવાના કારણે તેઓ ચોરી-લૂંટમાંથી મળેલી રોકડ મોજશોખ પાછળ ઉડાવી દેતા હોઇ કોઇ સ્થાવર મિલ્કત વસાવી ના હતી. છેલ્લા 120 દિવસથી આ ટોળકી જેલવાસ ભોગવી રહી છે અને સ્પેશ્યલ પબ્લિક પ્રોસીક્યુટર રઘુવીર પંડ્યાની દોરવણી હેઠળ આ ગુનાની તપાસ દરમિયાન પુરતા પુરાવા એકત્ર કરી 1120 પાનાની બુધવારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો ---- VADODARA : 'એક્સીડન્ટ કરકે ક્યું ભાગા', કહી ઝાંસામાં લઇને લૂંટતી ગેંગ ઝબ્બે


